દિવાળી કોની? બીજેપી કે શિવસેનાની...

24 October, 2019 09:43 AM IST  |  મુંબઈ

દિવાળી કોની? બીજેપી કે શિવસેનાની...

બીજેપી-શિવસેના

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ગણતરીના કલાકોમાં આવવાની શરૂઆત થશે. મતદાન પછીના તમામ એક્ઝિટ પોલમાં બીજેપી-સેનાની મહાયુતિ મોટો વિજય મેળવે એવી શક્યતા દર્શાવાઈ છે, પણ બીજેપી એકલે હાથે સરકાર બનાવી શકે એટલી ૧૪૫ બેઠક મેળવી શકશે કે કેમ અને શિવસેનાનો આંકડો કેટલો વધે છે એના પર સૌની નજર છે. હા, એ તો નક્કી કેન્દ્રની જેમ જ બીજેપી ભગવી યુતિની જ સરકાર ચાલુ રાખશે અને સાથી પક્ષને છેહ નહીં આપે. જોકે આ વિધાનસભાના પરિણામોમાં બીજેપી શિવસેનાને કદ પ્રમાણે વેતરી નાખે એવી સંભાવના પણ છે.

મહારાષ્ટ્ર બીજેપીએ તો મોટો વિજય મેળવવાના વિશ્વાસ સાથે ગઈ કાલે જ વિજયની ઉજવણી માટે લાડવા બનાવીને તૈયારી કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈના ગુજરાતી ઉમેદવારો યોગેશ સાગર, પરાગ શાહ અને મિહિર કોટેચાના ભાવિ અંગે પણ ચર્ચા છે.

૨૧ ઑક્ટોબરે રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભા બેઠકો ઉપર ૬૧.૧૩ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં બીજેપીએ મહાયુતિમાં શિવસેનાને ૧૨૪ બેઠક ફાળવીને બાકીની તમામ એટલે કે ૧૬૪ બેઠકો પર કમળના ચિહ્ન સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

દલિત સહિતના નાના પક્ષોને ફાળવેલી બેઠકોમાં ઉમેદવારોને બીજેપીના પ્રતીક પર ચૂંટણી લડવા પાછળનું ગણિત પક્ષ રાજ્યમાં પહેલી વખત બહુમતી માટેનો ૧૪૫નો આંકડો પાર કરવાનું હોઈ શકે છે. આમ થશે તો રાજ્યના ઇતિહાસમાં દાયકાઓ બાદ કોઈ એક પક્ષ એકલે હાથે બહુમતી મેળવશે.

જો કે કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની જેમ ૨૦૧૪ અને ૨૦૧૯માં એકલે હાથે બહુમતી મેળવ્યા બાદ પણ બીજેપીએ સાથી પક્ષોને સરકારમાં સામેલ કર્યા હતા. આવો જ વ્યૂહ મહારાષ્ટ્રમાં અપનાવવાની શક્યતા નકારી ન શકાય.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે અમને ખબર છે કે અમે ફરી સત્તા મેળવીશું. માત્ર કેટલી બેઠકો મેળવીશું એની ઉત્સુકતા છે. તમામ એક્ઝિટ પોલના આંકડા મુજબ બીજેપીને મોટો ફાયદો થવાની શક્યતા જોઈને શિવસેનાના સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં શિવસેનાને છોડીને બીજેપી રાજ નહીં કરી શકે. રાજ્યમાં પહેલી વખત શિવસેનાએ બીજેપી સામે નાના ભાઈની હકીકત સ્વીકારી છે. આવી સ્થિતિમાં બીજેપીની સાથે શિવસેના ૨૦૧૪ કરતાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે તો કૉન્ગ્રેસ-એનસીપીના ગઠબંધનને મોટું નુકસાન થશે.

mumbai news Election 2019 bharatiya janata party shiv sena uddhav thackeray devendra fadnavis