12 September, 2023 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્રમાંથી અવારનવાર હત્યાના કેસ સામે આવતા હોય છે તેમાં હવે મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પાલઘરમાં એક 43 વર્ષીય વ્યક્તિએ પોતાના 28 વર્ષના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી નાખી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૃતકે આરોપી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી બસ આ જ ફરિયાદનું આરોપીને માઠું લાગ્યું હતું. એટલું જ નહીં આ આરોપી પોતાના પર લાગેલા કેસને પાછો ખેંચવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. પરંતુ બન્યું એમ કે લિવ ઇન રિલેશન પાર્ટનરે આરોપી વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો. બસ આટલી જ વાત પર આરોપીએ પોતાના જ ઇવ-ઇન-પાર્ટનરની હત્યા કરી નાખી.
પોલીસે આ બાબતે વધુ જણાવતા કહ્યું હતું કે આ ઘટના 9થી 12 ઓગસ્ટની વચ્ચે બની હતી. જોકે, મૃતક મહિલાનો મૃતદેહ હજુ સુધી મળી શક્યો નથી. નાયગાંવ પોલીસના જણાવ્યા અનુસાર આરોપી એ મહારાષ્ટ્રના વસઈ વિસ્તારનો રહેવાસી હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે મૃતક મહિલાના પરિવારજનોએ 14 ઓગસ્ટે તેની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે પરિવારજનોને શંકા છે કે આરોપીઓએ પોતાના લિવ-ઇન-પાર્ટનરના મૃતદેહને ગુજરાતના વાપી શહેરમાં લઈ જઈને ક્યાંક દાટી દીધો છે.
આ કેસમાં જ્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી ત્યારે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી તે વખતે ખૂબ જ ગુસ્સે હતો. તેના ગુસ્સાનું કરણ માત્ર એટલું જ હતું કે તેના સાથી દ્વારા તેના પર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હતી.
જો કે, પીડિતાની અરજીના આધારે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એવું પણ સામે આવ્યું છે કે આરોપી વારંવાર લિવ-ઇન-રિલેશન પાર્ટનર પર બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરતો હતો, પરંતુ જ્યારે મહિલાએ ફરિયાદ પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો ત્યારે તેણે કથિત રીતે તેની હત્યા કરી નાખી.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રની નાયગાંવ પોલીસે સોમવારે એટલે કે 11 સપ્ટેમ્બરે આઈપીસીની કલમ 302, 201 હેઠળ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આરોપી પહેલાથી જ આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં પોલીસની કાર્યવાહીનો સામનો કરી રહ્યો હતો. આ રીતે લિવ-ઇન-પાર્ટનરની હત્યા કરવા બદલ મીરા ભાયંદર-વસઈ વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ પીડિતાની બહેનનું પણ નિવેદન સામે આવ્યું છે તે કહી રહી છે કે જ્યારે તેણે તેની બહેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેનો સંપર્ક થઈ શક્યો નહીં. આરોપી પાસેથી જ્યારે તેણે માહિતી મેળવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તે અસ્પષ્ટ જવાબો આપતો હતો.