BJP - શિવસેનાનું જોડાણ મજબૂત અને અભેદ્ય : દેવેન્દ્ર ફડણવીસ

16 March, 2019 09:06 AM IST  | 

BJP - શિવસેનાનું જોડાણ મજબૂત અને અભેદ્ય : દેવેન્દ્ર ફડણવીસ

યે ફેવિકોલ કા મજબૂત જોડ હૈ

રૅલીમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે પણ ઉપસ્થિત હતા. ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરતાં ફડણવીસે કહ્યું હતું કે ‘BJP અને શિવસેનાનું જોડાણ એ હિન્દુત્વ વિચારધારા ધરાવતી પાર્ટીઓનું જોડાણ છે. બન્ને પક્ષ સમાન વિચારધારા ધરાવે છે. આ બન્ને પાર્ટીઓ એકસાથે છે અને ભવિષ્યમાં પણ સાથે રહેશે. યે ફેવિકોલ કા મજબૂત જોડ હૈ.’

સત્તા પર આવવાની ઇચ્છા ધરાવતા કેટલાક લોકોએ અમારી વચ્ચે આવવાની કોશિશ કરી હતી, પરંતુ જોડાણની જાહેરાત કરાતાં જ તેઓ પાછા હટી ગયા હતા. બન્ને પક્ષો વચ્ચેના વણસેલા સંબંધોને ભુલાવીને ગયા મહિને જ શિવસેના અને BJPએ લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હાથ મિલાવ્યા હતા. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ સીટ છે, જેમાંથી ૨૫ સીટ પરથી BJP તથા બાકીની ૨૩ સીટ પરથી શિવસેના ચૂંટણી લડશે.

ઠાકરેએ જણાવ્યું હતું કે ‘મેં ક્યારેય BJP સાથેના તનાવભર્યા સંબંધોની અસર રાજ્યના હિત પર પડવા દીધી નથી. BJP-સેનાનું જોડાણ એક વટવૃક્ષ બની ગયું છે અને કોઈ પણ સંજોગોમાં આ વટવૃક્ષમાં કીડા નહીં પડવા દઉં. હું ચૂંટણીના સર્વેક્ષણમાં વિશ્વાસ ધરાવતો નથી. મને મારા આત્મવિશ્વાસ પર ભરોસો છે. મારો વિશ્વાસ કહે છે કે અમારું જોડાણ એટલો જ્વલંત વિજય મેળવશે કે ૪૮ સીટ પણ ઓછી લાગશે.’

હળવાશના મૂડમાં તેમણે ફડણવીસને શરદ પવાર ઇચ્છે તો પણ BJPમાં જોડાવા ન દેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘રાજ્યમાં સ્થિતિ એવી પ્રવર્તે છે કે BJP-શિવસેનાના નેતાઓ જ્યારે પણ વિરોધ પક્ષના નેતાઓની ટીકા કરે છે, બીજા જ દિવસે તેઓ BJP-સેનામાં જોડાય છે. આથી મને વિચાર આવે છે કે મારે કોઈની ટીકા કરવી કે નહીં? આજે હું શરદ પવારની ટીકા કરીશ તો કાલે તેઓ BJPમાં જોડાઈ જશે, પણ તેમને પક્ષમાં જોડાવા દેશો નહીં.’ અંતે મજાકિયા સૂરમાં તેમણે ઉમેર્યું હતું કે કેટલાક લોકોને આપણે પક્ષની બહાર જ રાખવા જોઈએ, નહીં તો બહાર કોણ રહેશે જેની આપણે ટીકા કરી શકીએ?

bharatiya janata party shiv sena devendra fadnavis uddhav thackeray mumbai news