૭૨મા પ્રજાસત્તાક દિને ૭૨ કિલોમીટરની મૅરથૉન

28 January, 2021 08:28 AM IST  |  Mumbai | Alpa Nirmal

૭૨મા પ્રજાસત્તાક દિને ૭૨ કિલોમીટરની મૅરથૉન

આયોજકો દરેક દોડવીરને ખાસ ટી-શર્ટ આપે અને સાથે બે બાય ત્રણ ફુટનો ભારતીય ધ્વજ. ફ્લૅગના તમામ નિયમો પાળી આખી દોડ દરમ્યાન લહેરાવીને દોડવું એ તેમની એકમાત્ર શરત હતી. - પ્રણવ ઉપાધ્યાય

બોરીવલીમાં રહેતા પ્રણવ ઉપાધ્યાયે ૨૬ જાન્યુઆરીએ ઇન્ડિયન ફ્લૅગ રનર્સ ગ્રુપ દ્વારા આયોજિત ૭૨ કિલોમીટરની વર્ચ્યુઅલ રેસ ૧૩ કલાક અને ૧ મિનિટમાં પૂરી કરી હતી. ઇન્ડિયન આર્મી અને પોલીસ સર્વિસના ભૂતપૂર્વ અધિકારીઓએ શરૂ કરેલી સંસ્થા ઇન્ડિયન ફ્લૅગ રનર્સે ભારતના ૭૨મા પ્રજાસત્તાક દિને ૨૬ અને ૭૨ કિલોમીટરની મૅરથૉન અને ૭૨ કિલોમીટરની સાઇક્લિંગની વર્ચ્યુઅલ ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરી હતી. એમાં ૭૨ કિલોમીટરની મૅરથૉનમાં સમગ્ર ભારતમાંથી ૬૩ દોડવીરો સામેલ થયા હતા. મુંબઈમાંથી ચાર રનર્સે પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં પ્રણવ ઉપાધ્યાય એકમાત્ર ગુજરાતી હતો.
એમબીએ થયેલો પ્રણવ કહે છે, ‘કોરોનાને કારણે ઑર્ગેનાઇઝરોએ આ રેસ વર્ચ્યુઅલ મૉનિટર કરી હતી. એમાં દરેક પાર્ટિસિપન્ટે પોતાને ગમે એ રૂટ પર પોતાની રીતે દોડવાનું હતું. અફકોર્સ રેકૉર્ડિંગ, ડિવાઇસ તેમ જ અન્ય વેરિફિકેશનનાં સાધનો તમારી પાસે રાખવાનાં હતાં જેમાં તમારાં સ્ટેપ્સ, સ્પીડ, ટાઇમિંગ અને ઈવન હાર્ટરેટ બધું જ રેકૉર્ડ થાય. તમારી બધી જ મૂવમેન્ટ ડેટામાં કન્વર્ટ થઈને આયોજકોની નજરમાં રહે.’
રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરતો પ્રણવ આગળ કહે છે, ‘આ દોડમાં રૂટની સાથે પાણી, ફૂડ સપ્લિમેન્ટ્સ કે મેડિકલ સર્વિસિસ કે પોતાની અન્ય જરૂરિયાતો પણ જાતે જ પૂર્ણ કરવાની હતી. એ જ રીતે રેસ્ટિંગ પ્લેસ કે વૉટર પૉઇન્ટ એ બધું પણ સેલ્ફ-મૅનેજ કરવાનું હતું. આયોજકો દરેક દોડવીરને ખાસ ટી-શર્ટ આપે અને સાથે બે બાય ત્રણ ફુટનો ભારતીય ધ્વજ. ફ્લૅગના તમામ નિયમો પાળી આખી દોડ દરમ્યાન લહેરાવીને દોડવું એ તેમની એકમાત્ર શરત હતી.’
અને હાથમાં પકડેલા એ ભારતીય તિરંગાએ પ્રણવના જોશ અને જોમ બરકરાર રાખ્યાં હતાં. બે વર્ષ પહેલાં જ રનિંગ શરૂ કરનારા પ્રણવને વિવિધ સ્પોર્ટ્સમાં રસ હતો, પણ બાયકાયદા રનિંગ તેણે ૨૦૧૯માં શરૂ કર્યું. એ વર્ષે મુંબઈમાં હાફ મૅરથૉન દોડ્યો અને ૨૦૨૦માં ફુલ મૅરથૉન. હા, તેણે ૪૨ કિલોમીટરની લદ્દાખ મૅરથૉન પણ પૂર્ણ કરી હતી. ૩૨ વર્ષનો પ્રણવ કહે છે, ‘લદ્દાખ મૅરથૉન મારા માટે ચૅલેન્જિંગ હતી પણ એ મેં સારી સ્પીડમાં પૂરી કરી હતી. એટલે મારો ઉત્સાહ બેવડાયો હતો. પછી તો મેં રનિંગને ડેઇલી રૂટીનમાં જ જોડી દીધું. દિવસના દોઢ કલાક હું રનિંગ કરું તો ક્યારેક ૧૫-૨૦ માળના બિલ્ડિંગનાં પગથિયાં ક્લાઇમ્બ કરું, ક્યારેક ઍક્સેસ લગેજ ઉપાડીને દોડું કે દાદરા ચડું. આમ મેં મારો એન્ડ્યોરન્સ વધાર્યો હતો. એવામાં મને આઇએફઆર (ઇન્ડિયન ફ્લૅગ રનર્સ)ની ઇવેન્ટ વિશે ખબર પડી એટલે મને થયું લેટ્સ ડૂ ઇટ. હું ભારતીય ધ્વજ લઈને દોડીશ અને ૭૨મો પ્રજાસત્તાક દિવસ છે એટલે ૭૨ કિલોમીટર દોડીશ.’
