બદનામીથી બચવા ગુજરાતી વેપારી ફસાયા નકલી ઑફિસરોની જાળમાં, આપી બેઠા ૬ લાખ રૂપિયા

15 July, 2026 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તરફ તુકારામ મુંઢેના અસલી અધિકારીઓનો તરખાટ, બીજી બાજુ FDAના નામે ગઠિયાઓ પણ બેફામ. જોકે પછી બોરીવલીની હોટેલના સમાચાર વાંચીને વસઈની ન્યુ મોરબી સ્વીટ ઍન્ડ ફરસાણ માર્ટના વેપારીને ફરિયાદ કરવાની હિંમત આવી

વસઈ-વેસ્ટની ન્યુ મોરબી સ્વીટ‍્સ ઍન્ડ ફરસાણ.

અમે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓ છીએ એવી નકલી ઓળખ આપીને વસઈ-વેસ્ટમાં ન્યુ મોરબી સ્વીટ‍્સ ઍન્ડ ફરસાણ નામની શૉપ ચલાવતા ૫૭ વર્ષના ગુજરાતી વેપારી રોહિત સુખડિયા પાસેથી ૬ લાખ રૂપિયા પડાવવાના આરોપમાં માણિકપુર પોલીસે ગઈ કાલે ૭ લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ સંગઠિત ટોળકીએ દુકાન સીલ કરવાની અને સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ કરીને બદનામી કરવાની ધમકી આપીને આ આખી લૂંટ ચલાવી હતી. આ આરોપીઓએ બોરીવલીના એક હોટેલમાલિક પાસેથી પણ આ જ રીતે પૈસા પડાવ્યા 
હોવાના સમાચાર અને તેમના ફોટો સોશ્યલ મીડિયા પર જોતાં જ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં વલઈના વેપારીએ આ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મુખ્ય બે આરોપીઓ હાલ જેલમાં હોવાથી પોલીસે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

શું હતી ઘટના?
રોહિત સુખડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૩ જૂને સાંજે હું અને મારો ભત્રીજો રાહુલ દુકાને હાજર હતા ત્યારે ભારત સરકારનું બોર્ડ મારેલી ટૉયોટા ફૉર્ચ્યુનર કારમાં એક મહિલા અને પાંચ પુરુષો મારી દુકાને આવ્યાં હતાં. તેમણે પોતાને FDAના અધિકારી ગણાવીને ID કાર્ડ બતાવ્યાં હતાં અને દુકાનની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન તેમણે સ્ટોરરૂમમાં રાખેલી (જે કંપનીને પાછી કરવાની હતી એ) સોનપાપડી અને કુકીઝનાં બૉક્સ શોધી કાઢ્યાં હતાં. આ માલના ફોટો-વિડિયો પાડીને ‘તમે આવો માલ વેચો છો, અમે હમણાં જ મીડિયાને બોલાવીશું અને દુકાન સીલ કરી દઈશું’ એમ કહીને મને જેલમાં મોકલવાની ધમકી આપીને ડરાવી દીધો હતો. આરોપીઓએ મને મંત્રાલયના અશોક સ્તંભના ચિહ્‍‍નવાળાં વિઝિટિંગ કાર્ડ આપીને બીજા દિવસે એવરશાઇન સિટી સ્થિત પોતાની ઑફિસે બોલાવ્યો હતો. કેસ ન કરવાના અને મીડિયામાં બદનામી ન કરવાના બદલામાં વિજય જાદવ, સ્વાતિ તુલસકર અને તેમના સાથીદારોએ શરૂઆતમાં ૧૨ લાખ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ ઘણી આજીજી અને વાટાઘાટો બાદ આખરે ૬ લાખ રૂપિયામાં મામલો થાળે પડ્યો હતો. આ રકમ તેમણે ૩ અલગ-અલગ તબક્કામાં બે-બે લાખ રૂપિયા કરીને તેજસ નામના પોતાના માણસને મોકલીને મારી પાસેથી પડાવી લીધી હતી. આ ઘટના બાદ હું બધું ભૂલી ગયો હતો. જોકે તાજેતરમાં મેં સોશ્યલ મીડિયા પર જોયું કે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં પણ આ જ ટોળકી સામે FDA ઑફિસર બનીને પૈસા પડાવવાનો ગુનો નોંધાયો છે. અંતે મારી સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં જ મેં માણિકપુર પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.’  

mumbai news mumbai food and drug administration vasai mumbai police Crime News mumbai crime news gujaratis of mumbai