મુંબઈ: ગોરાઈમાં બૉમ્બના સમાચારે શહેરની પોલીસને દોડતી કરી

26 February, 2019 01:13 PM IST  | 

મુંબઈ: ગોરાઈમાં બૉમ્બના સમાચારે શહેરની પોલીસને દોડતી કરી

રોડ પર પડેલો નકલી બૉમ્બ

બોરીવલી (વેસ્ટ)માં ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડ તરફ જતા રોડ પર એક બૉમ્બ હોવાના સમાચાર ગઈ કાલે સવારે કોઈએ શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમને આપ્યા હતા એટલે તરત જ પોલીસનાં ધાડેધાડાં ઊતરી આવતાં અને આ મેસેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં જ આસપાસના રહેવાસીઓમાં ચિંતા અને ગભરાટ ફેલાતાં કલાકો સુધી વાતાવરણ તંગ રહ્યું હતું. જોકે પોલીસ આવ્યાના થોડાક સમયમાં આ બૉમ્બ નકલી હોવાનું જાણવા મળતાં પોલીસ અને સ્થાનિક લોકોમાં રાહત થઈ હતી. જોકે આને પગલે ઉપનગરના અનેક વિસ્તારોમાં આજે સ્કૂલો બંધ હોવાના ખોટા મેસેજિસ વહેતા થયા હતા.

આ પણ વાંચો : નાલાસોપારામાં રેલરોકો આંદોલન કરનારા 500 લોકો સામે ગુનો

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગોરાઈ પાસેના એક ડમ્પિંગ સેન્ટર પાસેના રોડ પર એક બૉમ્બ હોવાના સમાચાર મળ્યા બાદ અમે સ્થળ પર ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે પહોંચીને જોયું તો લાલ કલરના એક બીબા પર બે કાળા કલરની પટ્ટી વીંટાળેલી અને એની સાથે એક વાયર જોડેલો હતો. ડમ્પિંગ સેન્ટરમાં કામ કરતા અને રોડની સફાઈ કરતા અમુક લોકોએ અહીં બૉમ્બ જેવું પડ્યું હતું એ જોયું હતું. અમે બૉમ્બની નજીકથી તપાસ કરીએ એ પહેલાં જ ક્રિક્રેટ રમતાં સ્થાનિક ટાબરિયાંઓએ અમને કહ્યું કે અમે તો એનાથી ક્યારના રમીએ છીએ. તેથી તરત જ અમે એ બૉમ્બને નજીકથી જોયો તો એ ફિલ્મમાં વપરાતા નકલી બૉમ્બ આકારનો દેખાયો હતો. બાદમાં એની ખરાઈ કરતાં એ બૉમ્બ ન હોવાનું તારણ નીકળ્યું હતું. હાલમાં મહારાષ્ટ્રમાં બે સ્થળે મળી આવેલા બૉમ્બ અને ગુપ્તચર તંત્રની અલર્ટને પગલે અમે આ બૉમ્બના કૉલને ગંભીરતાથી લીધો હતો અને નાગરિકોને સતર્ક રહીને આવી અજાણી વસ્તુથી દૂર રહેવાની અપીલ કરી હતી.’

borivali gorai mumbai news mumbai police