સપનાં જોવાની કોઈ ઉંમર નથી

04 August, 2021 08:24 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ટ્વેલ્થમાં ૮૦ ટકા લાવનાર બે બાળકોનાં મમ્મી ૩૭ વર્ષનાં હંસા મકવાણાને તો ટીચર બનવું છે

હંસા મકવાણા

મન અને વિચારો મક્કમ રાખીએ તો ઉંમર કે સંજોગો આપણી મજબૂરી નહીં પણ હિંમત બની જાય છે અને અશક્ય પણ શક્ય કરી શકાય છે. એવું કંઈ કરી દેખાડ્યું છે જોગેશ્વરી-ઈસ્ટમાં રહેતાં ૩૭ વર્ષનાં બે દીકરાની મમ્મી હંસા હરેશ મકવાણાએ. હંસા મકવાણા હાઉસવાઇફ છે અને ભણવાનું પસંદ હોવાથી ૨૩ વર્ષ બાદ દસમાની પરીક્ષા આપી અને ત્યાર બાદ બારમાની પરીક્ષા આપ્યા બાદ ગઈ કાલે રિઝલ્ટ જાહેર થતાં તેમને ૭૯.૫ ટકા માર્ક્સ મળ્યા હોવાથી તેમનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે. હવે તેઓ ભણવાનું ચાલુ રાખીને ટીચર બનવાનું સપનું પૂરું કરવા માગે છે.

સપનાં જોવાની કોઈ ઉંમર નથી હોતી એમ કહેતાં હંસા મકવાણાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારો મોટો દીકરો નવમા ધોરણમાં અને નાનો દીકરો સાત વર્ષનો છે. બન્ને પોતાની ઑનલાઇન સ્ટડીમાં વ્યસ્ત રહે છે. હું પણ તેમની સાથે બાજુમાં બેસીને મારી સ્ટડી કરતી હતી. હાઉસવાઇફ હોય એટલે સૌથી બિઝી શેડ્યુલ હોય છે. જોકે પતિ, બાળકો અને પરિવારજનોના સપોર્ટથી ૨૩ વર્ષ બાદ દસમા ધોરણની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. ખૂબ મહેનત કરી અને એ પાસ થતાં આત્મવિશ્વાસ વધી ગયો હતો. ત્યાર બાદ બારમા ધોરણની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. આ બધું ઈઝી જરાય નથી, કારણ કે એટલી ઉંમરે નાનાં બાળકો સાથે દસમાની, બારમાની પરીક્ષા આપવામાં પહેલાં થોડી શરમ લાગતી હતી, પરંતુ પછી મનને સમજાવ્યું હતું. એથી આજે હું કહી શકું છું કે સપનાં જોવા માટે કોઈ ઉંમર નથી હોતી.’

આગળ હવે ટીચર બનવાનું વિચાર્યું છે એમ જણાવીને હંસાબહેને કહ્યું હતું કે ‘ગઈ કાલે રિઝલ્ટ આવ્યું ત્યારે ડર તો લાગી રહ્યો હતો, પરંતુ ૮૦ ટકા આવતાં ખૂબ ખુશ થઈ ગઈ છું. ભણવાનું મને ખૂબ પસંદ છે. બારમા ધોરણમાં પણ અકાઉન્ટ્સ, ઓસી, ઇકૉનૉમિક્સ જેવા નવા વિષયો ભણવાની મજા આવી ગઈ હતી. બારમા ધોરણમાં અસાઇનમેન્ટ્સ, પ્રોજેક્ટ્સ, ઓરલ, પ્રૅક્ટિકલ, ઑનલાઇન એમ કરીને અનેક પરીક્ષા લેવાઈ હતી. એક્ઝામ ક્યારે લેવાશે એ નક્કી ન હોવાથી સ્ટ્રેસ વધી જતું હતું. આગળ પણ અભ્યાસ ચાલુ રાખવાની છું અને પરિવારના સહયોગથી હવે ટીચર બનવાનું પણ વિચાર્યું છે. મને બાળપણથી જ ટીચર બનવાનો ખૂબ શોખ હતો  અને એ પૂરો કરવા આગળ અભ્યાસ કરીશ.’

માર્કશીટ

વિષય            માર્ક્સ

ઇંગ્લિશ           ૮૧

હિન્દી             ૮૧

ઇકૉનૉમિક્સ       ૭૮

અકાઉન્ટ્સ        ૮૩

ઓસી             ૬૭

સીએસ           ૮૭

કુલ               ૪૭૭/૬૦૦

 

એચએસસી બોર્ડનું અત્યાર સુધીનું હાઇએસ્ટ રિઝલ્ટ

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ગઈ કાલે એચએસસીનું રિઝલ્ટ ઇવૅલ્યુએશનના આધારે જાહેર કરાયું હતું, જેમાં રેકૉર્ડ ૯૯.૬૩ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. એચએસસી બોર્ડનું અત્યાર સુધીનું આ હાઇએસ્ટ રિઝલ્ટ છે.

એચએસસી બોર્ડના ચૅરમૅન દિનકર પાટીલે કહ્યું હતું કે ‘કોવિડ-19 મહામારીને લીધે ગયા વર્ષે એચએસસી બોર્ડની પરીક્ષા નહોતી લઈ શકાય એથી સ્ટુડન્ટ્સના ઇન્ટર્નલ અસેસમેન્ટના આધારે રિઝલ્ટ કૅલ્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. સ્કૂલોએ મોકલેલા સ્ટુડન્ટ્સના રિપોર્ટને આધારે માર્ક્સ આપવામાં આવ્યા છે. ઇન્ટર્નલ અસેસમેન્ટ દ્વારા ૧૩,૧૯,૭૫૪ સ્ટુડન્ટ્સના ડેટા મળ્યા હતા, એમાંથી ૧૩,૧૪,૯૬૫ સ્ટુડન્ટ પાસ થયા હતા. એટલે કે કુલ સ્ટુડન્ટ્સમાંથી ૯૯.૬૩ ટકા રિઝલ્ટ જાહેર થયું હતું, જે ગયા વર્ષ કરતાં ૮.૯૭ ટકા વધુ છે.

એ સિવાય ૬૬,૮૭૧ સ્ટુડન્ટ્સે એચએસસી રિપીટ કર્યું હતું એમાંથી ૬૩,૦૬૩ એટલે કે ૯૪.૩૧ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. રાજ્યના એચએસસી બોર્ડનાં ૯ ડિવિઝનમાં કોંકણ ડિવિઝનનું સૌથી વધુ ૯૯.૮૧ ટકા, તો ઔરંગાબાદ ડિવિઝનનું સૌથી ઓછું ૯૯.૩૪ રિઝલ્ટ આવ્યું હતું.

૯૯.૭૩ ટકા વિદ્યાર્થિનીઓ અને ૯૯.૫૪ વિદ્યાર્થીઓ એચએસસી બોર્ડની પરીક્ષામાં ઇવૅલ્યુએશનના આધારે પાસ થયાં હતાં.

mumbai mumbai news 12th exam result jogeshwari preeti khuman-thakur