ડોમ્બિવલીમાં રખડતા ૭ શ્વાનને ઝેર આપીને મારી નખાયા હોવાની શંકા

23 March, 2026 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍનિમલ ફૂડ બનાવતી કંપનીની બહાર પેસ્ટ કન્ટ્રોલ કરવામાં આવ્યા બાદ થોડા દિવસમાં ૭ શ્વાન એ જ વિસ્તારમાં મરેલા મળ્યા, ઍનિમલ ઍક્ટિવિસ્ટની ફરિયાદને પગલે તપાસ ચાલુ

માનપાડા પોલીસે ૪ શ્વાનના મૃતદેહો તાબામાં લઈને વધુ તપાસ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દીધા છે

ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલી ઍનિમલ ફૂડ બનાવતી કંપનીમાં થોડા દિવસ પહેલાં ફૅક્ટરીની અંદર અને બહાર પેસ્ટ કન્ટ્રોલ કરવામાં આવ્યું હતું. એ પછી થોડા દિવસની અંદર ફૅક્ટરીની નજીક ૭ રખડતા શ્વાન મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ આ બધા જ શ્વાન ઝેરી કેમિકલવાળું ફૂડ ખાવાને કારણે મરી ગયા હોય એવું જણાયું હતું. આ બાબતે ઍનિમલ ઍક્ટિવિસ્ટે પોલીસમાં કશુંક ખોટું થયું હોવાનું જણાવીને ફરિયાદ કરતાં માનપાડા પોલીસે આ સંદર્ભે ફૅક્ટરીના માલિક, તેના ભાઈ અને વર્કર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

માનપાડા પોલીસે ૪ શ્વાનના મૃતદેહો તાબામાં લઈને વધુ તપાસ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દીધા છે. ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલી એકલવ્ય ઍનિમલ પેડિગ્રી ફૅક્ટરી ડૉગ માટે ફૂડ બનાવે છે. થોડા વખત પહેલાં કીટકોનો ત્રાસ વધી ગયો હોવાથી ફૅક્ટરીના માલિકે યુનિટની અંદર અને આજુબાજુમાં પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યું હતું. એ પછી વારાફરથી ૭ રખડતા શ્વાનનાં મોત થયાં હતાં. ઍનિમલ ઍક્ટિવિસ્ટ સુપ્રિયા સુર્વેએ કાવતરું હોવાની શંકા પોલીસને જણાવી ત્યાર બાદ કંપનીના માલિકે તેને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો છે.

mumbai news mumbai dombivli Crime News mumbai crime news mumbai police wildlife