વિપક્ષના ભૂતપૂર્વ નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ હવે બીજેપીમાં જોડાવા સજ્જ

05 June, 2019 10:31 AM IST  |  | ધર્મેન્દ્ર જોરે

વિપક્ષના ભૂતપૂર્વ નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ હવે બીજેપીમાં જોડાવા સજ્જ

રાધાકૃષ્ણ વિખે-પાટીલ હવે બીજેપીમાં જોડાવા સજ્જ

તાજેતરની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભયંકર પછડાટના અનુભવ પછી કૉન્ગ્રેસમાં પરાજય માટે સામસામે દોષારોપણનો સિલસિલો આગળ વધી રહ્યો છે. રોષ અને ધૂંધવાટને કારણે કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં જોડાવા માટે કૉન્ગ્રેસના લોકપ્રતિનિધિઓની કતાર લાગી છે. રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના હોદ્દા પર રહી ચૂકેલા રાધાકૃષ્ણ વિખે-પાટીલે એ હોદ્દો છોડ્યા પછી પક્ષ છોડવાની સત્તાવાર જાહેરાત પણ ગઈ કાલે કરી હતી.

રાધાકૃષ્ણ વિખે-પાટીલે ગઈ કાલે કૉન્ગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને બીજેપીમાં જોડાવાના ઇરાદાની જાહેરાત કરી હતી. ગયા મહિને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું હતું. કૉન્ગ્રેસના અન્ય વિધાનસભ્ય અબ્દુલ સત્તાર પણ વિધાનસભ્યનો હોદ્દો અને કૉન્ગ્રેસ પણ છોડી ચૂક્યા છે. વિખે-પાટીલની પાછળ કૉન્ગ્રેસ છોડનારા અબ્દુલ સત્તારે બીજા દસ કૉન્ગ્રેસી વિધાનસભ્યો બીજેપીમાં જોડાવાના હોવાનું ગઈ કાલે જણાવ્યું હતું. બીજેપીમાં જોડાવા થનગનતા અન્ય કૉન્ગ્રેસી વિધાનસભ્યોમાં જયકુમાર ગોરે (માણ-સાતારા), ભરત ભાલકે (પંઢરપુર) અને કાલિદાસ કોળંબકર (વડાલા) મોખરે છે. અબ્દુલ સત્તારે જણાવ્યું હતું કે અમે પક્ષને વેરવિખેર કરનારા કૉન્ગ્રેસના રાજ્યના નેતૃત્વથી નિરાશ થયા છીએ.

વિખે-પાટીલની નારાજગી શા માટે?

રાધાકૃષ્ણ વિખે-પાટીલ લાંબા વખતથી નાના-મોટા કારણોસર કૉન્ગ્રેસના ટોચના નેતાઓ અને રાજ્યના નેતાઓ સાથે અણબનાવ જેવી સ્થિતિનો સામનો કરતા હતા, એવામાં લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીમાં સહયોગી પક્ષ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે એને ફાળે ગયેલી અહમદનગરની બેઠક છોડવાનો ઇનકાર કર્યો હતો. એથી રાધાકૃષ્ણ વિખે-પાટીલના પુત્ર સુજયને કૉન્ગ્રેસની અહમદનગરની ટિકિટ મળી નહોતી. અહમદનગરની બેઠક છોડવાનો ઇનકાર કરતાં શરદ પવારે વિખે-પાટીલ પરિવાર સાથે જૂનું વેર યાદ રાખીને રાધાકૃષ્ણના સ્વર્ગસ્થ પિતા બાળાસાહેબ વિશે બિનજરૂરી ટીકા-ટિપ્પણો કરતાં વેરભાવ વધી ગયો હતો. એ સંજોગોમાં કૉન્ગ્રેસના મોવડીમંડળે મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવતાં રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને એમના પુત્ર સુજય બન્નેને કૉન્ગ્રેસ છોડવા સિવાય કોઈ વિકલ્પ જણાયો નહોતો. સુજયે બીજેપીમાં જોડાઈને લોકસભાની ચૂંટણી જંગી સરસાઈથી જીતી હતી. પિતા રાધાકૃષ્ણે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના હોદ્દા પરથી રાજીનામું આપીને કૉન્ગ્રેસના નેતાઓની પરવા કર્યા વગર સુજયનો પ્રચાર કર્યો હતો. 

રાધાકૃષ્ણ વિખે-પાટીલે શું કહ્યું?

મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના સ્તંભ સમાન નેતાઓમાંથી એક રાધાકૃષ્ણ વિખે-પાટીલે ગઈ કાલે પક્ષના વિધાનસભ્યપદેથી રાજીનામું આપ્યા પછી મીડિયા પર્સન્સને જણાવ્યું હતું કે ‘બીજેપીમાં જોડાવા બાબતે કૉન્ગ્રેસના અનેક વિધાનસભ્યો મને મળતા રહે છે. હું તેમના તરફથી વાટાઘાટ કરું એવી એમની અપેક્ષા છે. જેથી બીજેપીમાં એમનું રાજકીય ભાવિ સુરક્ષિત બને. એ લોકો મારા ટેકેદારો છે અને એમને મારામાં પૂર્ણ વિશ્વાસ છે. હું એમના તરફથી બીજેપીના નેતાઓ સાથે મંત્રણા કરવાને સક્ષમ હોવાનું તેઓ માને છે.’

વિખે-પાટીલને પ્રધાનપદ મળશે?

રાધાકૃષ્ણ વિખે-પાટીલને બીજેપીમાં સામેલ કરવાથી રાજ્યમાં કૉન્ગ્રેસ નબળી પડવાની અને બીજેપી વધારે મજબૂત બનવાની ધારણા સાથે એમને પ્રધાનપદ આપવાની શક્યતા છે. આવતા મહિને વિધાનમંડળનું ચોમાસુ સત્ર શરૂ થશે. એ પહેલાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે ત્યારે વિખે-પાટીલને નોંધપાત્ર મંત્રાલયનું પ્રધાનપદ સોંપે એવી શક્યતા છે. દરમ્યાન લોકસભાની પુણેની બેઠક પરથી ચૂંટાયેલા ગિરીશ બાપટે રાજ્ય સરકારના પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હોવાથી શક્યતાઓ વધી ગઈ છે. રાધાકૃષ્ણ વિખે-પાટીલ ભાવિ કામગીરી વિશે ચર્ચા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.

 

mumbai news gujarati mid-day