કોરોનાથી ઘાટકોપરના દરદીનું મૃત્યુ પણ પપ્પાને દીકરો અગ્નિદાહ આપી ન શક્યો

18 March, 2020 07:21 AM IST  |  Mumbai | Arita Sarkar

કોરોનાથી ઘાટકોપરના દરદીનું મૃત્યુ પણ પપ્પાને દીકરો અગ્નિદાહ આપી ન શક્યો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની ચપેટમાં આવતાં દેશમાં ત્રીજો અને રાજ્યમાં પહેલો કેસ બન્યો હતો. મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાટકોપરના ગુજરાતી વૃદ્ધનું આખરે મૃત્યુ થયું હતું. કોરોનાની વિચિત્રતા એવી હતી કે આ જ હૉસ્પિટલમાં ૧૪ દિવસ માટે આઇસોલોશન વૉર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલો દીકરો પોતાના પપ્પાને અગ્નિદાહ આપી શક્યો નહોતો. મૃત્યુ પામનાર ગુજરાતી વૃદ્ધના પરિવારજનોના અમુક સભ્યોની હાજરીમાં દાદરના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર થયા હતા અને તેમનાં પત્ની તથા દીકરાને હૉસ્પિટલમાં દૂરથી જ દર્શન કરવા મળ્યાં હતાં.

પાલિકાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધ ન્યુમોનિયા અને હૃદયની બીમારીથી પણ પીડાતા હતા અને તેમને હાઇપર-ટેન્શન પણ હતું. વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા બાદ દરદી ક્યારેય બહાર આવી શક્યા નહોતા અને કન્ડિશન પણ અસ્થિર રહી હતી. અમે તેમને સારવાર આપીને વેન્ટિલેટરની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમ થઈ નહોતું શક્યું અને ગઈ કાલે સવારે ૭ વાગ્યે તેઓ મૃત્યુ પામ્યા હતા.’

વૃદ્ધનાં પત્ની અને દીકરાનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો અને આઇસોલોશનમાં રાખવામાં આવ્યાં હોવાથી તેઓ મૃતકની અંતિમયાત્રામાં હાજરી નહોતાં આપી શક્યાં. વૃદ્ધના પરિવારજનોના અમુક સભ્યો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા અને તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે દાદરના શિવાજી પાર્કમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં તેમનાં પત્ની અને દીકરાને દૂરથી દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. મૃતકના મૃતદેહનો માર્ગદર્શક મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો એવું પાલિકાના વધારાના કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું.

ghatkopar mumbai mumbai news coronavirus arita sarkar