૨,૦૦૦ની નોટ બદલવા અને ડિપોઝિટ કરવા જુદી-જુદી શરતો?

24 May, 2023 11:48 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગઈ કાલે અનેક કસ્ટમરોને થયો આવો અજબ અનુભવ

ડોમ્બિવલીની બૅન્ક ઑફ બરોડાની એક શાખામાં આવું બોર્ડ લગાડવામાં આવતાં ગ્રાહકો થયા કન્ફ્યુઝ

ડોમ્બિવલી-ઈસ્ટના માનપાડા રોડ પર આવેલી બૅન્કથી માંડીને અનેક બૅન્કોમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા અને ડિપોઝિટ કરવા માટે બૅન્કના કર્મચારીઓ અલગ-અલગ વાતો અને શરતો કહી રહ્યા હોવાનું જણાયું હતું. ક્યાંક બૅન્કના ખાતાધારકો પાસેથી ઓળખપત્ર માગવામાં આવે છે તો કોઈક ઠેકાણે એની જરૂર ન હોવાનું કહેવાય છે.

બૅન્કમાં થયેલા કડવા અનુભવ વિશે વાત કરતાં ડોમ્બિવલીના રાજન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે બપોરે હું ડોમ્બિવલીની માનપાડા રોડ સ્થિત બૅન્ક ઑફ બરોડામાં ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલાવવા ગયો હતો. ત્યાં હાજર વૉચમૅને મને કહ્યું કે આ બ્રાન્ચમાં જેમનું ખાતું હશે તેમને ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલીને નહીં મળે, ખાતામાં જમા કરાવવી પડશે અને ખાતામાં જમા કરાવતી વખતે પૅન કાર્ડની ઝેરોક્સ સહી કરીને આપવી પડશે. એ પછી બૅન્કના મૅનેજરે મને કહ્યું કે જેમનું બૅન્ક ઑફ બરોડામાં ખાતું નથી તેમને જ ૨,૦૦૦ની નોટ બદલીને મળશે, પરંતુ તેમણે પણ કહ્યું કે એક ફૉર્મ ભરીને ફૉર્મમાં લખ્યા મુજબ ઓળખનો કોઈ એક પુરાવો આપવો પડશે. હું સાંભળીને ચોંકી ગયો અને સીધો તેમની કૅબિનમાં ગયો. બૅન્ક મૅનેજરે મને સ્પષ્ટ જણાવ્યું કે અમને ઉપરથી મળેલા સૂચન મુજબ જેમનું બૅન્ક ઑફ બરોડાની બ્રાન્ચમાં ખાતું છે તેમણે ૨,૦૦૦ રૂપિયાની નોટ ફરજિયાત ખાતામાં જ જમા કરાવવાની છે અને જમા કરાવતી વખતે પૅન કાર્ડની ઝેરોક્સ પણ આપવી પડશે. જેમનું બૅન્ક ઑફ બરોડામાં ખાતું નથી તેમને જ ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલીને મળશે, પરંતુ તેમણે એક ફૉર્મ ભરીને ફૉર્મમાં લખ્યા મુજબ ઓળખનો કોઈ પણ એક પુરાવો આપવો પડશે.’

બૅન્કો અલગ-અલગ વાતો કરે છે એમ કહેતાં રાજન ગાલાએ કહ્યું કે ‘બૅન્કમાં ગયો ત્યારે બૅન્કની બહાર બોર્ડ પરનું લખાણ વાંચીને હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિયમ મુજબ ૫૦,૦૦૦ રૂપ‌િયા કે એથી વધુ રોકડ રકમ ખાતામાં જમા કરાવવી હોય તો જ પૅન કાર્ડ આપવું ફરજિયાત છે, પણ ડોમ્બિવલી-ઈસ્ટની બૅન્ક ઑફ બરોડાની શાખા તો એ નિયમ ઘોળીને પી ગઈ હોય એવું લાગે છે અને એના દરવાજા પર લગાડેલા બોર્ડથી પણ એવું લાગે છે.’

એટીએમમાં સ્ટૉક છે ત્યાં સુધી નીકળશે

એક બૅન્ક અધિકારીએ જણાવ્યા અનુસાર શહેરમાં હજી કેટલાંક એટીએમમાં આરબીઆઇ દ્વારા નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત પહેલાં લોડ કરાયેલી ૨,૦૦૦ રૂપિયાની નોટો જ્યાં સુધી સ્ટૉક પૂરો ન થાય ત્યાં સુધી નીકળતી રહેશે, પરંતુ આ નોટો જે-તે ગ્રાહક ફરીથી બૅન્કમાં જમા કરાવી શકશે અથવા ચલણમાં વાપરી શકશે. બૅન્કના ગ્રાહકો એટીએમમાં પણ ૨,૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવી શકશે.

એક ખાનગી બૅન્કના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરબીઆઇની સૂચના અનુસાર જે વ્યક્તિનું બૅન્ક-અકાઉન્ટ અમારી શાખામાં ન હોય તેમણે ફૉર્મમાં એની વિગતો લખીને તેના કોઈ એક આઇડી સાથે આપવાનું જરૂરી છે, કારણ કે એ વ્યક્તિ વારંવાર ટુકડે-ટુકડે ૨,૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કરવા આવે તો અમને કઈ રીતે ખબર પડે, એટલે જે-તે વ્યક્તિનું આઇડી લેવું જરૂરી છે.’

mumbai mumbai news dombivli preeti khuman-thakur