2014 કરતાં આજે વધુ પરિપક્વ બન્યો છું : ફડણવીસ

20 October, 2019 10:49 AM IST  |  મુંબઈ | ગૌરવ સરકાર

2014 કરતાં આજે વધુ પરિપક્વ બન્યો છું : ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિધાનસભાની અત્યાર સુધીની ચૂંટણીઓમાં ૧૯૭૨માં કૉન્ગ્રેસનો ૨૮૮માંથી ૨૨૨ બેઠકો જીતવાનો વિક્રમ તોડવાનો આત્મવિશ્વાસ દર્શાવતાં આગામી ચૂંટણીમાં શિવસેનાને ફાળે ૮૦ બેઠકો સાથે ભગવી યુતિની જ્વલંત સફળતાની સંભાવના મુખ્ય પ્રધાને વ્યક્ત કરી છે. શુક્રવારે રાતે પત્રકારો સાથે અનૌપચારિક સંવાદ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે મહાજનાદેશ યાત્રાના અનુભવોમાં મુસ્લિમ મહિલાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જેવા મુદ્દાને મહત્ત્વ આપ્યું હતું. જોકે બીજેપીએ એક પણ મુસ્લિમ કાર્યકરને ટિકિટ ન આપી એ બાબતે કાંઈ કહ્યું નહોતું. ફડણવીસે કહ્યું હતું કે હું, મોદીજી અને અન્ય નેતાઓ લગભગ દરેક મતવિસ્તારને ખૂંદી વળીશું અને ચૂંટણીમાં જ્વલંત સફળતા મેળવીશું. પોતે ૨૦૧૪ કરતાં વધુ પરિપક્વ બન્યા હોવાનું પણ તેમણે આ સમયે કહ્યું હતું.

વિવિધ વિષયો પર મુખ્ય પ્રધાનના જવાબ

૩૭૦મી કલમ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની ૩૭૦મી કલમ રદ કરવાની ચર્ચાને અસંબદ્ધ ગણાવતા વિરોધ પક્ષોને ફડણવીસે જણાવ્યું હતું કે ‘કાશ્મીર જેમ ભારતમાં છે એમ મહારાષ્ટ્ર પણ ભારતમાં છે. આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે. બુરખાની આડશમાં છુપાઈને પાછળથી હિલચાલ અને દોરીસંચાર કરતા રાજકીય પક્ષોને હું ઉઘાડા પાડીશ. વિરોધ પક્ષો બચાવની ભૂમિકામાં હોવાથી બીજેપીના રાષ્ટ્રવાદી કાર્ડ સામે કાગારોળ મચાવી રહ્યા છે.’

મનમોહન સિંહનું ભાષણ

ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે દક્ષિણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કરેલા ભાષણને કૉન્ગ્રેસની ‘ડૅમેજ કન્ટ્રોલ એક્સરસાઇઝ’ ગણાવતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘મનમોહન સિંહ કુશળ વહીવટકર્તા હોવા છતાં તેમનું ભાષણ પૂર્ણપણે રાજકીય હતું. જોકે વીર સાવરકર વિશે અગાઉ રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એના કરતાં મનમોહન સિંહની વાત સાવ જુદી હતી. ચૂંટણીનાં આટલાં દબાણ વચ્ચે સાવરકરે મનમોહન સિંહને તેમના મતમાં ફેરફાર કરવાની ફરજ પાડી હતી.’

રોજગાર અને આર્થિક મંદી

રોજગારીના અવસરો વિશે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘આજે સમગ્ર ભારતના રોજગારના અવસરોમાં મહારાષ્ટ્રનો હિસ્સો પચીસ ટકા છે. આ બાબત અભૂતપૂર્વ છે. ૨૦૧૪માં ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)નું પ્રમાણ ૧૬ લાખ કરોડ રૂપિયા હતું અને આજે ૨૬ લાખ કરોડ રૂપિયા છે. આપણી નાણાકીય ખાધ પણ નિયંત્રણમાં છે. મનમોહન સિંહના શાસનકાળની તુલનામાં આજે મહારાષ્ટ્રનો વહીવટી પાયો મજબૂત છે.’

આ પણ વાંચો : પ્રચારનાં પડઘમ શાંત, આવતી કાલે મતદાન

બૅન્કિંગ સેક્ટર

દેવેન્દ્ર ફડણવીસે બૅન્કોની હાલની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે ‘કેટલીક બૅન્કોનો પર્ફોર્મન્સ ખૂબ સારો છે, પરંતુ રિઝર્વ બૅન્કના નિયમોનો ભંગ કરીને લોન-વિતરણમાં પક્ષપાતી વલણ દ્વારા કૌભાંડ આચરનારી બૅન્કોને કારણે બૅન્કિંગ સિસ્ટમ દબાણમાં છે. જોકે આવી બૅન્કોને દબાવી દેવાનો આ ઉચિત સમય છે. આ સમયે જ રિઝર્વ બૅન્કે પોતાની ઑડિટિંગ પૉલિસી સખતાઈથી તપાસવાની જરૂર છે. સરકાર પીએમસી બૅન્કને મર્જર કરવાની શક્યતાને ચકાસશે. કૌભાંડને લીધે મુશ્કેલીમાં મુકાયેલી બૅન્કમાંથી નાણાંના ઉપાડ પર પ્રતિબંધથી પરેશાની ભોગવી રહેલા ડિપોઝિટરોના રૂપિયા સલામત રહેશે.

mumbai news Election 2019 devendra fadnavis gaurav sarkar bharatiya janata party congress