બોઇસરના રસાયણોના કારખાનામાં જોરદાર વિસ્ફોટ

12 January, 2020 07:57 AM IST  |  Mumbai Desk

બોઇસરના રસાયણોના કારખાનામાં જોરદાર વિસ્ફોટ

બોઇસરમાં જ્યાં બ્લાસ્ટ થયો હતો એ ઘટનાસ્થળ.

ગઈ કાલે સાંજે પાલઘર જિલ્લાના બોઇસરના મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઇડીસી) ક્ષેત્રમાં રસાયણોના એક કારખાનામાં જબ્બર વિસ્ફોટ થતાં આઠ જણ માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકો દાઝી ગયા હતા. મૃતકોમાં કંપનીના માલિક નટુભાઈ પટેલનો પણ સમાવેશ છે. વિસ્ફોટને કારણે લાગેલી આગ આજુબાજુનાં બે-ત્રણ કારખાનાંમાં ફેલાઈ હતી. કેટલુંક બાંધકામ તૂટી પડતાં કાટમાળ ખડકાયો હતો. દાઝેલા તથા અન્ય ઈજાગ્રસ્તોને કાટમાળ હટાવીને બોઇસરમાં વિસ્ફોટ કાઢવામાં આવ્યા હતા. અગ્નિશમન દળે આગ થોડા વખતમાં બુઝાવ્યા બાદ બચાવ અને રાહત કાર્ય જોરશોરથી શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું પાલઘરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ગૌરવ સિંહે જણાવ્યું હતું

બોઇસર-તારાપુર પાસેના કોલવડે ગામમાં અંક ફાર્માસ્યુટિકલ્સના બાંધકામ હેઠળના પ્લાન્ટમાં ગઈ કાલે સાંજે ૭.૨૦ વાગ્યાની આસપાસ કેટલાંક રસાયણોના પરીક્ષણ દરમ્યાન થયેલા વિસ્ફોટનો અવાજ આસપાસના લગભગ ૧૫ કિલોમીટરના વિસ્તારમાં સંભળાયો હતો અને મકાનોની બારીઓના કાચ ધણધણી ઊઠ્યા હતા. વિસ્ફોટમાં કારખાનાના પરિસરની એક ઇમારત તૂટી પડતાં એના કાટમાળ નીચે કેટલાક કર્મચારીઓ દબાયા હતા. વિસ્ફોટના અવશેષો આસપાસનાં મકાનો પર પડતાં ત્યાં પણ નુકસાન થયું હતું. દુર્ઘટના પછી આખા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટનો વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાથી વિસ્ફોટની તીવ્રતા અને અન્ય અસરો પૂર્ણરૂપે જાણવા મળી નથી.
બોઇસર ખાતે એમઆઇડીસીના એમ-ટૂ પ્લૉટના અગાઉ તારા નાઇટ્રેટ નામે ઓળખાતા અને હાલના અંક ફાર્માસ્યુટિકલ્સ કારખાનામાં એમોનિયમ નાઇટ્રેટ નામના રસાયણનું ઉત્પાદન કરવામાં આવે છે.

રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારોને પાંચ લાખની સહાય
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તારાપુર એમઆઇડીસીના કારખાનામાં ધડાકાના મૃતકોના પરિવારોને દરેકને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની અને ઘાયલોને સંપૂર્ણ તબીબી સારવાર રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને દુર્ઘટનાની ખબર મળતાં જ તાત્કાલિક મુખ્ય સચિવ અને વહીવટી તંત્ર પાસેથી વિસ્ફોટ અને ત્યાર પછી બચાવ અને રાહત કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્ય પ્રધાને ઈજાગ્રસ્તોના ઉપચારોમાં બેદરકારી ન રહે એનો ખ્યાલ રાખવાની સૂચના આપી હતી.

palghar mumbai