મુંબઈ: ઝડપી બાઈક ચલાવનાર બાઈકરે મહિલાને અડફેટ લેતાં મલ્ટિપલ ફેક્ચર

16 April, 2019 12:57 PM IST  |  | હેમલ આશર

મુંબઈ: ઝડપી બાઈક ચલાવનાર બાઈકરે મહિલાને અડફેટ લેતાં મલ્ટિપલ ફેક્ચર

ગંભીર અવસ્થામાં મહિલા

સાંજે રૂટીન પ્રમાણે ચાલવા નીકળેલાં ૫૧ વર્ષનાં શ્વેતા હટ્ટંગડી માટે છઠ્ઠી એપ્રિલનો ગૂઢીપાડવાનો દિવસ ઘણો ત્રાસદાયક નીવડ્યો હતો. વિલે પાર્લેના શાંત વિસ્તારની પાંખી કે નહીંવત અવર-જવર ધરાવતી ગલીમાં વૉક લેવા નીકળેલા શ્વેતાને પૂરઝડપે આવતા એક બાઇકસવારે એટલી જોરથી ટક્કર મારી કે તે ઊછળીને ઊંધા માથે પટકાયાં. શ્વેતાનાં જડબાંમાં ફ્રેક્ચર થયું છે, તેનું નાક ભાંગી ગયું છે તેમ જ તેની જમણી આંખ નીચેનું હાડકું પણ ભાંગી ગયું છે.

શ્વેતાને ટક્કર મારનારો બાઈકસવાર ભાગી જવાની પેરવી કરી રહ્યો હતો પરંતુ ગૂઢીપાડવાને કારણે રસ્તા પર ટહેલી રહેલા અને મોટો અવાજ સાંભળીને એકઠા થયેલા લોકોએ તેને પકડીને પોલીસમાં સોંપી દીધો હતો. જોકે અકસ્માત કરનારો હાલમાં જામીન પર છૂટી મુક્ત ફરી રહ્યો છે પરંતુ કોઈ પણ ગુના વિના અકસ્માતનો ભોગ બનનાર શ્વેતા તકલીફ વેઠી રહી છે.

આ પણ વાંચો : મુંબઈ: નવઘર ફ્લાયઓવર પર નશામાં રહેલા ડ્રાઇવરે સાત કારને ટક્કર મારી

શ્વેતાના ઇલાજમાં હૉસ્પિટલના લાખો રૂપિયાના બિલ કરતાં વધુ દુ:ખ શ્વેતાના પતિ ગોપાલ ક્રિષ્ણનને શ્વેતાને વેઠવી પડતી તકલીફનું છે. શ્વેતાને હ્રદયરોગના ત્રણ હુમલા આવી ચૂક્યા છે અને થોડા સમય પહેલાં જ તેણે એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. અકસ્માત પછી બાઇકરના પિતા અને ભાઈ ગોપાલ ક્રિષ્ણનને મળવા ગયા હતા. જોકે ગોપાલ ક્રિષ્ણનનું કહેવું એટલું જ છે કે જો તેમના પરિવારની કોઈ મહિલાને આવો અકસ્માત થયો હોત તો અકસ્માત કરનારને તમે માફ કરી શક્યા હોત ખરા?

vile parle gudi padwa mumbai news