સેના-બીજેપી, જાગતે રહો...

25 October, 2019 01:12 PM IST  |  મુંબઈ | ધર્મેન્દ્ર જોરે

સેના-બીજેપી, જાગતે રહો...

ચૂંટણીમાં વિજય બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રકાત પાટીલ. તસવીર: સુરેશ કરકેરા

મહારાષ્ટ્રના મતદારોએ બીજેપી અને શિવસેનાને સંપૂર્ણપણે જાકારો આપ્યો નથી, પરંતુ સાવચેતીની ઘંટડી વગાડી છે, એવું રાજ્યની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના આધારે ચોક્કસ કહી શકાય. હવે શરૂ થતી વધુ એક ઇનિંગ દરમ્યાન જો ભગવી યુતિના ઘટક પક્ષોને એમની નીતિ તથા વાણી-વર્તનમાં સુધારો કરવાનો સંકેત મતદારોએ આપ્યો છે. ગઈ કાલે જાહેર થયેલાં પરિણામોમાં મતદારોની આકાંક્ષા સ્પષ્ટ જણાઈ આવે છે. લોકસભાની ચૂંટણીમાં મબલક સફળતા અપાવનારા બીજેપીના રાષ્ટ્રધર્મના એજન્ડાને મતદારોએ પૂર્ણપણે નકાર્યો નથી. જોકે ગઈ કાલે જાહેર થયેલાં પરિણામોનો સૂચિતાર્થ સ્થાનિક મુદ્દાના મહત્ત્વ પર ભાર મૂકતો હોવાનું જણાય છે.

મતદારોએ શાસક પક્ષોને પૂર્ણ બહુમતીથી દૂર રાખવા સાથે અનિચ્છનીય ઉમેદવારોને હરાવ્યા છે. ચૂંટણી પૂર્વે શિવસેના સાથે ગઠબંધન કરીને બીજેપીએ અને ખાસ કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘણું ડહાપણ વાપર્યું એવું કહી શકાય. એ સમજૂતીને કારણે તેઓ સુરક્ષિત સ્થિતિમાં મુકાયા છે. પરિણામોના આખરી આંકડા પ્રમાણે બીજેપીને ૧૦૫, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪, કૉન્ગ્રેસને ૪૪, મનસેને એક, વંચિત બહુજન આઘાડી (વીબીએ)ને એક પણ બેઠક મળી નહોતી.

શરદ પવાર બીજેપીના વેરભાવના રાજકારણનો ડંકો વગાડીને આ ચૂંટણીના હીરો બની ગયા છે. પવારે કહ્યું કે અમને છોડી જનારાઓને મતદારોએ સ્વીકાર્યા નથી. બીજેપી ૨૦૧૪ની ૧૨૨ વિધાનસભ્યોનું સંખ્યાબળ જાળવી શકી નથી. લોકસભાની સાતારા બેઠકની પેટાચૂંટણીમાં એનસીપી છોડીને બીજેપીમાં જોડાયેલા ઉમેદવાર છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજે ભોસલે એનસીપીના ભૂતપૂર્વ સંસદસભ્ય તથા રાજ્યપાલનો હોદ્દો શોભાવી ચૂકેલા શ્રીનિવાસ પાટીલ સામે હારી ગયા છે. ચૂંટણીના ચાર મહિના પહેલાં એનસીપી છોડીને ગયેલા શરદ પવારે ઉદયન રાજેને હરાવવાનો સંકલ્પ કર્યો હતો. ચૂંટણી જીતી શકે એવા અન્ય પક્ષોના ઉમેદવારોને બીજેપી અને શિવસેનામાં જોડવાનો મુદ્દો વિપક્ષોના પ્રચારમાં મુખ્ય હતો. એકંદરે પક્ષાંતર કરીને આવેલા ૩૫ ઉમેદવારોમાંથી ૧૯ હારી ગયા છે. પક્ષાંતર કરીને આવેલા ઉમેદવારો જ બીજેપીને સલામત સ્થિતિમાં મૂકવામાં મદદરૂપ થયા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના ૧૫ બળવાખોર ઉમેદવારોએ સંપર્ક સાધીને સમર્થન આપ્યું હોવાનો દાવો કર્યો છે.

૮૦થી ૧૦૦ બેઠક જીતવાના લક્ષ્યથી શિવસેના દૂર રહી છે, પરંતુ બીજેપી એકલે હાથે પૂર્ણ બહુમતી મેળવવાના લક્ષ્યને આંબી ન શકી એ બાબત શિવસેના માટે આશીર્વાદરૂપ નીવડી છે. બીજેપીની સંખ્યાબળની નબળાઈ શિવસેના માટે સત્તા મેળવવા તથા ધાર્યું કરાવવામાં હથિયાર બનશે. શિવસેનાએ સત્તામાં અડધોઅડધ હિસ્સો માગ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તક સાધીને પરિણામ જાહેર કરવાના દિવસે જ ‘ફિફ્ટી-ફિફ્ટી’ ફૉર્મ્યુલાની રજૂઆત કરી દીધી છે.

bharatiya janata party devendra fadnavis mumbai news shiv sena dharmendra jore