Dombivali: ડોમ્બિવલીમાંથી જપ્ત કરાયો ૨૭૨ કિલો ગાંજો, બે ઝડપાયા

02 July, 2022 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે તેમની પાસેથી એક વાહન, 47 લાખ 76 હજારની કિંમતનો 272 કિલો ગાંજો અને આઠ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે

પ્રતીકાત્મક તસવીર

માનપાડા પોલીસે ડોમ્બિવલી ગ્રામીણ વિસ્તારના ઉંબર્લીમાંથી બે ગાંજાના દાણચોરોને પકડી પાડ્યા છે. બંને ઓડિશાથી ડોમ્બિવલીમાં ગાંજો વેચવા આવ્યા હતા. બે આરોપીઓ ફૈઝલ ઠાકુર અને આતિફ અંસારી છે. પોલીસે તેમની પાસેથી એક વાહન, 47 લાખ 76 હજારની કિંમતનો 272 કિલો ગાંજો અને આઠ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

ડોમ્બિવલી માનપાડા પોલીસ અધિકારીઓને માહિતી મળી હતી કે કેટલાક લોકો ગ્રામીણ ડોમ્બિવલીમાં વેચાણ માટે ગાંજો લાવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસ અધિકારી અનિલ ભીસેના માર્ગદર્શન હેઠળ એક ટીમે ગ્રામીણ ડોમ્બિવલીના ઉંબર્લી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. આ સમયે પોલીસે એક શંકાસ્પદ વાહન જોયું હતું. પોલીસે વાહનને રોકીને તેમાં સવાર લોકોની પૂછપરછ કરી હતી. તે સમયે, તેણે ઉડતા જવાબ આપ્યો, જેના કારણે પોલીસને બંને પર શંકા ગઈ હતી.

પોલીસે શંકાના આધારે બંનેની અટક કરી વાહનની તપાસ કરી હતી. તે સમયે વાહનમાંથી 272 કિલો ગાંજો અને આઠ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તમામ વસ્તુઓ જપ્ત કરી બંનેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂા. 47.76 લાખ છે.

પોલીસ તપાસ દરમિયાન બંનેએ જણાવ્યું કે તેઓ ઓડિશાથી ગાંજો લાવ્યા હતા. આ ગાંજો નાના વિક્રેતાઓને વહેંચવાનો હતો. પોલીસને આ કેસમાં અન્ય કેટલાક સાથીદારો હોવાની આશંકા છે.

દરમિયાન, મુંબઈમાં આ ગાંજો કોને વેચવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. કલ્યાણ ડોમ્બિવલીમાં આટલી મોટી માત્રામાં ગાંજો પકડાયો હોવાની આ પહેલી ઘટના છે, જેથી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

mumbai mumbai news dombivli Crime News