ઘરકામ કરતી ૩૮ વર્ષની મહિલા ૫૦મી વખત ચોરી કરતાં પકડાઈ

19 June, 2021 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુહુમાં ડિઝાઇનરના ઘરમાંથી ૨૫૦૦ અમેરિકન ડૉલરની ચોરી કરી : ચોરી કરવાની આદત પડી ગઈ હોવાથી નામ બદલતી રહેતી

ઈઝી મની મેળવવાની લાલચમાં વનિતા ગાયકવાડને લાગી ચોરીની લત

જુહુમાં એક ડિઝાઇનરના ઘરમાંથી ૨૫૦૦ અમેરિકન ડૉલરની ચોરી કરવાના આરોપસર પોલીસે બે દિવસ પહેલાં ૩૮ વર્ષની ઘરકામ કરતી મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલાએ ૨૦૦૬થી અત્યાર સુધીમાં આવી રીતે અનેક ચોરી કરી હોવાથી તેની ૫૦ વખત ધરપકડ કરાઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. મુખ્યત્વે પશ્ચિમ મુંબઈના અંધેરીથી સાંતાક્રુઝ સુધીના વિસ્તારમાં જુદા-જુદા નામે ઘરકામ કરતી વખતે આ મહિલાએ ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

જુહુ પોલીસ સ્ટેશનમાં જુહુ વિસ્તારમાં રહેતી ડિઝાઇનર દીપિકા ગાંગુલીએ ૨૬ મેએ પોતાના ઘરમાં ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદી ડિઝાઇનરે પોલીસને કહ્યું હતું કે વનિતા ગાયકવાડ નામની એક મહિલાને તેણે ઘરકામ માટે ૧૦ દિવસ પહેલાં રાખી હતી. નવી વ્યક્તિને કામ પર રાખતાં પહેલાં તેના ડૉક્યુમેન્ટ્‌સ ચેક કરવાનું જરૂરી છે. જોકે વનીતાએ પોતાના ડૉક્યુમેન્ટ્‌સ ખોવાઈ ગયા હોવાનું કહ્યું હતું. ૧૦મા દિવસે તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. ઘરમાંથી ૨૫૦૦ ડૉલરની ચોરી કરી હોવાની શંકા તેણે વ્યક્ત કરી હતી.

જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શશિકાંત માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી ડિઝાઇનરની સોસાયટીના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોયા બાદ ખ્યાલ આવ્યો હતો કે અમે જેની દોઢ વર્ષ પહેલાં માનખુર્દમાંથી ધરપકડ કરી હતી એ વનિતા ગાયકવાડ જ અહીં કામે આવતી હતી. અમારી પાસે ૩૮ વર્ષની આ મહિલા આરોપીનાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની સાથે બીજી વિગતો હતી જેના આધારે પ્રૉપર્ટી સેલ અને અમારી ટીમે વનિતા ગાયવાડની ધરપકડ કરી હતી. તે દરેક ચોરી કર્યા બાદ પોતાનું નામ અને રહેવાનું બદલતી રહેતી હતી. આ વખતે તેની વિક્રોલીમાંથી ધરપકડ કરાઈ હતી. તે બે પુત્રીની માતા છે, જ્યારે પતિ નાનું-મોટું કામ કરે છે.’

આરોપીની મોડસ ઑપરેન્ડી વિશે સિનિયર ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘તે ઉચ્ચ સોસાયટીમાં રહેતા લોકોનો સંપર્ક વૉચમૅનની મદદથી કરતી હતી. સોસાયટીમાં કોઈને ઘરકામ માટે જરૂર હોય તો વૉચમૅન વનિતાને તેમને ત્યાં મોકલી આપતો. લોકો તેની પાસેથી તેની ઓળખના ડૉક્યુમેન્ટ્‌સ માગતા ત્યારે તે કહેતી કે તેનું ઘર તૂટી ગયું છે એમાં બધાં કાગળિયાં દબાઈ ગયાં છે એટલે થોડા દિવસમાં આપી દઈશ. ચાર-પાંચ દિવસ કામ કરીને હાથમાં જે વસ્તુ આવે એ ચોરીને તે ગાયબ થઈ જતી હતી.  ચોંકાવનારી વાત એ છે કે દરેક ચોરી બાદ વનિતા પોલીસમાંથી છૂટવા માટે રૂપિયા બચાવતી હતી. કોર્ટમાં તે જજ સામે પોતાના પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે ચોરી કરતી હોવાનું કહીને પોતાને છોડવા માટે કરગરતી.’

mumbai mumbai news Crime News juhu