20 April, 2024 11:23 AM IST | Mumbai | Rohit Parikh
પરિપત્ર
ઘાટકોપર-ઈસ્ટના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘને ૧૨ વર્ષ પહેલાં ડોનેટ કરેલી ૨૩૦૦ સ્ક્વેરફીટની જગ્યા ઘાટકોપરના જ જૈન બિલ્ડર મનીષ શાહે પાછી લઈ લીધી છે, જેને પગલે ઘાટકોપરના જૈન સંઘમાં મોટો વિવાદ સર્જાયો છે. મનીષ શાહે જૈન ઉપાશ્રય માટે ડોનેટ કરેલી જગ્યા ઘાટકોપર-ઈસ્ટમાં ટિળક રોડ પાસે આવેલી એક સોસાયટીમાં છે. એક ડોનરે તેણે આપેલી જગ્યા સંઘ પાસેથી પાછી લઈ લીધી હોય એવો આ કદાચ મુંબઈના જૈન સંઘોમાં પ્રથમ બનાવ છે. મનીષ શાહના નિર્ણયનો વિરોધ કરીને આ જૈન સંઘ તરફથી સમસ્ત મુંબઈના જૈન સંઘો તથા આરાધકોને આ બાબતની જાણકારી આપતો ટ્રસ્ટીઓની સહી સાથેનો ૧૮ એપ્રિલે લખાયેલો બે પાનાંનો પરિપત્ર ગઈ કાલે સમસ્ત મુંબઈના જૈન સંઘો તથા આરાધકોમાં વાઇરલ થયો હતો. એનાથી મુંબઈના જૈન સંઘોમાં ખળભળાટ મચી ગયો છે અને જૈનોમાં આ ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે.
વાઇરલ થયેલા પરિપત્રમાં
ઘાટકોપર-ઈસ્ટના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘે ઉપાશ્રયની જગ્યાના ડોનર મનીષ શાહ સામે ઘણા આક્ષેપો કર્યા છે. પરિપત્રમાં લખ્યું છે: ‘કોઈ પણ દાતા પરિવાર શ્રી સંઘને કે સમાજને દાનમાં જગ્યા આપ્યા બાદ એ જગ્યાની માલિકીનો હક ધરાવતો નથી તેમ જ જે સંઘને કે સમાજને જગ્યા દાનમાં મળી હોય તે એનો માલિક બની જતો હોય છે. મનીષ શાહ અમારા સંઘના મહેતાજી પાસેથી ફોસલાવીને એ ઉપાશ્રયની ચાવી ૨૪ માર્ચે સંઘની ઑફિસમાંથી લઈ જઈને હવે પાછી આપતા નથી. શ્રી સંઘે એ ચાવી પાછી આપવા માટે વારંવાર વિનંતી કરી છે. આના જવાબરૂપે તેમણે (મનીષ શાહે) એ ઉપાશ્રયનાં તાળાં-ચાવી બદલી નાખીને જૂનું તાળું સંઘના ટ્રસ્ટીઓને મીઠાઈના બૉક્સમાં પૅક કરી ભેટરૂપે મોકલી આપીને નિંદનીય કૃત્ય કર્યું છે. તેઓ આ જગ્યા હવે બીજા ગુરુભગવંતોને વેચવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ સિવાય મનીષ શાહે શ્રી સંઘની અંજનશલાકા પ્રતિષ્ઠા દરમિયાન લીધેલા આદેશોની ૩,૯૩,૦૦,૦૦૦ રૂપિયાની રકમ પણ ૧૨ વર્ષથી આપી નથી. હવે તેઓ મહાનગરપાલિકામાં જયાલક્ષ્મી આરાધનાભવનના ઉપાશ્રયના બાંધકામની ફરિયાદો કરીને સંઘને યેનકેન રીતે હેરાન કરીને તેમ જ સંઘની વિરુદ્ધમાં ચૅરિટી કમિશનર અને કોર્ટમાં ખોટા કેસો કરીને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. આથી અમે દરેક સમુદાયના સાધુભગવંતો અને સંઘોને વિનંતી કરીએ છીએ કે તેઓ મનીષ શાહ સાથે જોડાય નહીં અને તેમની પાસેથી કોઈએ કોઈ પણ દાન સ્વીકારવું નહીં.’
આ પરિપત્ર બાબતમાં સંઘ શું કહે છે?
ઘાટકોપર-ઈસ્ટના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના સેક્રેટરી દિનેશ શાહે ‘મિડ-ડે’ને પરિપત્રના સંદર્ભમાં કહ્યું હતું કે ‘અમારે આ બાબતમાં મીડિયા સાથે કોઈ પણ વાતચીત કરવી નથી. અમે ફક્ત અમારા સાધુભગવંતો અને અન્ય સંઘોને અમારી સાથે બનેલી ઘટનાની જાણકારી મળે એ માટે જ આ પરિપત્ર વાઇરલ કર્યો છે. આ સિવાય અમારે કંઈ કહેવું નથી.’
ડોનરની શું સ્પષ્ટતા છે?
ઘાટકોપરના પ્રસિદ્ધ દાનવીર, બિલ્ડર અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના એક સમયે સલાહકાર રહી ચૂકેલા મનીષ શાહનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો
ત્યારે આ બાબતનો આધ્યાત્મિક શબ્દોમાં જવાબ આપતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે આ સંદર્ભમાં કંઈ ડિસ્કસ કરવું નથી, લાંબી ચર્ચા કરવી નથી. સંઘની બાબતમાં કોઈ સ્પષ્ટતા કરવાની ન હોય. એની સ્પષ્ટતા ભગવાન પાસે કરવાની હોય. લોકશાહીમાં જેને જેમ કરવું હોય એમ કરી શકે છે. જૈન ધર્મ એમ કહે છે કે હું એવો ન હોઉં અને કોઈએ મારા પર આક્ષેપો
કર્યા તો મારાં કર્મો એનાથી ખપી જશે. હું તો બિઝનેસમૅન છું અને ૨૯ વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ ગયો છું. મેં જે પાપો કર્યાં નહીં હોય એ પણ મારે ભોગવવાં પડે કે કોઈના આક્ષેપો સહન કરવા પડે તો હું એ બાબતને ભગવાન પર છોડી દઈશ કે તમે જાણો અને એ આત્મા જાણે; મારે એમાં કોઈ લેવાદેવા નથી, હું પિક્ચરમાં નથી. બાકી મારે કંઈ જ કહેવું નથી.’