યુવાનના મૃત્યુની ઘટના પછી વડાલા TT પોલીસ-સ્ટેશનમાં ચાર CCTV કૅમેરા

04 November, 2019 03:30 PM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

યુવાનના મૃત્યુની ઘટના પછી વડાલા TT પોલીસ-સ્ટેશનમાં ચાર CCTV કૅમેરા

પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન વિજય સિંહનો પરિવાર અને વકીલ.

વડાલા ટીટી પોલીસ સ્ટેશનની અંદર અને બહાર ચાર સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. વિજય સિંહ નામના ૨૬ વર્ષના યુવકના પોલીસ-કસ્ટડીમાં થયેલા મૃત્યુની ઘટના પછી વડાલા ટીટી પોલીસ-સ્ટેશનમાં સીસીટીવી સર્વેલન્સના અભાવ વિશે પ્રસારમાધ્યમોમાં ઊહાપોહ થતાં સત્તાવાળાઓએ ઉતાવળે નિર્ણય લઈને સીસીટીવી કૅમેરા ગોઠવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીઓએ પણ એ પોલીસ-સ્ટેશનમાં સીસીટીવી કૅમેરાના અભાવનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતમાં એ પોલીસ-સ્ટેશનના સીસીટીવી કૅમેરા નિષ્ક્રિય હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. 

વિજય સિંહે એક મહિલા સાથે કહેવાતાં શારીરિક અડપલાં કર્યા પછી એ દંપતી સાથે વિજય અને તેના પિતરાઈ ભાઈએ ઝપાઝપી કરી હતી. એ ઘટનાને પગલે વિજયને વડાલા ટીટી પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયો હતો. પોલીસ-સ્ટેશનમાં ૨૭ ઑક્ટોબરે મધરાતે વિજય મૃત્યુ પામ્યો હતો. પોલીસે બેફામ મારઝૂડ કરવાને કારણે વિજય સિંહ મૃત્યુ પામ્યો હોવાનો આરોપ તેના કુટુંબીજનોએ મૂક્યો હતો. એ ઘટનાના અનુસંધાનમાં વડાલા ટીટી પોલીસ-સ્ટેશનના પાંચ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિજયનો પરિવાર મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ સ્ટાફર્સને બચાવવા માટે એફઆઇઆર નોંધ્યા વગર તપાસ કરતી હોવાનો આરોપ મૂકતાં કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી કરે છે. કસ્ટોડિયલ ડેથના આ કેસની સીબીઆઇ દ્વારા તપાસની માગણી માટે મુંબઈ વડી અદાલતમાં અરજી કરવાના હોવાનું વિજયના પરિવારના વકીલ વિનય નાયરે જણાવ્યું હતું.

વિજય સિંહના પિતા હૃદય સિંહે જણાવ્યું હતું કે ‘મેં મારો પુત્ર ગુમાવ્યો છે. હું જાણું છું કે તે પાછો આવવાનો નથી. અન્ય માતા-પિતાને આવું દુઃખ ન સહેવું પડે એ માટે ન્યાય મેળવવાની મારી અપેક્ષા છે. મેં અને મારા આખા પરિવારે વિજયને મરતો જોયો છે. પોલીસમાં સહેજ પણ માનવતા નહોતી. વિજયને ચક્કર આવતાં તે ઢળી પડ્યા પછી તેને હૉસ્પિટલ લઈ જવાની વિનવણી કરી હતી, પરંતુ એ લોકો તેને સારવાર માટે ડૉક્ટર પાસે લઈ જવા દેવા ઇચ્છતા નહોતા. એ લોકોએ કહ્યું કે ‘અમારાં વાહનોમાં પેટ્રોલ-ડીઝલ નથી.’ મેં બહાર એક ઓલા ટૅક્સી-ડ્રાઇવરને જોયો. તેની મદદથી વિજયને સાયન હૉસ્પિટલ લઈ ગયો. રસ્તામાં મેં વિજયની નાડી તપાસી ત્યારે તે મૃત્યુ પામ્યો હોવાનું સમજાઈ ગયું હતું. વિજયના મૃત્યુ પછી પોલીસનાં ડઝનેક વાહનો સાયન હૉસ્પિટલ પહોંચ્યાં હતાં. એ વખતે તેમનાં વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ક્યાંથી આવ્યું એ મને સમજાતું નથી. મને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પર ભરોસો નથી. એ લોકો એફઆઇઆર નોંધ્યા વગર સસ્પેન્ડેડ પોલીસ સ્ટાફર્સ સામે તપાસ કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન આ કેસની તપાસ સીબીઆઇને સોંપે એવી અમારી માગણી છે.’

વિજયની એ દંપતી સાથે ઝપાઝપી વખતે હાજર તેના પિતરાઈ ભાઈ નિર્મલ સિંહે જણાવ્યું હતું કે ‘મહિલાએ વિજયને બળાત્કાર કે મર્યાદાભંગનો કેસ ફાઇલ કરવાની ધમકી આપી હતી. વિજયની પહેલાં એ દંપતીએ અને પછી પોલીસે સખત મારઝૂડ કરી હતી. મારો ભાઈ વિજય દિવાળી ઊજવ્યા પછી ફોન પર તેની ફિયાન્સી સાથે વાત કરવા માટે આરટીઓ પાસે જતો હતો. હું વડાલા પોલીસ-સ્ટેશનની પાછળના પેટ્રોલ પમ્પ પાસે એક મિત્ર સાથે ઊભો હતો. ત્યાંથી નીકળતી વખતે મેં કોઈકની સખત મારઝૂડ કરવામાં આવતી હોવાનું જોયું હતું. વિજય એ વિસ્તારમાં હોવાનું જાણતો હોવાથી મેં તેની મોટરસાઇકલ શોધી. મોટરસાઇકલ રોડ પર પડી હતી. મેં એક દંપતીને વિજયને મારઝૂડ કરતું જોયું. એમાંની મહિલાને વિજયે છોડી દેવાનું કહ્યું ત્યારે તેણે બળાત્કાર કે મર્યાદાભંગનો દાવો માંડવાની ધમકી આપી હતી. એવામાં અચાનક પોલીસનું એક વાહન આવ્યું અને અમને બધાને પોલીસ-સ્ટેશન લઈ ગયું. વિજયે કહ્યું કે મારી બાઇકની હેડલાઇટના પ્રકાશને લીધે પતિ-પત્ની ઉશ્કેરાયાં હતાં. વિજયે માફી માગ્યા છતાં એ લોકોએ ઝઘડવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાએ વિજય પર વિનયભંગનો આરોપ મૂક્યા પછી પોલીસે વૅનમાં વિજયની મારઝૂડ કરવા માંડી અને પોલીસ-સ્ટેશન પહોંચ્યા પછી તેને લૉક-અપમાં પૂરી દીધો હતો. અમે અમારી વાત સાંભળવાની પોલીસને વિનવણી કરી ત્યારે તેમણે કહ્યું, ‘દિવાલી તુમ્હારા યહી કટેગા’. થોડા વખત પછી વિજયે છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે હૉસ્પિટલ લઈ જવાની વિનંતી કરી. એ વિનંતી પોલીસવાળાઓએ ન સાંભળી. પીડા અસહ્ય બનતાં વિજયે આક્રંદ શરૂ કરતાં તેને લૉક-અપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.’

wadala central bureau of investigation mumbai crime branch mumbai news Crime News