કોરોના અને પોલીસના ડરથી લૉકડાઉન ભંગના માત્ર ૮૭ કેસ

12 April, 2021 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે વીક-એન્ડ લૉકડાઉનમાં મોટી સંખ્યામાં લોકો કાયદાનો ભંગ કરશે એવી આશંકા સામે જૂજ ઘટના બનવાથી પોલીસે રાહત અનુભવી

એન. એમ. જોષી માર્ગ પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા તુલસી પાઇપલાઇન ખાતે પોલીસ બાઇક પર જઈ રહેલી એક ફૅમિલીને નાકાબંધી વખતે લૉકડાઉનનો ભંગ ન કરવાની વિનંતી કરી રહી છે. (તસવીર: સુરેશ કરકેરા)

અંદાજે બે કરોડની વસતિ ધરાવતા મુંબઈમાં શનિવારે વીક-એન્ડ લૉકડાઉન મોટા ભાગે સફળ રહ્યું હતું. કોરોના અને પોલીસના ડરથી શનિવારે લૉકડાઉનમાં મોટા ભાગના લોકો ઘરની બહાર નહોતા નીકળ્યા. આથી જ્યાં અહીંનાં તમામ ૯૪ પોલીસ-સ્ટેશનો મળીને દરરોજ સરેરાશ ૩૫૦થી ૪૦૦ એફઆઇઆર નોંધાય છે એની સામે શનિવારે લૉકડાઉન ભંગના ૮૭ કેસ જ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર (ઑપરેશન્સ) એસ. ચૈતન્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શહેરના કેટલાક ગીચ વિસ્તારોમાં લૉકડાઉનના નિયમનો ભંગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે વિશેષ તૈયારીઓ કરી હતી. કદાચ આ જ કારણસર આટલા મોટા શહેરમાં લૉકડાઉનનો ભંગ કરવાના માત્ર ૮૭ કેસ નોંધાયા હતા. ૫ એપ્રિલથી મિની લૉકડાઉન લાગુ કરાયું છે ત્યારથી ૧૦ એપ્રિલ સુધીમાં ૧૨૩ કેસ જ પોલીસના ચોપડે નોંધાયા હતા.’

રવિવારે પણ આવી જ સ્થિતિ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

નાલાસોપારામાં ૮ કેસ

મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં આવેલા મીરા રોડથી વિરાર સુધીના વિસ્તારમાં લૉકડાઉનના ભંગના ૨૦ કેસ નોંધાયા હતા. વસઈ, વિરાર, નાયગાંવ, મીરા રોડ અને ભાઈંદરમાં એકલ-દોકલ તો નાલાસોપારામાં સૌથી વધુ ૮ લોકોએ કાયદો હાથમાં લેતાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું વસઈ-વિરાર વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર સંજયકુમાર પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

અંધેરીમાં દારૂ માટે દારૂડિયા બન્યા બેચેન

દારૂડિયાઓને કોરોનાની કે લૉકડાઉનની ચિંતા હોય એવું નથી લાગી રહ્યું.  લૉકડાઉન હોવા છતાં શનિવારે સવારથી દારૂ મેળવવા માટે દારૂડિયાઓ બધે ફરી રહ્યા હતા. અંતે અંધેરી (ઈસ્ટ)માં મરોલમાં પાઇપલાઇન બસ-સ્ટૉપ પાસે આવેલી એક વાઇન શૉપ ખુલ્લી દેખાતાં દારૂડિયાઓ ત્યાં ત્રાટક્યા હતા, પરંતુ ભીડને જોતાં અને પોલીસના ડરે શૉપનો એક કર્મચારી થેલીમાં બૉટલો ભરીને બહાર વેચવા આવ્યો ત્યારે બધાએ તેને ઘેરી લીધો હતો.

coronavirus covid19 lockdown mumbai mumbai news