નારાયણ રાણેની અપીલને માન આપીને બેસ્ટના કર્મચારીઓએ આંદોલન પાછું ખેંચ્યું

30 August, 2019 12:47 PM IST  |  મુંબઈ

નારાયણ રાણેની અપીલને માન આપીને બેસ્ટના કર્મચારીઓએ આંદોલન પાછું ખેંચ્યું

બેસ્ટના કર્મચારીઓએ આંદોલન પાછું ખેંચ્યું

સાતમા વેતન પંચની ભલામણો મુજબ પગાર ધોરણોની માગણી સાથે ત્રણ દિવસથી આંદોલન કરતા બેસ્ટ અન્ડરટેકિંગના કર્મચારીઓએ ગઈકાલે એમનું આંદોલન પાછું ખેંચ્યું હતું. મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષના નેતા નારાયણ રાણેની અપીલને માન આપીને બેસ્ટના કર્મચારીઓએ આંદોલન પાછું ખેંચ્યું હોવાની જાહેરાત કરી હતી. જોકે એમણે ગણેશોત્સવમાં ગૌરી-ગણપતિ પછી આંદોલન ફરી શરૂ કરવાની ચીમકી પણ આપી હતી.
બેસ્ટ અન્ડર ટેકિંગના કર્મચારીઓને સાતમા વેતન પંચની ભલામણો અનુસાર વેતનની જોગવાઈની શક્યતા સર્જાઈ છે. વેતન કરાર સહિત પ્રલંબિત માગણીઓ બાબતે બેસ્ટ અન્ડર ટેકિંગનાં કર્મચારી સંગઠનોની ઍક્શન કમિટીના બેમુદત ઉપવાસ આંદોલનને સફળતા મળી છે. ઍક્શન કમિટીએ માગણીઓ સ્વીકારવામાં ન આવે તો બેમુદત ઉપવાસની ધમકી આપી હતી. આંદોલનકારીઓના નેતાઓ સાથે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મેયર વિશ્વનાથ મહાડેશ્વર સાથેની બેઠકમાં માગણીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેના બાંદરા (ઈસ્ટ) સ્થિત નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે યોજાયેલી બેઠકમાં બેસ્ટના કર્મચારીઓને સાતમા વેતન પંચની ભલામણો લાગુ કરવાની બાંયધરી આપવામાં આવી હતી. ઑક્ટોબર મહિનાથી બેસ્ટના કર્મચારીઓને નવા દર મુજબ વેતનની ચૂકવણી માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે.

brihanmumbai electricity supply and transport mumbai