ન્યુ યરની લોખંડબજારને મોટી ગિફ્ટ:બે ટકા LBTમાંથી મુક્તિ

02 January, 2019 10:25 AM IST  |  મુંબઈ | રોહિત પરીખ અને પૂજા ધોડપકર

ન્યુ યરની લોખંડબજારને મોટી ગિફ્ટ:બે ટકા LBTમાંથી મુક્તિ

સ્ટીલના વેપારીઓની સમસ્યા રજૂ કરવા ગયેલા ફામના પ્રતિનિધિમંડળ સાથે દેવેન્દ્ર ફડણવીસ.

 તળોજાની આયર્ન અને સ્ટીલ માર્કેટના વેપારીઓને નવા વર્ષે મોટી રાહત મળી છે. રાજ્ય સરકારની ગઈ કાલે મળેલી કૅબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્ટીલ અને આયર્નના વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવતો લોકલ બૉડી ટૅક્સ (LBT) માફ કરી દેવામાં આવશે.

૨૦૧૬માં પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશને ૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને બે ટકા LBT ભરવાનો આદેશ આપ્યો હતો. એની સામે ફામના વેપારીઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. મુખ્ય પ્રધાને વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે માર્જિન ઓછું હોવાથી તેમને LBTમાંથી મુક્તિ મળશે. જોકે પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશને પહેલી જાન્યુઆરીથી ૧૬ માર્ચ ૨૦૧૭ સુધીનો LBT ભરવા નોટિસ ઇશ્યુ કરી હતી. આ નોટિસના વિરોધમાં ફામના વેપારીઓ ફરી મુખ્ય પ્રધાન પાસે ગયા હતા.

સરકારે અમારી માગણી પૂરી કરી છે અને આ નિર્ણયથી તળોજાના સેંકડો વેપારીઓને લાભ મળશે એમ જણાવીને ફામના જનરલ સેક્રેટરી આશિષ મહેતાએ કહ્યું હતું કે ‘આયર્ન અને સ્ટીલ માર્કેટમાં અત્યારે અડધાથી દોઢ ટકાના પ્રૉફિટ-માર્જિન પર વેપારીઓ કામ કરી રહ્યા છે એટલે વેપારીઓ બે ટકા ટૅક્સ કેવી રીતે ભરી શકે? આ મુદ્દાઓ સાથે અમે મુખ્ય પ્રધાનને મળ્યા હતા અને અમારી સમસ્યા તેમની સામે વ્યક્ત કરી હતી. હવે માત્ર રિટર્ન્સ ભરવાનું રહેશે, ટૅક્સની રકમમાંથી કાયમી ધોરણે મુક્તિ મળી છે.’

૨૦૧૭માં અમે નાણાપ્રધાન સુધીર મુનગંટીવારને આ બાબતે રજૂઆત કરી હતી. તેમણે અમારી મુલાકાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે કરાવી હતી. મુખ્ય પ્રધાને પહેલી વખતમાં જ અમને આશ્વાસન આપ્યું હતું કે ટૅક્સમાંથી મુક્ત મળશે. જોકે ટેક્નિકલ કારણોને પગલે તથા મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓના કારણે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો.

આ પણ વાંચો : ફોન પર સતત વાત કરતી ટીનેજરને પપ્પાએ સળગાવી દીધી

કૅબિનેટની બેઠકમાં તળોજા સહિત કલ્યાણ અને ડોમ્બિવલીના વેપારીઓ માટે પણ રાહતભર્યો નિર્ણય લેવાયો હતો. લાંબા સમયથી કલ્યાણ અને ડોમ્બિવલીના સ્ટીલના વેપારીઓ પર LBT ઉપર લગાડવામાં આવેલી પેનલ્ટી અને ઇન્ટરેસ્ટની રકમ માફ કરવાની અભય યોજનાનો લાભ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તળોજા સહિત કલ્યાણ-ડોમ્બિવલીના વેપારીઓએ પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ બાબતે રજૂઆત કરી હતી.

mumbai news devendra fadnavis