રાજ્યમાં કોરોના ઇન્ફેક્શનથી 22 પોલીસે જીવ ગુમાવ્યા છે

29 May, 2020 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં કોરોના ઇન્ફેક્શનથી 22 પોલીસે જીવ ગુમાવ્યા છે

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રમાં ગઈ કાલે નોંધાયેલા ચોવીસ કલાકના આંકડા પ્રમાણે કોરોના ઇન્ફેક્શનથી 22 પોલીસ જવાનો મૃત્યુ પામ્યા હતા. મંગળવાર અને બુધવારના ગાળામાં 130 પોલીસ જવાનો કોરોના ઇન્ફેક્શનના પૉઝિટિવ કેસિસમાં ઉમેરાતાં અત્યાર સુધીનો કોરોનાગ્રસ્ત પોલીસ જવાનોનો આંકડો 2095 પર પહોંચ્યો છે. 2095માંથી 236 અધિકારી સ્તરના અને 1859 કૉન્સ્ટેબલ સ્તરના પોલીસ જવાનો છે. એ બધા પોલીસ જવાનો જુદી-જુદી હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. 75 અધિકારીઓ અને 822 કૉન્સ્ટેબલ સારવાર બાદ સાજા થઈ ગયા છે.

લૉકડાઉનમાં પોલીસ જવાનો પર હુમલાની 254 ઘટનાઓ નોંધાઈ હતી. એ હુમલા બાબતે 833 જણની ધરપકડ કરવામાં આવી છે. ડૉક્ટરો અને નર્સિસ સહિત આરોગ્ય ખાતાના 40 અધિકારીઓ-કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. લૉકડાઉનના આદેશનો ભંગ કરવાના 1,16,670 ગુના નોંધાયા છે અને એ ગુનામાં 23,314 જણની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના મુંબઈ સિવાયના ભાગોમાં હોમ ક્વૉરન્ટીનના નિયમોનો ભંગ કરનારા 705 જણને પોલીસે શોધી કાઢ્યા હતા. સમગ્ર રાજ્યના પોલીસ કન્ટ્રોલ રૂમ્સે કોરોના રોગચાળા સંબંધી પૂછપરછના 96,700 કૉલ્સ અટેન્ડ કરીને જવાબ-માર્ગદર્શન આપ્યા હતા. પોલીસે ગેરકાયદેસર વાહનવ્યવહારના 1323 કેસિસ નોંધીને 75,813 વાહનો જપ્ત કર્યાં હતાં. લૉકડાઉનના સમયગાળામાં પોલીસે વિવિધ પ્રકારના ગુના કરનારાઓ પાસેથી દંડરૂપે 5.75 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા.

coronavirus covid19 maharashtra mumbai mumbai police