ઇલેક્શન કમિશનમાં ઑલ ઇઝ નૉટ વેલ?

24 September, 2026 07:35 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપંચે કહ્યું કે બધા જ નિર્ણયો સર્વાનુમતિથી લેવામાં આવ્યા, વિરોધ નોંધાવવો એ સામાન્ય નિર્ણયપ્રક્રિયા છે

મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે ચૂંટણી-કમિશનરો સુખબીર સિંહ સંધુ (ડાબે) અને વિવેક જોશી (જમણે).

બે ચૂંટણી-કમિશનરોએ મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્શિવ રિવિઝનના મુદ્દે ૧૦ મહિનામાં ૧૪ વાર વિરોધ નોંધાવ્યો હોવાના અહેવાલના પગલે ખળભળાટ ઃ વિપક્ષોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું કે વોટચોરીમાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે ઃ ચૂંટણીપંચે કહ્યું કે બધા જ નિર્ણયો સર્વાનુમતિથી લેવામાં આવ્યા, વિરોધ નોંધાવવો એ સામાન્ય નિર્ણયપ્રક્રિયા છે

ચૂંટણીપંચમાં બે ચૂંટણી-કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી તથા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વચ્ચેના મતભેદોને લઈને ગઈ કાલે એક અંગ્રેજી ન્યુઝપેપરમાં પ્રકાશિત થયેલા ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ પછી મોટો રાજકીય વિવાદ ફાટી નીકળ્યો હતો અને વિપક્ષોએ પણ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી. આ સંદર્ભમાં કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક વિડિયો રિલીઝ કરીને વોટ-ચોરીને બંધારણ વિરુદ્ધ ગણાવીને કહ્યું હતું કે ‘હું ચૂંટણીપંચ અને એના ઑફિસરોને સાફ કહેવા માગું છું કે તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો, રાજદ્રોહ કરો છો, દેશના વિરોધમાં છે. એ ભૂલશો નહીં કે સમય આવશે ત્યારે અમે તમને પકડીશું, તમે બચશો નહીં.’ 
આ વિવાદ ૨૦૨૫ના જૂનમાં બિહારમાંથી શરૂ થયેલા મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વચ્ચે બહાર આવ્યો છે. SIR હેઠળ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદારયાદીઓમાંથી ૧૩ કરોડથી વધુ નામો દૂર કરવામાં આવ્યાં છે.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બે ચૂંટણી-કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીની જાણકારી કે મંજૂરી વિના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. ૨૦૨૫ની ૨૮ ઑક્ટોબરથી ૨૦૨૬ની ૧‍૪ ઑગસ્ટ વચ્ચેના ૧૦ મહિનામાં ચૂંટણીપંચના નિર્ણયો સામે બે ચૂંટણી-કમિશનરો દ્વારા ૧૪ વખત લેખિતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ વાંધાઓની નકલો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પણ મોકલવામાં આવી હતી. કેટલાક વાંધાઓ કામનું નિરીક્ષણ કરતા નાયબ ચૂંટણી-કમિશનરોને પણ મોકલવામાં આવ્યા હતા.

ચૂંટણીપંચે આરોપો ફગાવી દીધા
ચૂંટણીપંચે ગઈ કાલે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ​વિશે ચૂંટણી-કમિશનરો વચ્ચે મતભેદના અહેવાલોને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. કોઈ પણ સંસ્થામાં ચર્ચા દરમ્યાન અલગ-અલગ મંતવ્યો અને કમેન્ટ્સ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. એનો હેતુ પારદર્શિતા જાળવવાનો અને કાનૂની ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.’

અસંમતિ વ્યક્ત કરી નથી
જોકે આ બાબતની સીધી જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે ‘કોઈ પણ ચૂંટણી-કમિશનરે કોઈ અસંમતિ વ્યક્ત કરી નથી, તેમણે ફક્ત કેટલાંક અવલોકનો કર્યાં હતાં જેની ચૂંટણીસંસ્થાએ તપાસ કરી હતી. ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પર મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી-કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીની સહીઓ છે. ચૂંટણી પંચના નિયમોમાં જોગવાઈ છે કે જો ત્રણમાંથી બે ચૂંટણી-કમિશનર કોઈ બાબતમાં સંમત થાય તો બહુમતીનો નિર્ણય માન્ય રહે. SIR સહિત ભારતના ચૂંટણીપંચના તમામ નિર્ણયો સર્વસંમતિથી અને ચૂંટણી-કમિશનરો અને મુખ્ય ચૂંટણી-કમિશનરની મંજૂરીથી લેવામાં આવ્યા છે.’

