સુરતના ગુજરાતી બ્રાહ્મણ મુંબઈમાં ગાયબ

24 April, 2020 10:14 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સુરતના ગુજરાતી બ્રાહ્મણ મુંબઈમાં ગાયબ

અનિલભાઈ છગનભાઈ દવે

આજે કોરોના વાઇરસના સંકટમાં બધા પરેશાન છે ત્યારે સુરતના પરિવાર માટે બીજી પણ એક મોટી મુશ્કેલી આવી પડી છે. આ પરિવારના ૫૭ વર્ષના વડીલ ૧૯ માર્ચે સુરતથી મુંબઈ આવ્યા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેઓ મલાડના માલવણી વિસ્તારમાં પહોંચ્યા બાદ તેમનો ફોન નંબર બંધ થઈ ગયો છે. લૉકડાઉન હોવાથી પરિવારજનો શોધવા માટે બહાર પણ નીકળી નથી શકતા.
સુરત નજીકના બારડોલીમાં આવેલા બાબેન ગામમાં ૫૭ વર્ષના અનિલભાઈ છગનભાઈ દવે તેમના પરિવાર સાથે રહે છે. ૧૯ માર્ચ ૨૦૨૦ના દિવસે તેઓ સુરતથી મુંબઈના મલાડમાં રહેતા મિત્રને મળવા માટે નીકળ્યા હતા અને મલાડ પહોંચ્યા બાદ તેમણે પરિવારજનોને ફોન કરીને કહ્યું હતું કે તેઓ એક દિવસમાં પાછા ઘરે આવી જશે.
જોકે બીજા દિવસે અનિલભાઈનો ફોન ન આવતા તેમની પુણેમાં રહેતી પુત્રીએ કૉલ કરતાં તેઓ માત્ર હલો, હલો જ બોલતા હતા અને ફોન કટ થઈ ગયા બાદ બંધ થઈ ગયો હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.
અનિલભાઈના સુરતમાં રહેતા ભત્રીજા તેજસ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાકા ૧૯ માર્ચે સુરતથી નીકળીને રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. તેમનું છેલ્લું લોકેશન લિંબચિયા હાઉસ, નવજ્યોતિ વિદ્યામંદિરની પાસે, ખારોડી, માલવણીનું આવ્યું હતું, ત્યારથી તેમનો કોઈ પત્તો નથી લાગતો. લૉકડાઉન હોવાથી અમે તેમને શોધવા માટે બહાર પણ નીકળી નથી શકતા. અમે બારડોલી પોલીસ સ્ટેશનમાં તેમના મીસિંગની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની માહિતી મુંબઈ પોલીસને મોકલી દીધી છે, પરંતુ એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં કાકાનો પત્તો નથી લાગતો. મુંબઈમાં રહેતા અમારા કુટુંબીજનો દ્વારા કેટલીક હૉસ્પિટલમાં પણ તપાસ કરી છે, પરંતુ તેઓ ત્યાં પણ નથી.’
તેજસ દવેએ ઉમેર્યું હતું કે ‘કાકાના મોબાઈલ નંબર પરથી તેમને થયેલા ૮-૧૦ કૉલની માહિતી પોલીસે મેળવીને તેઓ ક્યાં છે એ જાણવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાં નિષ્ફળતા મળી છે. એવું નથી કે તેઓ પહેલી વખત મુંબઈ ગયા છે. અવારનવાર તેઓ તેમના મલાડમાં રહેતા કોઈક મિત્રને મળવા જતા એટલે બઈથી પરિચિત છે.’

mumbai malad mumbai news surat