ભગવાન મહાવીરની ૧૫ ફુટ ઊંચી મૂર્તિ ચોપાટી પર બેસાડીને થશે મહાઆરતી

07 November, 2023 07:30 AM IST  |  Mumbai | Rohit Parikh

ભગવાન મહાવીરસ્વામીના ૨૫૫૦મા નિર્વાણ દિવસે ૧૩ નવેમ્બરે સોમવારે ગિરગામ ચોપાટી પર સાંજે ૬ વાગ્યે જૈન સમાજના ચારેય ફિરકા પહેલી વાર ભેગા મળીને કરશે ભવ્ય મહાઆરતી

પ્રતીકાત્મક તસવીર

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના ૨૫૫૦મા નિર્વાણ દિવસે સોમવાર, ૧૩ નવેમ્બરે સાંજે છ વાગ્યે ગિરગામ ચોપાટી પર પહેલી વાર જૈનોના ચારેય ફિરકાઓ શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથી સાથે મળીને ભગવાન મહાવીરસ્વામીની ૧૫ ફુટ ઊંચી મૂર્તિને સમુદ્ર કિનારે બેસાડીને મહાઆરતી કરશે. મહાવીરસ્વામીની મૂર્તિની સાથે મહાવીરસ્વામીના નિર્વાણ સમયે તેમની પાસે હતા એ નવલચ્છીય રાજાઓ અને નવ મલ્લી દેશના રાજાઓને ત્યાં સ્થાપિત કરવામાં આવશે.

જૈન ધર્મની માન્યતા અનુસાર મહાવીરસ્વામીના નિર્વાણ અવસર પર રાજાઓ દ્વારા દીપદાન કરીને દિવાળી પર્વને મનાવવાની પરંપરા શરૂ થઈ હતી જે આજે પણ ચાલી રહી છે.

આ મહાઆરતીના સહયોજક શ્રી મુંબઈ જૈન સંગઠનના કન્વીનર નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ મહોત્સવને ઐતિહાસિક બનાવવા માટે જૈન ધર્મના બધા ફિરકાઓના સાધુ-સંતોની સાથે સમાજના ગણમાન્ય મહાનુભાવોની સાથે તેમની સંમતિથી નિર્વાણ મહોત્સવમાં ચોપાટીના સાગરતટ પર જૈન સમાજ હાજર રહેશે.

આર્ય દેશની ધરતી પર મહાવીરજન્મ એ આપણા સૌનું સૌભાગ્ય છે એમ જણાવતાં નિર્વાણ મહોત્સવ આયોજન સમિતિના જૈનાચાર્ય સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે આ મહોત્સવની વિશેષતા સમજાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણું સૌભાગ્ય છે કે આ દેશમાં અનેક વિભૂતિઓએ સમય-સમય પર અવતરણ કર્યું છે. આ જ કડીમાં મહાવીરસ્વામીનો જન્મ ભારતમાં ઈસાઈ ૫૪૦ વર્ષ પૂર્વે તત્કાલીન વૈશાલી ગણરાજ્યના કુણ્ડ ગામમાં અયોધ્યા ઇક્ષ્વાકુવંશી ક્ષત્રિય પરિવારમાં થયો હતો. ૩૦ વર્ષની આયુમાં ભગવાન મહાવીરે સંસારથી વિરક્ત થઈને રાજવૈભવનો ત્યાગ કરી દીધો હતો અને સંન્યાસ ધારણ કરીને આત્મકલ્યાણના પંથ પર નીકળી પડ્યા હતા. ૧૨ વર્ષની કઠિન તપસ્યા પછી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યાર બાદ તેમને  સમવસરણમાં જ્ઞાન પ્રસારિત થયું હતું. ૭૨ વર્ષની આયુમાં તેમને કાર્તિક અમાવાસ્યા પર પાવાપુરીમાં મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. જૈન સમાજમાં મહાવીરસ્વામીના જન્મદિવસને મહાવીર જન્મકલ્યાણક અને તેમના મોક્ષ દિવસને દીપાવલિના રૂપમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. જૈન ગ્રંથોમાં તીર્થંકરોની સંખ્યા ચોવીસ જ બતાવવામાં આવી છે. ભગવાન મહાવીર વર્તમાન અવસર્પિણી કાળની ચોવીસીના અંતિમ તીર્થંકર હતા.’ 

jain community girgaum chowpatty culture news mumbai mumbai news rohit parikh