ભારત-પાક બૉર્ડરચા રાજા ચાલ્યા જમ્મુ-કાશ્મીર

28 August, 2019 10:36 AM IST  |  મુંબઈ

ભારત-પાક બૉર્ડરચા રાજા ચાલ્યા જમ્મુ-કાશ્મીર

સોમવારે મુંબઈથી ટ્રેનના લગેજ કોચમાં રવાના કરાયેલી ગણેશમૂર્તિઓ આજે જમ્મુ-કાશ્મીર પહોંચશે.

ગણેશોત્સવ નજીકમાં છે ત્યારે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. મુંબઈમાં ગણપતિબાપ્પાના આગમનની તૈયારી અંતિમ તબક્કા છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે એવા સમયે કાશ્મીરના લોકપ્રિય બાપ્પાના આગમનની રાહ જોવાઈ રહી છે. સોમવારે મુંબઈથી ભારત-પાક બૉર્ડરના રાજા કાશ્મીર જવા માટે ટ્રેનમાં રવાના થયા હતા. સૈનિકોનું મનોબળ વધારવા માટે છેલ્લાં ૧૦ વર્ષથી ભારત-પાક સીમા પર ગણપતિબાપ્પાની સ્થાપના કરવામાં આવે છે.

કલમ-૩૭૦ નાબૂદ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં તણાવ હોવા છતાં અહીં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. કાશ્મીરના ગણેશભક્ત કિરણ ઇશર મુંબઈથી ગણપતિદાદાની ત્રણ મૂર્તિ સાથે રવાના થયા હતા, જેમાં ૬.૫ ફુટની એક મોટી મૂર્તિ સાથે બે નાની મૂર્તિ પણ છે.

કુર્લાના એલબીએસ રોડ પર આવેલી શ્રી સિદ્ધિવિનાયક ચિત્રશાળાના દિવ્યાંગ વિક્રાંત પંઢારે દ્વારા બનાવવામાં આવેલી ત્રણેય ગણેશમૂર્તિને સોમવારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને લવાઈ ત્યારે બાપ્પાનું સ્વાગત કરવા માટે સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. એ રંગોળીમાં ભારતના નકશામાં ‘ભારત-પાક બૉર્ડરના રાજા’ લખવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં પૂંછ વિસ્તારમાં રહેતા કિરણ ઇશરે કહ્યું હતું કે અમે ૧૦ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરીએ છીએ. સીમા પર તહેનાત સેનાના જવાનોનું મનોબળ વધારવા માટે અને નાગરિકોમાં ભયમુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે અમે આ ઉજવણી કરીએ છીએ.

આ પણ વાંચો : ગણેશોત્સવ માટે કોકણ રેલવેમાં 210 સ્પેશ્યલ ફેરીઓ

પાંચમી ઑગસ્ટે કલમ-૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ-કાશ્મીરમાં કરફ્યુની સ્થિતિ છે, જેમાં હવે ધીમે-ધીમે છૂટ અપાતાં લોકો ઘરની બહાર નીકળવા માંડ્યા છે. કાશ્મીરના ભયમાં જીવી રહેલા લોકોમાં ભારત સરકાર તેમની સાથે છે એનો મેસેજ પણ આવા ઉત્સવથી આપવા શિવ દુર્ગા ભૈરવ મંડળ ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવ ઊજવાય છે. મોટી મૂર્તિને પૂંછમાં લાઇન ઑફ કન્ટ્રોલ પાસે જ્યારે બાકીની બે મૂર્તિ મરાઠા રેજિમેન્ટને આપવામાં આવશે.

ganesh chaturthi mumbai news