કૉન્સ્ટેબલની પત્નીએ સિનિયર ઇન્સ્પેક્ટર પર અત્યાચારનો આરોપ મૂક્યો

20 April, 2019 11:57 AM IST  |  મુંબઈ | દિવાકર શર્મા

કૉન્સ્ટેબલની પત્નીએ સિનિયર ઇન્સ્પેક્ટર પર અત્યાચારનો આરોપ મૂક્યો

માલવણી પોલીસ સ્ટેશનનો કૉન્સ્ટેબલ હૉસ્પિટલમાં

ભારે કાર્યબોજ અને તબિયત કથળતી જતી હોવા છતાં સિનિયર ઇન્સ્પેક્ટરે માંદગીની રજા મંજૂર નહીં કરતાં માલવણી પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ ડૅવિડ બન્સોડેને સારવાર માટે મલાડની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. પતિની તબિયતની વણસતી સ્થિતિને કારણે ચિંતામાં પડેલી પત્ની સ્મિતાએ ઉપરી પોલીસ અમલદારો અને મુખ્ય પ્રધાનને પત્રો લખીને ડૅવિડ પર સિનિયર ઇન્સ્પેક્ટર દીપક ફટાંગરે અત્યાચાર કરતો હોવાની ફરિયાદ કરી છે.

સ્મિતા બન્સોડેએ જણાવ્યું હતું કે ‘પતિ ડૅવિડે તાવ તથા પેટમાં દુખાવાને કારણે ૧૧ એપ્રિલે માંદગીની રજાની અરજી સિનિયર ઇન્સ્પેક્ટર દીપક ફટાંગરેને આપી હતી. બીમારીની જાણ હોવા છતાં દીપકે અરજી મંજૂર નહીં કરતાં ડૅવિડને ડ્યુટી ચાલુ રાખવાની ફરજ પાડી હતી. તબિયત સારી નહીં હોવા છતાં ૧૩ એપ્રિલ સુધી રોજ બાર કલાકની ડ્યુટી સોંપવાનું ચાલુ રાખ્યું હતું. મંગળવારે ૧૬મીએ તબિયત વધારે કથળતાં ડૅવિડને રિદ્ધિવિનાયક ક્રિટિકલ કૅર ઍન્ડ કાર્ડિયૅક સેન્ટરના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૅવિડને ઍક્યુટ ગૅસ્ટ્રો એન્ટેરાઇટિસ, ડિહાઇડ્રેશન તથા અન્ય વ્યાધિઓ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. મારા પતિ ૨૦૧૫ની ૧૬ જૂનથી માલવણી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે.

આ પણ વાંચો : મુંબઈ: વિક્રોલીમાં ટ્રક રિવર્સ લેતાં ગટરનો ભાગ તૂટી જતાં ચાર જણના દબાઈને મોત

નિષ્ઠાવાન કર્મચારી તરીકે જાણીતા ડૅવિડને એમના સિનિયર દીપક ફટાંગરેએ માનવતા વગરના વર્તનથી હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ડૅવિડને હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી પણ એ ખરેખર બીમાર છે કે નહીં એની તપાસ માટે દીપકે બે પોલીસમૅનોને અમારા ઘરે મોકલ્યા હતા. દીપક પોતે ક્યારેય સમયસર ડ્યુટી પર પહોંચતા નથી અને સ્ટાફ પર જુલમ ગુજારે છે. અમે ફરિયાદ કર્યા પછી અસિસ્ટન્ટ પોલીસ કમિશનરે ડૅવિડ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી સિનિયર ઇન્સ્પેક્ટર દીપક ફટાંગરે વિરુદ્ધ લેખિત ફરિયાદ આપવા જણાવ્યું છે.’

malad mumbai police mumbai news devendra fadnavis