✕

વડાલામાં રાહદારી પર ૩ રાઉન્ડ ફાયરિંગ, ઉત્તર પ્રદેશના આરોપીઓ સાથે જૂની અદાવત

19 October, 2026 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે એક કલાકની અંદર બન્ને હુમલાખોરોને પકડ્યા

પકડાયેલા આરોપીઓને લઈ જતી પોલીસ.

વડાલામાં આવેલી સાઉથ ઇન્ડિયન વેલ્ફેર સોસાયટી (SIWS) કૉલેજ નજીક બે હુમલાખોરોએ એક રાહદારી પર ગોળીબાર કર્યો હતો. પોલીસે ઘટનાના એક કલાકની અંદર જ બન્ને શંકાસ્પદ લોકોને ઝડપી લીધા હતા.

માટુંગા પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ઘટના શનિવારે રાત્રે વડાલામાં રફી અહમદ કિડવાઈ રોડ પર આવેલી SIWS કૉલેજ નજીકના ૪ રસ્તા પર બની હતી. આરોપીઓ ટૅક્સીમાં ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને નિશાન બનાવીને ૩ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે ફરિયાદી સુરક્ષિત રહ્યો હતો અને તેને કોઈ ઈજા થઈ નથી. ગોળી નજીક ઊભેલી ટૅક્સીમાં લાગી હતી.’

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાગી રહેલા શંકાસ્પદ લોકોને આંતરી લીધા હતા અને એક કલાકની અંદર જ તેમની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને એક કારતૂસ જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓનાં નામ અલી દાઉદ ખાન અને શોએબ છે. તેઓ વડાલાના રહેવાસી છે. આરોપીઓ અને ફરિયાદી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વતની છે. આ ગોળીબાર જૂની અદાવતનું પરિણામ હોઈ શકે છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.’

mumbai news mumbai wadala Crime News mumbai crime news mumbai police