કોરોનાની રસી લીધી હોવાનું બનાવટી સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર આરોપી પકડાયો

16 January, 2022 10:01 AM IST  |  Mumbai | Anurag Kamble

થાણેનો ૨૦ વર્ષનો યુવક પોલીસને ૭૦૦ રૂપિયામાં આવું સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર સુધી લઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

થાણેના રાબોડીના ૨૦ વર્ષના ફૈજુર રહેમાન ફઝલુર શેખની મદદથી થાણેની ક્રાઇમ બ્રાન્ચના ખંડણીવિરોધી સેલના અધિકારીઓ રસી ન લેનારા લોકોને રસીનાં બનાવટી સર્ટિફિકેટ ઇશ્યુ કરનારા આરોપી સૌરભ સિંહ સુધી પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પાલઘરમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર ધનીવમાં ડેટા એન્ટ્રી ઑપરેટરનું કામ કરતો હતો તથા લૉગ-ઇન આઇડી અને પાસવર્ડ જાણતો હતો તેમ જ એની મદદથી તે સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં કાબેલ હતો. 
પ્રારંભિક તપાસમાં જણાયું હતું કે આરોપી આવાં ૨૦ સર્ટિફિકેટ બનાવીને ૧૫,૦૦૦ રૂપિયા કમાયો હતો. ફૈજુર રહેમાન ફઝલુર શેખને નાલાસોપારા-ઈસ્ટમાં વૅક્સિનનાં બનાવટી સર્ટિફિકેટ્સ ઇશ્યુ કરવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં તેણે તત્કાળ આ માહિતી થાણે પોલીસના ખંડણીવિરોધી સેલને પહોંચાડીને તેમની મદદથી સૌરભ સિંહનો સંપર્ક કર્યો હતો.  
સૌરભ સિંહે સર્ટિફિકેટના ૭૦૦ રૂપિયા માગ્યા હતા, જે તેણે થોડી જ મિનિટમાં ટ્રાન્સફર કરતાં તેને તેના મોબાઇલ ફોનમાં બન્ને ડોઝની તારીખ, સેન્ટરની વિગતો તેમ જ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સ્ટૅમ્પ સહિત 
તમામ વિગતો ધરાવતું સર્ટિફિકેટ મળ્યું હતું. પોલીસે તરત જ સૌરભ સિંહ ધરપકડ કરી હતી.

coronavirus covid19 mumbai mumbai news vaccination drive covid vaccine anurag kamble