બંદૂકધારી લૂંટારાઓને લાકડીથી ભગાડી દીધા હિંમતવાન જ્વેલરે

15 August, 2024 06:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના સુરેશ જૈનનું કહેવું છે કે જો મેં તેમનાથી ગભરાઈને દુકાન લૂંટવા આપી હોત તો તેમની હિંમત વધી જાત

દુકાનમાલિક સુરેશ જૈન., દુકાનમાં રિવૉલ્વર સાથે પ્રવેશેલા ચોર.

થાણે-વેસ્ટમાં દર્શન જ્વેલર્સના ૪૭ વર્ષના માલિક સુરેશ જૈને ગઈ કાલે સવારે દુકાનમાં રિવૉલ્વર અને છરી જેવાં હથિયારો સાથે રૉબરી કરવાના ઉદ્દેશથી આવેલા ચાર લોકોને હિંમતપૂર્વક માત્ર એક લાકડીથી ભગાવી દીધા હતા. તેમની પાછળ આશરે ૧૦૦ મીટર દોડીને સુરેશ જૈનના ભાઈ હરીશે એક જણને પકડીને કાપૂરબાવડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે પ્રાથમિક માહિતીના આધારે રૉબરીની ફરિયાદ નોંધીને આ કેસમાં બાકીના આરોપીઓની શોધ શરૂ કરી છે.

તેમનાથી ગભરાઈને દુકાન લૂંટવા આપી હોત તો તેમની હિંમત વધી ગઈ હોત અને તેમણે મારા જેવા બીજા જ્વેલર્સને નિશાન બનાવ્યા હોત એમ જણાવીને સુરેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મારો જીવ પણ જઈ શકતો હતો, કારણ કે તેમની પાસે જે રિવૉલ્વર હતી એ ફુલ લોડેડ હતી. જોકે મેં માત્ર ૨૦ સેકન્ડમાં તેમને ભગાડી મૂક્યા હતા.’

પોતાની સાથે બનેલા બનાવ વિશે સુરેશ જૈને વધુમાં કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે હું દુકાન ખોલીને સાફસફાઈ કર્યા બાદ ભગવાનની પૂજા કરીને કૅશ કાઉન્ટર પર બેઠો હતો. મારી દુકાનમાં કાલે દોઢથી બે કિલો જેવો સોનાનો માલ હતો. એ દરમ્યાન સવારે ૧૧.૨૬ વાગ્યાની આસપાસ ચાર માણસો મારી દુકાનમાં પ્રવેશ્યા હતા. એમાંના એકે પહેલાં મને રિવૉલ્વર બતાવીને તાત્કાલિક દુકાનમાં રહેલો સોનાનો માલ આપી દેવા કહ્યું હતું. બીજા યુવાને તેના હાથમાં રહેલી રિવૉલ્વરથી મને મારવાનો પ્રયાસ કરીને જલદી કરવા કહ્યું હતું. ત્યારે મેં પ્રેઝન્સ ઑફ માઇન્ડ વાપરી હા, માલ કાઢી આપું છું એમ કહીને મારી બેઠકની પાછળ પડેલો ડંડો મારા હાથમાં લીધો હતો અને જેણે મને પહેલાં રિવૉલ્વર બતાવી હતી તેના માથા પર માર્યો હતો. જોકે તેણે હેલ્મેટ પહેરી હોવાથી ડંડો વધારે વાગ્યો નહોતો. પછી એ ડંડા સાથે હું કાઉન્ટર પરથી કૂદીને તેમની સામે ગયો ત્યારે ચારેચાર જણ ગભરાઈને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. એટલે હું પણ તેમની પાછળ દોડ્યો હતો. એટલામાં જેના હાથમાં રિવૉલ્વર હતી તેણે ઓપન ફાયરિંગ કર્યું હતું. ત્યારે આ તમામ પર મારા ભાઈ હરીશનું ધ્યાન જતાં તે તેમની પાછળ ભાગ્યો હતો અને એક યુવાનને પકડી પાડ્યો હતો. આ ઘટનાની જાણ કાપૂરબાવડી પોલીસને થવાથી તે તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી અને મારી ફરિયાદ નોંધી હતી. જે યુવાનને અમે પકડી પાડ્યો હતો તેનું નામ સચિન રાવત હોવાનું મને પાછળથી જાણવા મળ્યું હતું.’

દુકાનના માલિકે જોરદાર હિંમત બતાવી : પોલીસ

થાણેના ઝોન પાંચના ડેપ્યુટી પોલીસ-કમિશનર અમરસિંહ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનમાં મળેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યા પ્રમાણે દુકાનના માલિકે જોરદાર હિંમત બતાવી છે. હાલમાં આ કેસમાં કાપૂરબાવડી પોલીસે ફરિયાદ નોંધીને એક યુવાનની ધરપકડ કરી છે અને બીજા આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી વધુ માહિતી કઢાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.’

mumbai news mumbai thane thane crime mumbai crime news mumbai police jain community