બીજેપીના નિતેશ રાણેની સામે શિવસેનાએ ઉમેદવાર ઊભો રાખ્યો

06 October, 2019 01:20 PM IST  |  સિંધુદુર્ગ | ધર્મેન્દ્ર જોરે

બીજેપીના નિતેશ રાણેની સામે શિવસેનાએ ઉમેદવાર ઊભો રાખ્યો

નિતેશ રાણે

શિવસેનાના સખત વિરોધ છતાં બીજેપીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપતાં શિવસેનાએ એમની સામે સતીશ સાવંતને ઉમેદવારી સોંપી છે. ભગવી યુતિની જાહેરાત કરાયા છતાં કણકવલીમાં બન્ને મિત્ર પક્ષોના ઉમેદવારો ઊભા હોવાથી રાણેના કોંકણના ગઢમાં રાજકારણનાં નવાં સમીકરણો જોવા મળશે. 

નારાયણ રાણેએ એમનો સ્વાભિમાની પક્ષ બીજેપીમાં વિલીન કર્યા પછી નિતેશ સત્તાવાર રીતે બીજેપીના ઉમેદવાર બન્યા છે. નારાયણ રાણેના બીજેપીમાં પ્રવેશ સામે શિવસેનાએ સખત વિરોધ કર્યો હતો. નિતેશે ઉમેદવારી કર્યા પછી રાણેની છાવણી છોડીને તાજેતરમાં શિવસેનામાં જોડાયેલા સતીશ સાવંતને ટિકિટ આપવામાં આવી હતી. શિવસેનાના સિંધુદુર્ગ જિલ્લાના સંપર્ક પ્રમુખ અરુણ દુધવડકરે સિંધુદુર્ગ જિલ્લા બૅન્કના ચૅરમૅન સતીશ સાવંતને ઉમેદવારી સોંપાયાની જાહેરાત કરી હતી.

એક વખતમાં નારાયણ રાણેના નિકટવર્તી સતીશ સાવંતે નિતેશ રાણેની કાર્યપદ્ધતિથી કંટાળીને સ્વાભિમાન સંગઠનમાંથી છૂટા થવાનો નિર્ણય લીધો હતો. સતીશ સાવંતને કણકવલી જિલ્લાના ગામડામાં ઘણું પીઠબળ છે. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી ત્રણ વખત જીત્યા છે. સતીશ સાવંતે સ્વાભિમાની પક્ષ છોડ્યા પછી એમના ટેકેદાર હોદ્દેદારોએ પણ એ પક્ષમાંથી રાજીનામા આપ્યા હતા.

કણકવલીમાંથી બીજેપીની ટિકિટ મેળવવા માટે પક્ષના વરિષ્ઠ કાર્યકર સંદેશ પારકર ઉત્સુક હતા, પરંતુ એ બેઠક પર નિતેશ રાણેને ટિકિટ અપાતાં સંદેશે બળવાખોરી કરીને અપક્ષ ઉમેદવારી કરી છે. વળી સંદેશ પારકર પણ નારાયણ રાણેના કટ્ટર વિરોધી છે. એકંદરે રાણેના બે વિરોધીઓ સંદેશ પારકર અને સતીશ સાવંતે ઉમેદવારી કરી હોવાથી વિધાનસભાની ચૂંટણી નિમિત્તે કણકવલીમાં મોટું રાજકીય ઘમાસાણ થશે.

nitesh rane bharatiya janata party shiv sena konkan mumbai news dharmendra jore