શું વાંધા ઉઠાવ્યા હતા?
ચૂંટણી-કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ૧૦ મહિનામાં ઓછામાં ઓછા ૧૪ વખત ઔપચારિક વાંધો ઉઠાવ્યો હતો, જેમાં ફૉર્મ 6માં ફેરફાર અને મતદારયાદીના ડેટાના કેન્દ્રીકરણ અંગેની ચિંતાઓ સામેલ છે. બે ચૂંટણી-કમિશનરોએ ફૉર્મ 6માં ફેરફારો સામે વાંધો ઉઠાવ્યો હતો, એને ગેરકાયદેસર અને અનધિકૃત ગણાવ્યા હતા અને દલીલ કરી હતી કે મતદાર-નિયમોના 1960ના કાયદામાં સુધારા કર્યા વિના વૈધાનિક ફૉર્મ બદલી શકાતું નથી. વાંધાઓ હોવા છતાં ફેરફારો દૂર કરવામાં આવ્યા નહોતા.

વિપક્ષોને મોટો મુદ્દો મળ્યો
મતદારયાદીને રિવાઇઝ કરવાની કવાયત એવા SIR પર વિપક્ષોને સત્તાધારી BJP પર આક્રમણ કરવાનો મોકો મળ્યો છે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે BJPના લાભ માટે મતદારોને બાકાત રાખવાની આ એક અત્યાધુનિક પ્રક્રિયા હતી.

ચૂંટણીપંચે ઑબ્જેક્શન નોટ્સને ‘નિર્ણયપ્રક્રિયાનો ભાગ’ ગણાવીને ઉઠાવવામાં આવેલી મુખ્ય ચિંતાઓને અવગણી 
ચૂંટણીપંચે ગઈ કાલે ચૂંટણી-કમિશનરોની ઑબ્જેક્શન નોટ્સની વાત સ્વીકારી હતી, પરંતુ એને નિર્ણયપ્રક્રિયાનો ભાગ ગણાવી હતી. પંચે બે કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલા ચોક્કસ વિરોધનો જવાબ આપ્યો નહોતો. આ મુદ્દે ચૂંટણીપંચે આઠ મુદ્દાની એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે ‘કોઈ પણ સંસ્થામાં વિવિધ મંતવ્યો અને અવલોકનો વિચાર-વિમર્શનો સામાન્ય ભાગ છે. અંતિમ નિર્ણય લેતાં પહેલાં એ નિર્ણય લેવાની પ્રક્રિયાનો આ એક ભાગ છે. એના સભ્યો દ્વારા લેખિત નોંધો, અવલોકનો, ટેક્નિકલ સૂચનો અને આંતરિક નિયંત્રણો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) છે અને કમિશનરો દ્વારા આપવામાં આવેલાં સૂચનો ચૂંટણીપ્રક્રિયાઓને વધુ સુધારવા માટે હતાં. તાજેતરના મહિનાઓમાં પંચે અસંખ્ય નિર્ણયો લીધા છે, સૂચનાઓ જારી કરી છે, લગભગ ૪૦ નવી પહેલો રજૂ કરી છે અને દેશભરમાં SIR સહિત ઘણા ચૂંટણીસુધારા હાથ ધર્યા છે. આ બધા નિર્ણયો છેલ્લા એક વર્ષમાં સંપૂર્ણ પંચના સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયોનું પરિણામ છે. ૧૦ મહિનાના સમયગાળામાં ફેલાયેલી ચોક્કસ આંતરિક નોંધો/અવલોકનોને પ્રકાશિત કરવાથી જ્યારે મંજૂરીઓના મોટા જૂથ, નિર્ણયો, સૂચનાઓ અને પહેલને અવગણવામાં આવે છે ત્યારે ચિત્રનો ફક્ત એક જ ભાગ મળે છે.’
ચૂંટણી પંચે ૧૪ નોંધોમાંથી કોઈ પણના અસ્તિત્વ, તારીખો અથવા સામગ્રી પર વિવાદ કર્યો નથી. ફૉર્મ 6માં ફેરફારને કોણે મંજૂરી આપી, પશ્ચિમ બંગાળમાં પુનઃસ્થાપિત મતદારો સામે ચૂંટણીપંચ વતી દાખલ કરાયેલી લાખો અપીલોને કોણે અધિકૃત કરી, ECINet ના ઑડિટ માટે બે કમિશનરોના પ્રસ્તાવનો જવાબ કેમ ન મળ્યો, અથવા મે અને ઑગસ્ટ વચ્ચે સંપૂર્ણ પંચ કેમ મળ્યું નહીં એ જણાવ્યું નથી. 

