લાંચના કેસમાં બીજેપીનાં ગુજરાતી નગરસેવિકાને પાંચ વર્ષની સજા કરાઈ

12 December, 2019 04:22 PM IST  |  Mumbai

લાંચના કેસમાં બીજેપીનાં ગુજરાતી નગરસેવિકાને પાંચ વર્ષની સજા કરાઈ

મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં સતત ત્રણ વખત ચૂંટાઈ આવેલાં ગુજરાતી નગરસેવિકા વર્ષા ગિરધર ભાનુશાળીને ગઈ કાલે થાણે સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સાથે પાંચ લાખ રૂપિયાના દંડની સજા કરી હતી. નગરસેવિકાએ એક દુકાનદાર પાસેથી દુકાનની ઊંચાઈ વધારવા માટે ૧.૬૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. દુકાનદારે ઍન્ટિ કરપ્શન બ્યુરોને ફરિયાદ કરીને ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ આપતી વખતે ઝડપાવી દીધેલી.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં ૨૦૦૭માં અપક્ષ, ૨૦૧૨ અને ૨૦૧૭માં બીજેપીનાં મૂળ મહેસાણાનાં ગુજરાતી નગરસેવિકા વર્ષા ભાનુશાળીની થાણે ઍન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ ૨૦૧૪ની ૭ જૂને ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ ધરપકડ કરી હતી. તેની સામે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો નોંધાયો હતો. વર્ષા ભાનુશાળી ૨૦૦૭માં અપક્ષ, ૨૦૧૨ અને ૨૦૧૭માં બીજેપીની ટિકિટ પર નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ૨૦૦૭ બાદ તેમણે ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સાથે બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. અત્યારે તે ભાઈંદર-વેસ્ટનાં નગરસેવિકા છે.

લાંચ લેવાના આ કેસની સુનાવણી થાણે સેશન્સ કોર્ટના જસ્ટિસ પી. પી. જાધવ સમક્ષ ચાલી રહી હતી. આ કેસની તપાસ એસીબીના તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર અશોક સાળુંખેએ કરીને આરોપી નગરસેવિકા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે ગઈ કાલે લાંચ લેવાના આ કેસમાં આરોપી નગરસેવિકા વર્ષા ભાનુશાળીને ભ્રષ્ટાચાર પ્રતિબંધ કાયદો ૧૯૮૮ની કલમ ૭, ૧૩૧ ૩(૧) (ડ) સહિત ૧૩(૨) દોષી ઠેરવીને તેને પાંચ વર્ષની સખત કેદની સાથે પાંચ લાખના દંડની સજા ફટકારી હતી. દંડની રકમ નહીં ભરાય તો બીજા ૬ મહિના કારાવાસની શિક્ષા કરાઈ હતી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

થાણે એસીબીના ઇન્ચાર્જ ડૉ. મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાંચના આ મામલામાં તપાસ અધિકારીએ ખૂબ જ કાળજીપૂર્વક તમામ પુરાવા એકઠા કરીને કોર્ટમાં રજૂ કરતાં ફરિયાદીને ન્યાય મળ્યો છે.’

mumbai news