‘હું જાઉં છું...’

02 December, 2020 08:08 AM IST  |  New Mumbai | Rohit Parikh

‘હું જાઉં છું...’

કનૈયા પ્રેમજીભાઈ ગજરા

નવી મુંબઈના વાશીની એપીએમસી માર્કેટના અનાજના વેપારી ૪૨ વર્ષના કનૈયા ગજરાએ સોમવારે રાતે તેમના લેણદારોના મારથી અને ધમકીથી કંટાળીને નવી મુંબઈના ઘણસોલી રેલવે-સ્ટેશને જઈને આત્મહત્યા કરી હતી. આ સમાચારથી ભાનુશાલી સમાજ અને એપીએમસી માર્કેટના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

કનૈયાભાઈ છેલ્લાં ૧૦ વર્ષથી અનાજના વેપારમાં છે. તે વસુંધરા ટ્રેડિંગ અને વાલારામના નામે પાર્ટનરશિપમાં અનાજનો વેપાર કરતો હતો. માર્ચ ૨૦૧૯ પછી કનૈયાની આર્થિક હાલત કથળી હતી. તેની બન્ને કંપનીઓ નુકસાનમાં ચાલતી હતી, જે પછીથી બંધ થઈ ગઈ હતી જેથી તેના લેણદારો સતત તેને ટૉર્ચર કરતા હતા. સોમવારે આ વાત વણસી હતી અને લેણદારોએ સવારે ૧૨ વાગ્યાથી કનૈયા સાથે માર્કેટમાં જ ઉઘરાણી માટે મારામારી કરી હતી. ત્યાર પછી આ લેણદારો પહેલાં કનૈયા પર કાયદાકીય કાર્યવાહી કરવાના ઇરાદાથી સોમવારે સાંજે વાશી પોલીસ-સ્ટેશન લઈ જવાના હતા, પણ પોલીસ-સ્ટેશન પહોંચતાં પહેલાં જ લેણદારોના વિચાર ફરી ગયા હતા અને તેઓ એપીએમસીના વેપારીઓ અને તેમના સમાજના અમુક લોકોની મધ્યસ્થીને કારણે કનૈયા સાથે બહાર જ હિસાબ કરવા તૈયાર થઈ ગયા હતા. જોકે એ દરમ્યાન કનૈયા પર હુમલો કરવાની વાત થતા કનૈયો ગભરાઈ ગયો હતો અને તેના લેણદારો પાસેથી ભાગીને સીધો ઘણસોલી રેલવે-સ્ટેશન પહોંચી ગયો હતો, જ્યાં તેણે પાટા પર લોકલ ટ્રેન નીચે પડતું પડીને આત્મહત્યા કરી લીધી હતી.

આ બાબતે માહિતી આપતાં કનૈયાના રિલેટિવ નીતિન મંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કનૈયાની કંપનીઓ બંધ થયા પછી કનૈયા એપીએમસીમાં જ નોકરીએ લાગી ગયો હતો, પરંતુ છેલ્લા ૬ મહિનાથી જૂના પાંચ લાખ રૂપિયાની ઉઘરાણી માટે તેને અવારનવાર ધમકી મળતી હતી. સોમવારે આ મામલો વણસ્યો હતો, જેને કારણે લેણદાર અને કનૈયા વચ્ચે પહેલાં તો કનૈયો જ્યાં નોકરી કરતો હતો એ કંપનીની બહાર વિવાદ થયો હતો. કનૈયાએ ત્યારે જ લેણદારોને કહ્યું હતું કે હું કમાઈ કમાઈને પૈસા ચૂકવી દઈશ. આમ છતાં આ વિવાદ સાંજ સુધી ચાલ્યો હતો. મામલો અમારા બધાની મધ્યસ્થીથી પતવાનો જ હતો, પણ એ જ સમયે વેપારીઓની વચ્ચે કનૈયાને માર મરાતાં કનૈયો ત્યાંથી ભાગી ગયો હતો અને ત્યાર પછી તે ફોન ઉપાડતો જ નહોતો.’

ત્યાર પછીની માહિતી આપતાં નીતિન મંગેએ કહ્યું હતું કે ‘અમે પોલીસ-સ્ટેશનમાં જઈને ફોનનું લોકેશન શોધ્યું હતું અને એ સમય દરમ્યાન કનૈયાએ તેના ભાઈનો ફોન ઉપાડ્યો હતો. ત્યારે કનૈયાએ કહ્યું કે ‘હું જાઉં છું... તારી ભાભીનું અને મારા દીકરાનું ધ્યાન રાખજે...’ એ જ સમયે ફોન પર ટ્રેનનો અવાજ સંભળાયો હતો. થોડી વારમાં અમને ઘણસોલી રેલવે-સ્ટેશનથી પોલીસનો ફોન આવ્યો અને કહ્યું કે તરત જ ઘણસોલી સ્ટેશન પર આવી જાઓ. અમે દોડીને ત્યાં ગયા હતા. ત્યારે પોલીસ કનૈયાએ જે જગ્યાએ આત્મહત્યા કરી હતી ત્યાં ઊભી હતી. અમે તેની ડેડબૉડી જોઈને ધ્રૂજી ગયા હતા.’

કનૈયાના પરિવારે આ મામલાની ઘણસોલી રેલવે-પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની પત્નીના સ્ટેટમેન્ટમાં કનૈયાના લેણદારો સામે કનૈયાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કરાયો છે.

ઘણસોલી પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કનૈયા ગજરાના પરિવારની ફરિયાદની નોંધ લીધી છે. આ બાબતની તપાસ કરીને અમે કનૈયાના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિઓ પર કાયદાકીય કાર્યવાહી કરીશું.’

ગઈ કાલે બુરા ગામના મુંબઈમાં વસતા લોકો પણ ઘણસોલી પહોંચી ગયા હતા. આ માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામના પ્રતિનિધિમંડળે ગઈ કાલે સવારે નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર સુરેશ મેંગડેને મળીને આ બનાવની ગંભીરતાથી તપાસ કરવાની વિનંતી કરી હતી. સુરેશ મેંગડેએ બુરા ગામના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે તેઓ બનાવની ત્વરિત તપાસ હાથ ધરીને કનૈયાના આત્મહત્યા માટે જવાબદાર લોકો પણ કડક કાર્યવાહી કરશે અને કનૈયાના પરિવારને ન્યાય અપાવશે.

mumbai mumbai news navi mumbai apmc market