આઠ દિવસનું અલ્ટિમેટમ

22 February, 2021 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઠ દિવસનું અલ્ટિમેટમ

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

કોરોનાવાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો હોવાથી સરકારની ચિંતામાં વધારો થયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જનતાને કરેલા સંબોધનમાં ચીમકી ઉચ્ચારી હતી કે માસ્ક પહેરવા સહિતના કોરોનાના નિયમોનું પાલન નહીં કરો તો ફરી લૉકડાઉન લાગુ કરવું પડશે. મુખ્ય પ્રધાને આ સાથે કોરોનાને કાબૂમાં રાખવા માટે રાજકીય, સામાજિક અને ધાર્મિક મોરચા અને યાત્રા પર પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી છે. જે વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યાં જરૂરી પ્રતિબંધ મૂકવાના નિર્દેશ કલેક્ટર કે પાલિકાના કમિશનરોને તેમણે પોતાના સંબોધનમાં આપ્યા હતા.

કોરોનાની દેશભરમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ છે. થોડા મહિના આ નવા કેસ ઘટવાથી રાહત અનુભવાઈ હતી; પણ ગયા અઠવાડિયાથી મુંબઈ, પુણે, નાશિક સહિત વિદર્ભનાં શહેરોમાં આ જીવલેણ વાઇરસ ફરી માથું

ઊંચકી રહ્યો છે એથી ‘રાજ્યમાં ફરી લૉકડાઉન તો નહીં કરાયને?’ એવો ડર સૌને હતો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આવી જાહેરાત કરે એવી શક્યતા પણ જોવાઈ રહી હતી.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંબોધનમાં કહ્યું હતું કે ‘કોરોનાની બીજી લહેર રાજ્યમાં આવી છે કે નહીં એનો ખ્યાલ આગામી આઠ દિવસમાં આવી જશે. એથી થોડા પ્રતિબંધો મૂકવા જરૂરી છે. આવતી કાલ એટલે કે સોમવારથી તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક સરઘસ અને મોરચા તથા યાત્રા પર કેટલાક દિવસ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.’

જોકે આ જાહેરાત બાદ લોકોને એવો પ્રશ્ન થવા લાગ્યો હતો કે સામાજિક અને ધાર્મિક ફંક્શનો પર પ્રતિબંધ મૂકવાનો અર્થ શું છે? એના જવાબમાં સુધરાઈના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂની જે પણ ગાઇડલાઇન્સ છે એમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પહેલાંની જેમ ૫૦ જણ લગ્નમાં સામેલ થઈ શકશે, પણ તેમણે કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવાનું રહેશે.’

આ સિવાય અત્યાર સુધી આપણે સફળતાપૂર્વક ‘માઝે કુટુંબ, માઝી જબાબદારી’ નિભાવ્યા બાદ હવે ‘મી જબાબદાર’ ઝુંબેશ શરૂ કરાઈ છે; જેમાં પણ માસ્ક પહેરવાનું અને વારંવાર હાથ ધોવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે. ફરી લૉકડાઉન ન કરવું હોય તો નિયમ પાળવો. આગામી ૮થી ૧૦ દિવસમાં પરિસ્થિતિ જોઈને લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવશે. કારણ વિના ઘરમાં બંધ થવાનું કોઈને નહીં ગમે. આગામી બે મહિનામાં વધુ એક-બે કંપનીની વૅક્સિન ઉપલબ્ધ થશે. લસીકરણની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી. ટૂંક સમયમાં સામાન્ય લોકોને પણ રસી અપાશે. અત્યાર સુધી રાજ્યમાં ૯ લાખ લોકોને રસી અપાઈ છે. માસ્ક જ આપણી કોરોના સામેની ઢાલ હોવાથી રસી મુકાવતાં પહેલાં અને પછી પણ માસ્ક પહેરવો જરૂરી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે ‘ઘણા લોકો કોરોનાવાઇરસ ખતમ થઈ ગયો હોવાનું કહેતા ફરે છે અને માસ્ક પહેરવાથી લઈને તમામ નિયમોનું પાલન નથી કરતા. આવા લોકોને હું કહેવા માગું છું કે હજી કોરોનાનું જોખમ છે એથી કોઈએ મહેરબાની કરીને આવું વર્તન ન કરવું. આવા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.’

અમરાવતીમાં અઠવાડિયું લૉકડાઉન

શનિવારે રાજ્યમાં મુંબઈ બાદ કોરોનાના સૌથી વધુ ૮૯૪ નવા કેસ અમરાવતીમાં નોંધાતાં આજથી ત્યાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયમાં માત્ર એસેન્શિયલ સર્વિસ જ ચાલુ રહેશે. રાજ્યનાં કૅબિનેટ પ્રધાન યશોમતી ઠાકુરે અમરાવતીમાં સાત દિવસનું લૉકડાઉન કરવાની ગઈ કાલે બપોરે જાહેરાત કરી હતી. કોરોનાના કેસોને નિયંત્રણમાં રાખવા માટે લૉકડાઉન કરવું જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે શનિવારે મુંબઈમાં કોવિડના નવા ૮૯૭ કેસ નોંધાયા હતા, જ્યારે અમરાવતીમાં ૮૯૪ કેસ આવવાથી સ્થિતિ કાબૂની બહાર જઈ રહી હોવાનું જણાતાં સરકારે સંપૂર્ણ લૉકડાઉનનો નિર્ણય લીધો હતો. અચલપુર શહેરને બાદ કરતાં આખા જિલ્લામાં આજે એટલે કે ૨૨ ફેબ્રુઆરીએ સવારે ૮ વાગ્યાથી ૨૮ ફેબ્રુઆરીએ રાત્રે ૮ વાગ્યા સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.

coronavirus covid19 lockdown maharashtra mumbai amravati uddhav thackeray