મુંબઈ: ટ્રાન્સ વુમનની મારપીટ બદલ ત્રણ જણની ધરપકડ

30 October, 2019 10:24 AM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

મુંબઈ: ટ્રાન્સ વુમનની મારપીટ બદલ ત્રણ જણની ધરપકડ

મૉડલ શિવાલી છેત્રી

અંધેરીના એક બારમાં ટ્રાન્સ વુમનની છેડતી અને મારપીટ કરવાની ઘટના બાબતે ‘મિડ-ડે’ને સોમવારના રિપોર્ટ બાદ એમઆઇડીસી પોલીસે ગઈ કાલે સાયનમાં રહેતા ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદી મૉડલ શિવાલી છેત્રીએ આરોપ મૂક્યો હતો કે પોલીસે ફરિયાદ લેવાને બદલે આરોપીઓને માત્ર નોટિસ મોકલીને છોડી દીધા હતા.

૨૮ ઑક્ટોબરે બનેલી ઘટનામાં પોલીસે સાયનમાં રહેતા ૨૮ વર્ષના વિજય હુરમાથકર, ૩૦ વર્ષના ગણેશ કદમ અને ૨૫ વર્ષના વિશેષ સોલંકીની ધરપકડ કરી હતી. બાંદરાની હૉલિડે કોર્ટમાં હાજર કરાયા બાદ તેમને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
આરોપી વતી કોર્ટમાં હાજર થયેલા લૉયર દેવાનંદ માણગાવકરે કહ્યું હતું કે ‘મારા અસીલો સામેના આરોપ પાયાવિહોણા છે.

ફરિયાદી અને આરોપીઓ એકમેકને ઓળખે છે અને તેઓ ઘટના બની એ બારમાં પાર્ટી મનાવી રહ્યાં હતાં. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ બરાબર ચકાસવાં જોઈએ. આ ફરિયાદ બદઇરાદાપૂર્વક કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. જોકે પોતે આરોપીઓને ઓળખતી હોવાનો ફરિયાદી શિવાલી છેત્રીએ ઇનકાર કર્યો હતો.

એમઆઇડીસી પોલીસે કહ્યું હતું કે પીડિત મહિલા ટ્રાન્સજેન્ડર હોવાનું મેડિકલ રિપોર્ટમાં પુરવાર થયા બાદ અમે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની આઇપીસીની કલમ ૩૫૪ (બી), ૩૨૪ અને ૩૪ હેઠળ કાર્યવાહી કરી હતી.

સોમવારના ‘મિડ-ડે’ના રિપોર્ટમાં છપાયું હતું કે ૨૯ વર્ષની મૉડલની બારમાં છેડતી કરવાની સાથોસાથ મારપીટ કરવામાં આવી હતી. મૉડલે કહ્યું હતું કે ૨૩ ઑક્ટોબરે રાતે ૧.૩૦ વાગ્યે અંધેરીમાં આવેલી એક રેસ્ટોરાંમાં હું એક બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી ત્યારે ત્રણેય આરોપીએ મારી છેડતી કરવાની સાથે મારપીટ પણ કરી હતી.

આ પણ વાંચો : ઇકબાલ મિર્ચી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ઈડીએ નોટિસ ફટકારી

પોતે મદદ માટે બૂમો પાડી ત્યારે ત્રણેય જણ ઑટોમાં બેસીને ભાગી ગયા હતા. પોતે તેમનો પવઈ સુધી પીછો કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે જોકે આરોપીઓની ધરપકડ કરવાને બદલે તેમને માત્ર નોટિસ પકડાવીને છોડી મૂક્યા હતા.

mumbai news Crime News mumbai crime news andheri