લાલબાગચા રાજાના પંડાલમાં આ વર્ષે ભક્તોનાં ખિસ્સાં વધુ સલામત

07 September, 2019 08:38 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

લાલબાગચા રાજાના પંડાલમાં આ વર્ષે ભક્તોનાં ખિસ્સાં વધુ સલામત

લાલબાગચા રાજાના દર્શન કરવા ભક્તોની ભીડ

મુંબઈ શહેરમાં ગણેશોત્સવના તહેવાર દરમ્યાન પડી રહેલા મુશ‍ળધાર વરસાદને કારણે દર્શને જનારા ગણેશભક્તોની સંખ્યામાં તેમ જ એની સાથોસાથ તેમનાં ખિસ્સાં, મોબાઇલ અને કીમતી દાગીના પર હાથ સાફ કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. પોલીસે જણાવ્યું હતું કે ગણેશોત્સવમાં આંતરરાજ્યમાં કામ કરતી સમાજવિરોધી તત્ત્વોની અનેક ટોળકીઓ મુંબઈમાં અને વિશેષ કરીને લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચી જાય છે.

ગણેશભક્તોમાં લાલબાગ સૌથી વધુ પ્રિય સ્થળ છે. અહીં લાલબાગચા રાજા, ‌ચિંચપોકલીચા ચિંતામણિ, ગણેશ ગલ્લીના મુંબઈચા રાજા, તેજુકાયાચા રાજા, રંગારી બદક ચાલ અને કરી રોડચા કૈવારી જેવાં અનેક ગણેશમંડળના ગણપતિ જોવા લોકો આવે છે. ગણેશજીનાં દર્શન કરવા મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશથી લોકોનાં ટોળેટોળાં દર્શન માટે ઊમટી આવે છે જેને કારણે અસામાજિક તત્ત્વો પણ પોતાનો કસબ અજમાવવા ભીડમાં ભળી જાય છે અને લોકોનાં પર્સ-મોબાઇલ અને સોનાનાં ઘરેણાં તફડાવી જાય છે.

ભારે વરસાદને લીધે ગુનામાં ઘટાડો

છેલ્લા પાંચ દિવસથી શહેરમાં પડી રહેલા ભારે વરસાદને લીધે ચેઇન આંચકવાની અને મોબાઇલ તફડાવવાની ઘટનામાં ઘટાડો થયો છે. ૨૦૧૮માં ૨૦૦ જેટલા મોબાઇલ ચોરાયા હતા, જેમાંથી ૧૩૯ મોબાઇલ ફોન ગણેશોત્સવના છેલ્લા દિવસે એટલે કે રવિવારે ચોરાયા હતા. જોકે ૨૦૧૯માં અત્યાર સુધી આ તહેવારમાં ભારે વરસાદને લીધે ઘણા ઓછા ગણેશભક્તો જોવા મળી રહ્યા છે અને એમાં પણ છેલ્લા બે દિવસમાં તો જૂજ લોકો જ આવ્યા હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વધુ ત્રણ ટ્રેનોનું ભૂમિપૂજન કરશે

જોકે લાલબાગનો મોટા ભાગનો વિસ્તાર કવર કરતા કાલાચૌકી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર જણાવે છે કે અગાઉના સમયમાં પોલીસ સ્ટેશનમાં મોબાઇલ, પાકીટ કે સોનાના દાગીના ચોરાયાની ફરિયાદ કરવા આવનારાઓની ભીડ જામતી હતી, પરંતુ આ વર્ષે હજી સુધી એક પણ ફરિયાદ નોંધાઈ નથી. જોકે શનિવારે‍ જો વરસાદનું જોર ઘટશે તો ભાવિકોનાં ટોળાં ઊમટશે એને ધ્યાનમાં રાખીને સપ્તાહના અંતિમ દિવસોમાં પોલીસ-બંદોબસ્ત વધારવામાં આવ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

lalbaugcha raja mumbai mumbai news anurag kamble