પવાર પરિવારના અણબનાવથી બીજેપીનો પ્લાન-બી સફળ થયો

24 November, 2019 02:29 PM IST  |  Mumbai Desk

પવાર પરિવારના અણબનાવથી બીજેપીનો પ્લાન-બી સફળ થયો

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ મહાઆઘાડીની સરકાર બનવાની આખરી તૈયારીઓ ચાલી રહી હતી. આ સમયે બીજેપી મૂક દર્શક બનીને બધું જોઈ રહી હતી, પરંતુ એને જ્યારે લાગ્યું કે હવે પ્લાન-બી અમલમાં મૂકવાનો સમય થયો છે ત્યારે એનસીપીના ચીફ શરદ પવારના પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા અણબનાવનો ફાયદો ઉઠાવીને બીજેપીએ અજિત પવારને પોતાને પક્ષે લઈને સૌને ચોંકાવી દીધા છે. 

શુક્રવારે રાત્રે શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીએ એકસાથે આવીને સરકાર બનાવવા માટેનો આખરી નિર્ણય લઈ લીધો હતો અને શનિવારે વધુ એક વખત મળીને આ બાબતે વિસ્તારથી ચર્ચા કરીને રાજ્યપાલને મળવાનું નક્કી કર્યું હતું.

કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી મલ્લિકાર્જુન ખરગેએ પત્રકારોને કહ્યું હતું કે શુક્રવારે નેહરુ સેન્ટરમાં ત્રણેય પક્ષની થયેલી બેઠકમાં અજિત પવાર સામેલ થયા હતા.

જોકે ૨૧ ઑક્ટોબરે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ બાદ કોઈ પણ સરકાર રચી ન શકતાં ૧૨ નવેમ્બરથી અમલમાં આવેલું રાષ્ટ્રપતિ શાસન ગઈ કાલે સવારે ૫.૪૭ વાગ્યે અચાનક ઉઠાવી લેવાયું હતું અને બીજેપીના દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે અને એનસીપીના અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે વહેલી સવારે શપથ લીધા હતા. આ ઊલટફેરથી સૌ ચોંકી ઊઠ્યા હતા. ફડણવીસ અને અજિત પવાર ફ્લોર ટેસ્ટ માટે ૧૪૫નો આંકડો કેવી રીતે મેળવશે એની ચર્ચા શરૂ થઈ હતી.

કૉન્ગ્રેસના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ‘અમને અંદેશો હતો કે જો કૉન્ગ્રેસ-એનસી અને સેનાનું ગઠબંધન સરકાર બનાવવાની સમજૂતીમાં સફળ નહીં થાય તો એનસીપીના કેટલાક નેતાઓ બીજેપી સાથે હાથ મિલાવશે.’

કૉન્ગ્રેસના આ નેતાએ આરોપ મૂક્યો હતો કે ‘બીજેપીનું કેન્દ્રિય નેતૃત્વ પ્રફુલ પટેલના માધ્યમથી એનસીપી ચીફ શરદ પવાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આમ કરાશે તો એન્ફોર્સમેન્ટ ઑફ ડિરેક્ટરેટ (ઈડી)ના કેસમાં અજિત પવાર અને પ્રફુલ પટેલને મદદ મળશે.’

સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર અને શરદ પવાર તથા તેમની પુત્રી સુપ્રિયા સૂળે વચ્ચે બે મહિનાથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લીધે ઝઘડા ચાલી રહ્યા છે. જ્યારે શરદ પવારે ઈડીની ઑફિસની મુલાકાતનો નિર્ણય લીધો હતો ત્યારે મહારાષ્ટ્રભરમાંથી પક્ષના કાર્યકરો એકઠા થયા હતા, પણ અજિત પવાર શંકાસ્પદ રીતે દેખાયા નહોતા. એ જ સાંજે અજિત પવારે વિધાનસભ્યના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

બીજા દિવસે આંખમાં આંસુ સાથે અજિત પવારે પત્રકારોને કહ્યું હતું કે ઈડીએ પોતાની સાથે કાકા શરદ પવારનું નામ ‍પણ કથિત મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક કૌભાંડમાં સામેલ કરવાથી દુઃખ પહોંચ્યું છે.

ગયા અઠવાડિયે શરદ પવારના મુંબઈના સિલ્વર ઑક ખાતેના નિવાસસ્થાને પાર્ટીની કૉન્ગ્રેસ સાથેની બેઠક ગોઠવાયેલી ત્યારે અજિત પવાર અચાનક બારામતી જવા નીકળી ગયા હતા ત્યારે પણ પવાર પરિવારમાં બધું બરોબર ન હોવાનું સામે આવ્યું હતું.
સૂત્રોએ દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી વખતે માવળની ટિકિટ પોતાના પુત્ર પાર્થને ન અપાતાં અજિત પવાર ખૂબ નારાજ થયા હતા. શરદ પવારના બીજા ભાઈના પુત્ર રોહિત પવાર કર્જત-જામખેડ વિધાનસભાની બેઠક પરથી વિજયી થતાં અજિત પવારની અસલામતીમાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

એનસીપીના ૫૪માંથી કેટલા વિધાનસભ્યો અજિત પવારને સમર્થન કરી રહ્યા છે એ હજી સુધી સ્પષ્ટ નથી થયું. શરદ પવારે દાવો કર્યો હતો કે અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા ત્યારે તેમની સામે એકાદ ડઝન વિધાનસભ્યો હતા જેમાંથી ત્રણ પક્ષમાં પાછા ફર્યા છે અને વધુ બે પણ પાછા ફરવાની શક્યતા છે.

maharashtra ajit pawar sharad pawar