વર્સોવા પોલીસ-સ્ટેશને આદિત્ય પંચોલી સામે બળાત્કારનો ગુનો નોંધાયો

28 June, 2019 09:01 AM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

વર્સોવા પોલીસ-સ્ટેશને આદિત્ય પંચોલી સામે બળાત્કારનો ગુનો નોંધાયો

આદિત્ય પંચોલી

બૉલીવુડની અગ્રણી અભિનેત્રીએ ગઈ કાલે પૂર્ણ બયાન નોંધાવ્યા પછી વર્સોવા પોલીસ-સ્ટેશને અભિનેતા આદિત્ય પંચોલી સામે બળાત્કાર અને હિંસક હુમલા સહિત વિવિધ આરોપસર ઇન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કથિત અભિનેત્રી કેટલાંક અઠવાડિયાં પહેલાં બયાન નોંધાવવા માટે વર્સોવા પોલીસ-સ્ટેશનમાં ગઈ હતી, પરંતુ ફરિયાદ નોંધાવવાની વિધિ દરમ્યાન અધવચ્ચેથી વાત અટકાવીને અંગત કારણો દર્શાવતાં બહાર નીકળી ગઈ હતી.

બળાત્કારનો ભોગ બનેલી મનાતી અભિનેત્રીની બહેને આદિત્ય પંચોલીએ મારઝૂડ અને જાતીય શોષણ કર્યાની જાણ કરતો ઈ-મેઇલ મેસેજ મોકલ્યા પછી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ આદિત્ય સામે એફઆઇઆર નોંધવા માટે એ અભિનેત્રીનું આખું બયાન નોંધવાની રાહ જોતા હતા. એ અભિનેત્રી બયાનની બાકી વિગતો પૂરી કરવા માટે બુધવારે સાંજે પોલીસ-સ્ટેશનમાં જવાની હતી, પરંતુ એ વખતે તે પહોંચી નહોતી.

ગઈ કાલે એ અભિનત્રીએ બયાન નોંધાવ્યા પછી બળાત્કાર (કલમ ૩૭૬), ગુનો આચરવા માટે ઝેરયુક્ત પદાર્થ વડે તકલીફ આપવી (કલમ ૩૨૮), ખંડણી માગવી (કલમ ૩૮૪), ગુનહિત હેતુ માટે ગોંધી રાખવી (કલમ ૩૪૨), ઇરાદાપૂર્વક ઈજા કરવી (કલમ ૩૨૩), ગુનાહિત હેરાનગતિ (કલમ ૫૦૬) મુજબ વર્સોવા પોલીસ-સ્ટેશને કેસ નોંધ્યા હતા. બળાત્કારનો ભોગ બનેલી મનાતી અભિનેત્રીની બહેને ગયા એપ્રિલ મહિનામાં આદિત્ય પંચોલીએ ૧૩ વર્ષ પહેલાં એ અભિનેત્રીનું જાતીય શોષણ કર્યાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: 9 વર્ષની બે છોકરીઓએ રચ્યું પોતાના કિડનૅપિંગનું નાટક

આદિત્ય પંચોલીએ ગઈ ૧૨ મેએ આપેલા બયાનમાં અભિનેત્રીના આરોપો નકાર્યા હતા. વર્સોવા પોલીસ-સ્ટેશને નોંધેલા એફઆઇઆર બાબતે આદિત્ય પંચોલીએ જણાવ્યું હતું કે ‘એ અભિનેત્રી સામેના મારી બદનક્ષીના દાવા હું પાછા ન ખેંચું તો એ લોકો મારી સામે બળાત્કારનો ખોટો કેસ નોંધાવશે, એ હું જાણતો હતો. એ બાબત મેં મુંબઈ પોલીસને અગાઉથી જણાવી હતી. જો આવી મહિલાઓ આ રીતે કાયદાનો દુરુપયોગ કરશે તો ખરેખર બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓનું શું થશે?’

Crime News mumbai crime news aditya pancholi versova