Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રોલીમાં ટ્રક રિવર્સ લેતાં ગટરનો ભાગ તૂટી જતાં ચાર જણના દબાઈને મોત

વિક્રોલીમાં ટ્રક રિવર્સ લેતાં ગટરનો ભાગ તૂટી જતાં ચાર જણના દબાઈને મોત

20 April, 2019 11:49 AM IST | મુંબઈ
રોહિત પરીખ

વિક્રોલીમાં ટ્રક રિવર્સ લેતાં ગટરનો ભાગ તૂટી જતાં ચાર જણના દબાઈને મોત

ટ્રક નીચે દબાઈને આ ચાર વ્યક્તિઓનાં મોત થયાં

ટ્રક નીચે દબાઈને આ ચાર વ્યક્તિઓનાં મોત થયાં


વિક્રોલી (વેસ્ટ)ના સૂર્યાનગરમાં ગુરુવારે રાતના સાડા અગિયાર વાગ્યે બીએમસીના કૉન્ટ્રેક્ટરનાં નબળાં કામને લીધે ગટરનો ભાગ તૂટી પડતાં એક અનાજથી ભરેલી ટ્રક ઊંધી વળી જતાં ટ્રક નીચે દબાઈને ચાર વ્યક્તિઓનાં મોત થયાં હતાં. જ્યારે એક વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ બનાવથી સ્થાનિક રહેવાસીઓ રોષમાં આવી ગયા હતા.

વિક્રોલી પાર્ક સાઈટ પોલીસે આ દુર્ઘટના માટે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જોકે સ્થાનિક રહેવાસીઓ આ અકસ્માત માટે જવાબદાર સંબંધિત કૉન્ટ્રેક્ટરની ધરપકડની માગણી કરી રહ્યા છે. નહીંતર આંદોલન કરવાની ચીમકી આપી હતી.



આ દુર્ઘટનાને નજરે નિહાળનાર સુભાષ વિરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું બનાવના સ્થળની બરાબર બાજુમાં જ રહું છું. અમારા વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યું છે. બે મહિનાથી ગટરને ખોદીને ખુલ્લી મૂકી દીધી હતી. ત્યારબાદ કૉન્ટ્રેક્ટરે થૂંકપટ્ટીનું કામ કરીને ગટરને બંધ કરી દીધી હતી. આ ગટરની બાજુમાં જ એક આઇસક્રીમની રેંકડી લગાડવામાં આવે છે. ગુરુવારે રાતના સાડા અગિયાર વાગ્યે એક અનાજ ભરેલી ટ્રક રિવર્સ લઈ રહી હતી ત્યારે નવનિર્માણ થયેલી ગટરનો ભાગ તૂટી જતાં ટ્રકનું પાછળનું ટાયર ગટરના તૂટેલા ભાગમાં ઘૂસી જતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ ભાગ તૂટી જતાં ત્યાં આઠ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. જેને કારણે આઈસક્રીમની રેંકડી પાસે ઊભેલી પાંચ વ્યક્તિઓ ટ્રક નીચે દબાઈ ગઈ હતી. વજનદાર ટ્રકને સ્થાનિક રહેવાસીઓએ ખાલી કરીને દબાઈ ગયેલી વ્યક્તિઓની બહાર કાઢવામાં સમય જતાં ચાર વ્યક્તિઓ ૩૩ વર્ષનો અવિનાશ હેબારે, ૨૧ વર્ષનો વિશાલ શેલાર, ૩૬ વર્ષનો ચંદ્રશેખર મસલે અને ૩૨ વર્ષનો હમીદ અબ્દુલ શેખના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે ૪૩ વર્ષનો ચાંદ શેખ ગંભીર રીતે ઈજા પામ્યો હતો. એને તરત જ રાજાવાડી હૉસ્પિટલમાં પોલીસ અને રહેવાસીઓ લઈ ગયા હતા.’


આ બનાવથી સ્થાનિક રહેવાસીઓ રોષમાં આવીને રોડ પર ઊતરી ગયા હતા. તેમણે આ દુર્ઘટના માટે જવાબદાર બીએમસીના કૉન્ટ્રેક્ટરની ધરપકડની માગણી કરી હતી. આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ સંપૂર્ણપણે કૉન્ટ્રેક્ટરના નબળાં ગટરના નિર્માણને લીધે થયો હતો. જેથી પોલીસે પહેલાં કૉન્ટ્રેક્ટરની ધરપકડ કરવી જોઈએ. નહીંતર અમે બીએમસી સામે મોરચો કાઢીશું.’

આ પણ વાંચો : જેટ ઍરવેઝ બંધ પડતાં પહેલી વાર વિદેશ જવાનું અંધેરીના સિનિયર સિટિઝન કપલનું સપનું રોળાયું


મૃતકોના પરિવારો

અવિનાશ હેબારે અને વિશાલ શેલાર શિવસેનાના કાર્યકરો છે જેમાં અવિનાશને છ વર્ષની અને ત્રણ વર્ષની બે દીકરીઓ છે. હમીદ ગોદરેજમાં ગાર્ડનરનું કામ કરતો હતો અને તેને બે વર્ષની દીકરી છે. ચંદ્રશેખર મસલે રિક્ષા ડ્રાઈવર છે. તેની માતા, બહેન, પત્ની અને આઠ વર્ષની દીકરીના નિર્વાહની જવાબદારી તેના પર હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 11:49 AM IST | મુંબઈ | રોહિત પરીખ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK