૨૫૦૦૦ વિઝિટર્સ, ૫૦૦૦ કરોડનું શૉપિંગ

09 August, 2022 10:28 AM IST  |  Mumbai | Rohit Parikh

આવો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો લૅબ ગ્રોન ડાયમન્ડ્સ ઍન્ડ જ્વેલરી ૨૦૨૨ને, જેમાં લૅબ ગ્રોન ડાયમન્ડ જ્વેલરીની રેકૉર્ડ ખરીદી થઈ

બીકેસીના એક્ઝિબિશનમાં લોકો

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં તાજેતરમાં યોજાયેલા પાંચ ઑગસ્ટથી આઠ ઑગસ્ટ એમ ચાર દિવસના એક્સપો પ્રદર્શનમાં ભારતીય લૅબ ગ્રોન ડાયમન્ડના ઉત્પાદકો પાસેથી વિશ્વભરના ખરીદદારોએ ૫૦૦૦ કરોડ રૂપિયાના લૅબ ગ્રોન ડાયમન્ડ અને જ્વેલરીની ખરીદી કરી હતી. આ પ્રદર્શનમાં ૨૫,૦૦૦થી વધુ દેશભરના ડાયમન્ડના વેપારીઓએ મુલાકાત લીધી હતી. સમગ્ર દક્ષિણ ભારત, લંડન અને થાઇલૅન્ડના મોટા ભાગના વેપારીઓએ ૭૦૦ કરોડ રૂપિયાના ઑર્ડર પર હસ્તાક્ષર કરીને આ પ્રદર્શનને બહુ મોટી સફળતા અપાવી હતી.

હજી લગભગ ૪૩૦૦ કરોડ રૂપિયાની ખરીદીની પણ મૌખિક રીતે પુષ્ટિ કરવામાં આવી છે, જેના દસ્તાવેજો પર ત્રણથી ચાર દિવસમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આના માટે મોટા ભાગના ખરીદદારો સિંગાપોર, હૉન્ગકૉન્ગ, મધ્ય-પૂર્વ, દિલ્હી અને એનસીઆરના હતા. આમાં સૌથી મોટી ખરીદી મિડલ ઈસ્ટ દ્વારા બાંદેરી લૅબ ગ્રોન ડાયમન્ડ્સની કરવામાં આવી હતી.

લૅબ ગ્રોન ડાયમન્ડ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા લૅબ ગ્રોન ડાયમન્ડ્સ ઍન્ડ જ્વેલરી ૨૦૨૨ ભારતીય અને આંતરરાષ્ટ્રીય જ્વેલરો માટે ભારતનું સૌથી મોટું લૅબ ગ્રોન ડાયમન્ડ અને જ્વેલરીનું પ્રદર્શન હતું. પાંચ હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ ઉત્પાદકોએ ભાગ લીધો હતો, જેમણે તેમની વિવિધ શ્રેણીના હીરા અને ઝવેરાતનું પ્રદર્શન ચાર દિવસમાં કર્યું હતું. આ પ્રદર્શનમાં નવ દેશોએ ભાગ લીધો હતો અને બાર ઇન્ટરૅક્ટિવ ટ્રેડ સેશન્સ અને ફૅશન શો, રૅમ્પ પર ચાલતા મૉડલ દ્વારા ભારત અને વિશ્વભરના વિવિધ ઉત્પાદકો અને પ્રદર્શકોના એલજીડીજેએસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ડાયમન્ડ બુર્સ, સુરત ડાયમન્ડ બુર્સ, ધ મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન, ધ લૅબ ગ્રોન ડાયમન્ડ અસોસિએશન, સુરત અને હીરા ઝવેરાત ઇન્ટરનૅશનલના સહયોગથી યોજવામાં આવ્યું હતું.

અમે આ પ્રદર્શન અને અમને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી ખૂબ જ આનંદ અનુભવીએ છીએ એમ જણાવતાં લૅબ ગ્રોન ડાયમન્ડ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચૅરપર્સન શશિકાંત દલીચંદ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખરીદદારો અને મુલાકાતીઓએ ભારતમાંથી ઉત્પાદિત એલજીડીની આટલી વિશાળ શ્રેણીને પસંદ કરીને એના માટે ઑર્ડર બુક કરવાથી અમારા ઉત્પાદકોમાં અત્યંત ખુશાલીનો માહોલ સર્જાયો છે. આ પ્રદર્શનમાં અમે અમારા વિવિધ ઇન્ટરૅક્ટિવ વેપારીઓએ અને ઉત્પાદકોએ ખરીદદારોને આ ડાયમન્ડ વિશેની ઊંડી સમજણ પણ આપી હતી.’

આ માત્ર કાઉન્સિલ માટે જ નહીં પરંતુ ભારતમાં સમગ્ર એલજીડીજે માર્કેટ માટે એક સ્વપ્ન સાકાર થવાની ક્ષણ છે એમ જણાવતાં લૅબ ગ્રોન ડાયમન્ડ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના કન્વીનર રાજેશ બજાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રદર્શનમાં મળેલા પ્રતિભાવથી કાઉન્સિલને આગામી સમયમાં આનાથી વધારે સારું કરવા માટેનું પ્રોત્સાહન મળશે. હકીકતમાં ગઈ કાલના અંતિમ દિવસે અમારી પાસે અડધાથી વધુ પ્રદર્શકો હતા, જેઓ આગામી પ્રદર્શન માટે તેમનો સપોર્ટ આપવાની પુષ્ટિ કરતા હતા અને અમને શક્ય એટલી વહેલી તકે આયોજન કરવાની વિનંતી કરતા હતા.’

mumbai mumbai news rohit parikh