દુકાળને લીધે મહારાષ્ટ્રમાં ખાદ્ય તેલ લૂઝ વેચવાની છૂટ

06 February, 2019 10:03 AM IST  |  | રોહિત પરીખ

દુકાળને લીધે મહારાષ્ટ્રમાં ખાદ્ય તેલ લૂઝ વેચવાની છૂટ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં ફરી એક વાર દુકાળ અને લોકોની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખતાં સરકારે ખાદ્ય તેલના વેપારીઓને લૂઝ તેલના વેચાણ માટે છૂટ આપી છે. કેન્દ્ર સરકારે ૨૦૧૧થી માર્કેટમાં લૂઝ તેલના વેચાણ અને જૂના ડબ્બામાં તેલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ મહારાષ્ટ્રની આજની દુકાળની પરિસ્થિતિ અને આર્થિક રીતે નબળી પ્રજાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધીમાં ૨૦૧૧થી ૨૦૧૯ સુધીમાં સાત વખત લૂઝ તેલ માર્કેટમાં વેચવાની વેપારીઓને છૂટ આપી છે.

કેન્દ્ર સરકારે ખાદ્ય તેલમાં ભેળસેળ ન થાય અને ગુણવત્તા સુરક્ષિત રહે એ ઉદ્દેશથી ૨૦૧૧માં ખાદ્ય તેલના લૂઝ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સિવાય કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ જૂના ડબ્બામાં ફરીથી પૅકિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેની સામે મહારાષ્ટ્ર ખાદ્યતેલ વ્યાપારી અસોસિએશન તરફથી કેન્દ્ર અને રાજ્યની સરકાર સામે મુંબઈ અને મહારાષ્ટ્રના લોકોને ધ્યાનમાં રાખીને હંમેશાં લૂઝ તેલના વેચાણ માટે પરવાનગીની માગણી કરવામાં આવી છે. વેપારીઓની માગણી સામે મહારાષ્ટ્ર સરકાર હંમેશાં ઝૂકીને વેપારીઓને એક વર્ષ માટે લૂઝ તેલ વેચવાની છૂટ આપતી રહી છે.

જોકે એપ્રિલ-૨૦૧૮ પછી સરકાર તરફથી કોઈ છૂટ આપવામાં આવી નહોતી. આ બાબતની જાણકારી આપતાં મહારાષ્ટ્ર ખાદ્યતેલ વ્યાપારી અસોસિએશનના અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કાયદામાં રાજ્ય સરકારને રાજ્યની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિને આધારે આ કાયદામાં છૂટછાટ આપવાની પરવાનગી આપી છે, જેનો નિર્ણય રાજ્ય સરકારે જ લેવાનો હોય છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્ય અને મુંબઈની પરિસ્થિતિ અને અહીંના રહેવાસીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સાત વખત અમને એક-એક વર્ષ માટે લૂઝ તેલ વેચવાની છૂટ આપવામાં આવી છે, જેમાં બે વખત ફક્ત છ મહિના માટે છૂટ આપવામાં આવી હતી.’

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર

મહારાષ્ટ્રની અત્યારની દુકાળની પરિસ્થિતિને લક્ષમાં રાખીને સરકારે લીધેલો આ નિર્ણય અહીંની પ્રજા માટે ખૂબ જ લાભદાયક નીવડશે એમ જણાવતાં શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘અત્યારે ચારે બાજુ લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. આવા સમયે ખાદ્ય તેલનો સ્ટૉક કરવો ખૂબ જ કઠિન બની જાય છે. બીજી બાજુ ઑનલાઇન બિઝનેસ અને વિદેશી કંપનીઓને દેશમાં બિઝનેસ કરવાની છૂટથી સ્થાનિક ખાદ્ય તેલના વેપારીઓના બિઝનેસમાં પણ જબરી મંદી ચાલી રહી છે. સરકારે એક વર્ષ માટે આપેલી લૂઝ તેલ વેચવાની છૂટથી ગ્રાહકોની સાથે વેપારીઓને પણ બહુ મોટી રાહત મળી છે.’

mumbai news