બોર્ડનાં પ્રશ્નપત્રો સાથે જતા પોલીસ પરીક્ષા સુધી હાજર રહેશે

13 February, 2020 10:10 AM IST  |  Mumbai Desk | Pallavi Smart

બોર્ડનાં પ્રશ્નપત્રો સાથે જતા પોલીસ પરીક્ષા સુધી હાજર રહેશે

મહારાષ્ટ્રના એજ્યુકેશન બોર્ડની પરીક્ષાનાં પ્રશ્નપત્રો લઈ જતા માણસની જોડે જતા પોલીસ અધિકારીની જવાબદારી ફક્ત એ પ્રશ્નપત્રો પહોંચાડવાથી પૂરી નહીં થાય. એ અધિકારીએ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી પરીક્ષા-કેન્દ્ર ખાતે હાજર રહેવું પડશે. પ્રશ્નપત્રો ક્લાસરૂમમાં પહોંચતાં પહેલાં કોઈ ન ખોલે એની તકેદારી રાખવાની જવાબદારી તે પોલીસ અધિકારીની રહેશે. ૧૮ ફેબ્રુઆરીથી શરૂ થતી એચએસસીની પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનાઓ ટાળવા માટે મુંબઈ ડિવિઝન ખાસ તકેદારી રાખે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એચએસસીની પરીક્ષામાં લગભગ દર વખતે પેપર લીક થવાની ઘટનાઓ બને છે. એથી એ દૂષણથી મુક્તિ માટે મહારાષ્ટ્ર સ્ટેટ એજ્યુકેશન બોર્ડનું મુંબઈ ડિવિઝિન દર વર્ષે નિયમો અને જોગવાઈઓમાં ફેરફારો અને ઉમેરા કરે છે. આ વર્ષે ‘રનર’ નામે ઓળખાતા પ્રશ્નપત્રો પહોંચાડનારા બોર્ડના કર્મચારીને વિશિષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. પ્રશ્નપત્રોનો દરેક સેટ પચીસ પેપર્સનો રહેશે અને એ સેટ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની સહી લીધા બાદ ખોલવામાં આવશે.

મહારાષ્ટ્ર સ્ટેટ એજ્યુકેશન બોર્ડના મુંબઈ ડિવિઝનના સેક્રેટરી સંદીપ સાંગવેએ જણાવ્યું હતું કે ‘પેપર લીકની પડકારરૂપ સમસ્યાના ઉકેલ માટે આ વખતે ‘રનર’ની જવાબદારી વધારી છે. આ વર્ષથી રનરે પેપર્સની ડિલિવરી પછી તરત પરીક્ષા-કેન્દ્ર છોડવાનું નથી. તેણે ફક્ત કુરિયરનું કામ કરવાનું નથી. તેણે પેપર લખવાનો સમય પૂરો થાય ત્યાર પછી સહી કરવાની રહેશે જેથી પેપર્સ ક્લાસરૂમમાં પહોંચ્યાં પહેલાં ખોલવામાં ન આવ્યાં હોવાની ખાતરી થાય. પહેલાં રનર્સ પેપર્સની ડિલિવરી પછી તરત પરીક્ષા-કેન્દ્ર પરથી પાછા આવતા હતા. એથી પેપર્સનો સેટ ક્લાસરૂમમાં પહોંચતાં પહેલાં ખોલવામાં આવ્યો કે પછી એ જાણવા મળતું નહોતું.’

mumbai news maharashtra central board of secondary education pallavi smart