રનિંગ, ક્લાઇમ્બિંગ, ફાસ્ટ વૉકિંગ કરી પ્રણવ ફિઝિકલી અને મેન્ટલી રેડી થઈ ગયો આઇએફઆર મૅરથૉન માટે અને ૨૬ જાન્યુઆરીએ સવારે પાંચ વાગ્યે શ્રીગણેશ કર્યા દહિસર સ્ટેશનથી. દહિસરથી ગોરેગામ સુધી એસ. વી. રોડ પર, ત્યાંથી લિન્ક રોડ પર ડાઇવર્ટ થઈ જુહુ-તારા સર્કલ થઈ બાંદરાના રેક્લેમેશન પાસે આવેલા સોલાર ગાર્ડન સુધી તે દોડ્યો. એ વિશે પ્રણવ કહે છે, ‘મંગળવારે વાતાવરણ બહુ સરસ હતું. શરૂઆતમાં મેં એક કલાકમાં આઠ કિલોમીટર કવર કરી લીધાં અને સવાસાત વાગ્યે મેં ફ્લૅગ ઓપન કર્યો, કારણ કે સંવિધાન મુજબ સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન જ ધ્વજ ફરકાવી શકાય અને ધ્વજ દંડ હંમેશાં તમારી જમણી બાજુએ જ રાખી શકાય. શરૂઆતમાં તો અંધારું હતું ને રસ્તા પર બહુ પબ્લિક નહોતી, પર અજવાળું થતાં જ મારા હાથમાં ભારતીય ઝંડો જોઈને જતા-આવતા રાહદારીઓ, વાહનચાલકો ચિયર કરતા ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ જેવા શબ્દોથી મને નવાજતા. ગોરેગામ મારી સાથે ૨૬ કિલોમીટર મૅરથૉનમાં જોડાયેલી બે ફીમેલ રનર્સ પલક વોરા અને ઊર્મિ પટેલ પણ જૉઇન થઈ. સોલાર ગાર્ડન સુધી ૩૦ કિલોમીટરનું અંતર અમે પોણાદસ વાગ્યે કમ્પ્લીટ કરી લીધું હતું.’
૪૬ કિલોમીટર પછી ડાયરેક્ટ ૭૨ કિલોમીટરનું રનિંગ એ મોટો ટાસ્ક નહોતો? એના જવાબમાં પ્રણવ કહે છે, ‘હા, મોટો ટાસ્ક જરૂર હતો, એમાંય એકલા-એકલા દોડવું એ ખૂબ જ પડકારજનક હતું. જનરલી મૅરથૉન ઇવેન્ટમાં તમે સતત આજુબાજુ રનર્સ વચ્ચે જ દોડતા હો, જેથી તમારી પેસ મેઇન્ટેઇન રહે, મૉરલ હાઈ રહે. ઝંડો લઈને દોડતો જોઈને પોલીસે મને રોક્યો. ક્યા રે? કિધર જાતા હૈ? કોઈ ઇવેન્ટ હૈ તો દૂસરે લોગ કહાં હૈ? બધું સમજાવ્યું પછી કહે, ‘અરે જલદી જાઓ ઔર ટાઇમ પે કમ્પ્લીટ કર દેના. આવા અનુભવોથી ખરા અર્થમાં ઝંડાની મહત્તા સમજાઈ. કદાચ હું એમ ને એમ જ દોડતો હોત તો કોઈનું ધ્યાન પણ ન ગયું હોત, પણ ભારતીય ધ્વજ હોવાને કારણે અજાણ્યાઓ પણ બિરદાવતા એ મારા માટે બૂસ્ટર ડોઝ બની રહ્યું.’
જોકે છેલ્લાં ૩૦ કિલોમીટર પ્રણવ માટે કઠિન બની ગયાં. પગમાં સ્પ્રેઇન આવી જવાને કારણે તેની સામે દોડવું તો શું, ચાલવું પણ પેઇનફુલ બની ગયું. પ્રણવ કહે છે, ‘બપોરે એક-બે વાગ્યે ખૂબ તડકો લાગ્યો. ગરમી અને પગની પીડા બેઉ તકલીફ આપી રહ્યાં હતાં. એમ છતાં મેં ખેંચ્યું. પણ કાંદિવલી પહોંચતાં પગનો દુખાવો બહુ વધી ગયો એટલે મેં એક કેમિસ્ટમાંથી પેઇન સ્પ્રે અને આઇસપૅક લીધાં. પછી થોડી રિલીફ થઈ અને ૧૪ કલાકની અંદર જે રેસ પૂરી કરવાની હતી એ મેં ૧૩ કલાક અને એક મિનિટમાં કમ્પ્લીટ કરી સાંજે ૬ અને એક મિનિટે હું પાછો કર્યો.’
આ રેસ દરેક નિયમ અનુસાર પૂર્ણ કરનારને ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સના સર્ટિફિકેટ અને બે મેડલ મેળશે, જેની ખુશી તો પ્રણવને છે જ પણ તિરંગાની આન અને શાન જાળવ્યાનો સંતોષ એથીયે વધુ છે.

borivali alpa nirmal mumbai news mumbai