ઘાટકોપરમાં નવી ટિકિટબારી બની, પરંતુ લોકોને એની ખબર જ નથી

19 January, 2020 02:43 PM IST  |  Mumbai Desk

ઘાટકોપરમાં નવી ટિકિટબારી બની, પરંતુ લોકોને એની ખબર જ નથી

નવી ટિકિટબારી બનાવવામાં તો આવી, પણ કોઈ ઉતારુને જાણ ન હોવાથી અહીં કાગડા ઊડે છે એનો દાખલો આપતો આ ફોટો છે. ઇન્સેટમાં ટિકિટબારી તોડી પડાયા બાદ મોકળી જગ્યા.

ઘાટકોપરના મેટ્રો સ્ટેશન પર ઉતારુઓને સુવિધા મળી રહે એ માટે મેટ્રો પ્રશાસન દ્વારા સ્ટેશન પર રેલવે-ટિકિટબારી બનાવવામાં આવી‍. ઉતારુઓની ભારે પ્રમાણમાં ભીડ થતી હોવાથી સ્ટેશન પર કોઈ ધક્કામુક્કી ન થાય એ માટે ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર જગ્યાને મોકળી બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. મેટ્રો પ્રશાસન તાબડતોબ સૂચનને અનુસર્યું અને ઘાટકોપર સ્ટેશન પર બનાવવામાં આવેલી રેલવે-ટિકિટબારીને હટાવીને અન્યત્ર ખસેડી હતી, પણ અન્ય ઠેકાણે ખસેડવામાં આવેલી ટિકિટબારી વિશે કોઈ પણ ઉતારુને જાણ થાય એવું સૂચક-બોર્ડ મૂકવામાં આવ્યું નથી. બે દિવસ પહેલાં ‘મિડ-ડે’ દ્વારા આ સંદર્ભે મેટ્રો પ્રશાસનને જાણ કરવામાં આવી હતી, પણ હજી સુધી ઉતારુઓને જાણકારી મળી રહે એ માટે કોઈ પગલું ભરાયું નથી. મેટ્રો પ્રશાસન દ્વારા નવી ટિકિટબારી બનાવવામાં આવી હોવા છતાં ઉતારુઓને નાહકની મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ વિશે ‘મિડ-ડે’એ મેટ્રોના બિઝનેસ-હેડ શ્યામંતક ચૌધરીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે મેટ્રોએ ઉતારુઓની સુવિધા માટે નવી ટિકિટબારી બનાવી છે અને તેઓને માલૂમ થાય એ માટે અમે બોર્ડ પણ એકાદ-બે દિવસમાં મૂકીશું. નવી ટિકિટબારી બનાવવામાં તો આવી, પણ કોઈ ઉતારુને જાણ ન હોવાથી અહીં કાગડા ઊડે છે એનો દાખલો આપતો આ ફોટો છે. ઇન્સેટમાં ટિકિટબારી તોડી પડાયા બાદ મોકળી જગ્યા.

ghatkopar mumbai news mumbai metro