ગુજરાતી સીએએ સુસાઇડ કેમ કર્યું?

31 January, 2023 08:55 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડમાં રહેતા ૪૩ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચિરાગ વૈરાયાએ કરી ઇગતપુરીના બંગલામાં આત્મહત્યા : તેમની સામે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાથી આ પગલું ભર્યું હોવાની પોલીસને સતાવી રહી છે શંકા

ચિરાગ વૈરાયા

મુલુંડમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શનિવારે ઇગતપુરીના એક બંગલામાં રોકાવા ગયા હતા. તેઓ ગઈ કાલે મુંબઈ પાછા ફરવાના હતા. જોકે એ પહેલાં ગઈ કાલે બપોરે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની માહિતી મળતાં ઇગતપુરી પોલીસ સ્ટેશને પ્રાથમિક માહિતીના આધારે એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પર ભાંડુપ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને છેતરપિંડીની એક ફરિયાદ ૧૨ જાન્યુઆરીએ નોંધાવવામાં આવી હતી જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુલુંડ-વેસ્ટના તાંબેનગરની એક સોસાયટીમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ૪૩ વર્ષના ચિરાગ વૈરાયા શનિવારે પોતાના ડ્રાઇવર સાથે મુંબઈ-આગરા હાઇવે પર આવેલા એક મિત્રના બંગલામાં રોકાવા આવ્યા હતા. એ પછી ડ્રાઇવરને સોમવારે સવારે પાછા મુંબઈ જવાનું કહીને પોતે બંગલમાં બે દિવસ રહ્યા હતા. ડ્રાઇવર ગઈ કાલે બપોરે તેમને લેવા આવ્યો ત્યારે ચિરાગભાઈએ દરવાજો ખોલ્યો નહોતો. એ પછી ડ્રાઇવર સ્થાનિક રહેવાસીની મદદથી બંગલામાં પ્રવેશ્યો ત્યારે ચિરાગભાઈએ પંખા પર લટકીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ તરત ઇગતપુરી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.

ઇગતપુરી પોલીસનું શું કહેવું છે?
ઇગતપુરી પોલીસ સ્ટેશન સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પઠાવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે સ્થાનિક રહેવાસી શિંદે નામના યુવકે અમને ઘટનાની જાણ કરી હતી. અમે ઘટનાસ્થળે જઈ સ્થાનિક લોકોનાં સ્ટેટમેન્ટ નોંધીને પંચનામું કર્યું હતું. આત્મહત્યા કરનાર વ્યક્તિએ કોઈ સુસાઇડ નોટ છોડી નથી. આત્મહત્યા પાછળનું મૂળ કારણ અમે શોધી રહ્યા છીએ. પ્રાથમિક માહિતીના આધારે અમે એડીઆર નોંધીને તપાસ શરૂ કરી ધરી છે.’

ભાંડુપ પોલીસનું શું કહેવું છે?
ભાંડુપ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઉનાવનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલાના સ્ટેટમેન્ટના આધારે અમે આરોપી સામે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. જોકે પ્રાથમિક માહિતીના આધારે આ કેસ ટેક્નિકલ લાગી રહ્યો હોવાથી અમે વધુ તપાસ કરી રહ્યા છે. આરોપીને સ્ટેટમેન્ટ માટે અમે બોલાવ્યો હતો અને તે અમારી સામે હાજર પણ થયો હતો.’

mumbai mumbai news mulund bhandup mumbai police mehul jethva