આઠ દિવસમાં ખાડા ભરો, નહીં તો ઉગ્ર આંદોલનનો સામનો કરો

29 September, 2022 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ઘોડબંદરથી ચારોટી સુધીના ખાડા ભરવા અપાઈ મુદત : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વાહતુક સેનાએ ગઈ કાલે થોડા સમય માટે હાઇવેનું ખાનિવડે ટોલનાકું બંધ કરીને વિરોધ કર્યો

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ખાડાને રિપેર ન કરવા સામે વિરોધ કરીને આઠ દિવસની મુદત રિપેરિંગ કરવા માટે અપાઈ છે

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરના ખાડાનો વિષય વરસાદની શરૂઆત થઈ ત્યારથી ગરમાયો છે. એવામાં આ હાઇવે પર ચારોટી નાકા પાસે સાયરસ મિસ્ત્રીના રોડ-અકસ્માત બાદ આ હાઇવે પરના ખાડા અને અહીંની અનેક અસુવિધાઓ ચર્ચાનો વિષય બન્યાં છે. અનેક સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓએ વિવિધ રીતે ખાડા સામે વિરોધ દાખવીને એને તાત્કાલિક રિપેર કરવાની માગણી કરી છે. ખાડાને કારણે કલાકો સુધી ટ્રાફિક જૅમમાં ફસાઈ રહેતા લોકોનો પણ રોષ ટ્રાફિક પોલીસ પર વરસે છે. અસંખ્ય વિરોધનું પ્રમાણ હોવા છતાં હાઇવે ઑથોરિટીના પેટનું પાણી પણ હલતું ન હોવાથી હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વાહતુક સેનાના લોકો પણ રસ્તા પર ઊતરીને વિરોધ કરી રહ્યા છે. તેમણે હાઇવે પરનું ખાનિવડે ટોલનાકું બંધ કરીને વિરોધ દાખવ્યો હતો અને આઠ દિવસમાં ઘોડબંદરથી ચારોટી સુધી ખાડા ભરવાની માગણી કરી હતી. એવું નહીં થાય તો ઉગ્ર વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે એવું કહેવાયું છે.

હાઇવે પરના ખાડાથી નારાજગી દાખવતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વાહતુક સેનાના પાલઘરના જિલ્લા અધ્યક્ષ વિનોદ મોરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નૅશનલ હાઇવે જેવા મહત્ત્વના રસ્તાની દુર્દશા જોઈને શરમ આવી જાય છે. રસ્તાના ખાડાનું પ્રમાણ એટલું વધી ગયું છે વાહન ચલાવવું ક્યાંથી એ પ્રશ્ન થાય છે. થોડા દિવસ પહેલાં હાઇવે પર પાલઘર પાસે એક જ જગ્યાએ ૨૪ કલાકની અંદર બે અકસ્માત થયા હતા અને એમાં ૬ જણે જીવ ગુમાવ્યા હતા. ખાડાને કારણે લોકોનો જીવ જવાની સાથે હેરાનગતિ થતી હોવાની અમે હાઇવે ઑથોરિટીને અનેક વખત ફરિયાદ કરી હતી. મુખ્ય પ્રધાનથી લઈને પ્રશાસનને પણ ફરિયાદ કરાઈ હતી, પરંતુ અમારા એક પણ પત્રનો જવાબ અપાયો નથી. એથી અંતે અમારે વિરોધ કરવા રસ્તા પર ઊતરવું પડ્યું હતું અને અમે હાઇવેના ખાનિવડે ટોલનાકા પર જઈને નારાબાજી કરી હતી. ઉપરાંત નૅશનલ હાઇવે ઑથોરિટીને પત્ર લખીને આઠ દિવસમાં ઘોડબંદરથી ચારોટી સુધીનો રસ્તો બનાવવાનું પત્રમાં પણ લખ્યું છે. જો આપેલી મુદત પર ખાડાનું રિપેરિંગ ન થયું તો અમે અમારી સ્ટાઇલમાં વિરોધ દાખવીને ટોલનાકાને બંધ કરાવીશું. ખાડા માટે જવાબદાર લોકો પર ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે એવી પણ માગણી અમે કરી છે. અમે આપેલા અલ્ટિમેટમ સુધી રાહ જોઈશું. નહીં તો અમે ઉગ્ર વિરોધ કરવા પણ તૈયાર છીએ.’

હાઇવે ઑથોરિટી અને પીડબ્લ્યુડીને ત્રણ અઠવાડિયાંમાં મુંબઈ-અમદાવાદ હાઇવેના ખાડા પૂરવાનો પોલીસનો હુકમ

તાજેતરના ભૂતકાળમાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતોને પગલે પાલઘર પોલીસે નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) અને અન્ય સંબંધિત વિભાગોને ત્રણ મહિનામાં આ વ્યસ્ત રૂટ પરના ખાડા પૂરવાની તાકીદ કરી છે.

મંગળવારે એનએચએઆઇના અધિકારીઓ, હાઇવે મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટર્સ અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)ના અધિકારીઓ સાથેની બેઠક દરિમયાન પાલઘર રૂરલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ બાળાસાહેબ પાટીલે તેમને હાઇવે પર જરૂરી સૂચના ધરાવતાં બોર્ડ્સ મૂકવાનો, વાહનની સ્પીડ મર્યાદિત કરવા રમ્બ્લર્સ મૂકવાનો, કારચાલકો માટે કૅટ આઇઝ ગોઠવવાનો, સીમાંકનો કરવાનો અને ખાડા પૂરવાનો અને આ તમામ કામગીરી ત્રણ સપ્તાહની અંદર કરવાનો હુકમ કર્યો હતો.

બેઠકમાં અધિકારીઓએ જાણ કરી હતી કે પાલઘર જિલ્લાની હદમાં હાઇવે પર ૧૫ બ્લૅક સ્પૉટ્સ આવેલા છે. બાળાસાહેબ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં લઈ જવા માટે હાઇવે પર ઍમ્બ્યુલન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું છે. તેમણે સંબંધિત અધિકારીઓને હાઇવેનાં ચાર સ્થળોએ ઍમ્બ્યુલન્સની પ્રાપ્યતા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી. એની સાથે જ તેમણે તેમને અકસ્માતગ્રસ્ત વાહનને હાઇવે લેનમાંથી દૂર કરવા માટે ક્રેન પૂરી પાડવાની સૂચના આપી હતી.

mumbai mumbai news ahmedabad western express highway