04 August, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જનરલ ટિકિટ પર ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરતા પ્રવાસીએ ટિકિટચેકરની ઑફિસમાં તોડફોડ કરી
વેસ્ટર્ન રેલવેની વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટચેકર (TC)ને ગઈ કાલે માઠો અનુભવ થયો હતો. વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર પ્રવાસ કરી રહેલા ૩ પ્રવાસીઓએ આ બાબતે TC સાથે પહેલાં જીભાજોડી કરી હતી અને પછી મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.
વિરાર ફાસ્ટ લોકલના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. ટિકિટ તપાસતાં તેમની પાસે જનરલ ટિકિટ હોવાનું જણાઈ આવ્યું હતું, જ્યારે એક પ્રવાસી પાસે તો અંધેરીથી બોરીવલી પ્રવાસ કરવાની ટિકિટ જ નહોતી. TC શમશેર ઇબ્રાહિમે એ ત્રણેયને આગળની કાર્યવાહી માટે બોરીવલી સ્ટેશન પર ઉતાર્યા હતા. તેમને TC-ઑફિસમાં લઈ જતાં પ્રવાસીઓએ તેમની સાથે ઝપાઝપી કરી હતી, એટલું જ નહીં; ઉશ્કેરાયેલા એક પ્રવાસીએ TC-ઑફિસમાં આવેલો ફોન, મૉનિટર, CPU બધું જમીન પર પટકી-પટકીને તોડી નાખ્યું હતું.