વિધાનસભા ચૂંટણી બાદ CM બાબતે ઉદ્ધવ ઠાકરે સાથે બધું નક્કી કરાયું છે

20 June, 2019 08:55 AM IST  |  | પ્રકાશ બાંભરોલિયા

વિધાનસભા ચૂંટણી બાદ CM બાબતે ઉદ્ધવ ઠાકરે સાથે બધું નક્કી કરાયું છે

ફાઈલ ફોટો

શિવસેનાના ૫૩મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી બાદ મુખ્ય પ્રધાન બાબતે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘અમે બધું નક્કી કરી લીધું છે. લોકોને જે કહેવું હોય એ કહેવા દો. અમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કહીશું.’

મુખ્ય પ્રધાને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં કહ્યું હતું કે ‘હું અહીં શિવસૈનિકોની ઊર્જા લેવા માટે આવ્યો છું. આપણા ઘરમાં જ્યારે બે ભાઈ સાથે રહે છે ત્યારે ક્યારેક મનમુટાવ થાય છે. અમારી વચ્ચે જે કાંઈ મતભેદ હતા એે દૂર થઈ ગયા છે. જ્યારે વાઘ અને સિંહ એકસાથે આવે છે ત્યારે રાજા કોણ છે એ કહેવાની જરૂર નથી હોતી. આથી ગમે એટલા પક્ષો સાથે આવે કોઈ ફરક નહીં પડે.’

આગામી વિધાનસભામાં યુતિને અભૂતપૂર્વ વિજય મળવાનો વિશ્વાસ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શિવસેનાની સ્થાપનાના કાર્યક્રમમાં પહેલી વખત બીજા પક્ષના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા.

મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે ‘એનડીએ અને મહાયુતિને મળેલા અભૂતપૂર્વ વિજયના શિલ્પકાર શિવસૈનિક અને બીજેપીના કાર્યકર્તા છે. શિવસેનાના કાર્યક્રમમાં જતી વખતે ઘરમાં આવ્યો હોય એવું લાગે છે, કારણ કે, આપણે ભગવા માટે છીએ. મારા ગુરુ ભગવો છે. હિન્દુત્વ એ રાષ્ટ્રીયત્વ છે. બાળાસાહેબ ઠાકરેએ રાષ્ટ્રીયત્વનું બીજારોપણ કરેલું.’

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘શિવસેના પક્ષનો ફેલાવો થવો જોઈએ, પક્ષ મોટો થવો જોઈએ. સમાજ સુધી પહોંચતો રહે એવી શુભેચ્છા. ચૂંટણી માટે નહીં, પણ મહારાષ્ટ્ર માટે એકત્રિત થયા છીએ. સરકાર દ્વારા છેલ્લી વ્યક્તિ સુધી પરિવર્તન કરવામાં આવ્યું. ઑક્ટોબરમાં ન ભૂતો ન ભવિષ્ય વિજય જનતા આપશે અને આપણે દેશની અને જનતાની સેવા કરવાની છે.’

આપણે શિવાજી મહારાજના માવળા છીએ અને એવી જ રીતે કામ કરી રહ્યા છીએ. દુષ્કાળમાં આપણે છેલ્લી વ્યક્તિ સુધી પહોંચ્યા. ફરીથી ચૂંટાયા બાદ રાજ્યમાં દુષ્કાળ જોવા ન મળે એવું કામ કરવાનું છે. દુષ્કાળને ભૂતકાળ બનાવી દેવો છે. પ્રધાન કોણ? મુખ્ય પ્રધાન કોણ? મીડિયામાં ચર્ચા ચાલુ રહેવા દો. રાજ્યને સુજલામ સુફલામ કરવું હશે તો ફરી એક વખત સત્તા લાવવી પડશે.

 

mumbai news gujarati mid-day