ચૂંટણીપંચ નિષ્પક્ષ રીતે કામ કરે છે, ૧૦૦ દેશોએ ભારતીય ચૂંટણીપ્રક્રિયાની પ્રશંસા કરી હતી : દેવેન્દ્ર ફડણવીસ
ચૂંટણીપંચની નિર્ણયપ્રક્રિયા સામે ચૂંટણી-કમિશનરો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવેલા વાંધાઓને પગલે સર્જાયેલા રાજકીય વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ચૂંટણીપંચ સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની વિશ્વસનીય અને પારદર્શક ચૂંટણીપ્રક્રિયાની ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ મુક્તકંઠે પ્રશંસા કરી ચૂક્યા છે.
વિપક્ષ દ્વારા ચૂંટણીપંચ પર કરવામાં આવી રહેલા આકરા પ્રહારોનો જવાબ આપતાં તેમણે કહ્યું કે ‘વિપક્ષી પક્ષો ચૂંટણીના મેદાનમાં પોતાની હાર પચાવી શકતા નથી. પરિણામે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તેઓ ચૂંટણીપંચ જેવી સ્વાયત્ત અને બંધારણીય સંસ્થાઓને દોષી ઠેરવવાની નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે.’

ચૂંટણીપંચના મતભેદો સપાટી પર આવ્યા બાદ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

ચૂંટણીપંચના આંતરિક વહીવટમાં તીવ્ર મતભેદો સામે આવ્યાના અહેવાલો બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને આકરા પ્રહારો કર્યા હતા. ઠાકરેએ ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર લોકશાહીની હત્યા કરવાનો અને બંધારણનું અપમાન કરવાનો ગંભીર આરોપ મૂકતાં તેમને તાત્કાલિક પદ પરથી હટાવીને જેલમાં ધકેલવાની માગણી કરી છે. આ સાથે જ તેમણે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની છેલ્લી ચૂંટણીઓ રદ કરીને આ રાજ્યોમાં બૅલટ-પેપર દ્વારા ફરીથી મતદાન કરાવવાની માગણી પણ દોહરાવી છે.  
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન અન્ય બે ચૂંટણી-કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીની જાણ બહાર નિર્ણયો લેવાયા હતા અને ફૉર્મ 6માં ફેરફાર તેમ જ મતદારયાદીના ડેટાબેઝ પર કેન્દ્રીય નિયંત્રણ મેળવવા સામે બન્નેએ વારંવાર લેખિત વાંધો ઉઠાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ આ બન્ને ચૂંટણી-કમિશનરોનો આભાર માનતાં કહ્યું કે તેમણે જ્ઞાનેશ કુમારની પોલ દેશ સમક્ષ છતી કરવાનું સાહસ બતાવ્યું છે.  
મતદારયાદીમાં ગેરરીતિનો આરોપ લગાવતાં તેમણે દાવો કર્યો હતો કે SIR પ્રક્રિયા દરમ્યાન પશ્ચિમ બંગાળમાંથી ૯૦ લાખ અને તામિલનાડુમાંથી ૭૦ લાખ મતદારોનાં નામ રદ કરવામાં આવ્યાં હતાં, ૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પૂર્વે ૪૫ લાખ મતદારો ઉમેરવામાં આવ્યા હતા અને હવે એમાંથી ૪૦ લાખ નાગરિકો સામે વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે.   

દિલ્હીમાં કેવી રીતે મતદારયાદી બદલાઈ? ઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મતદારયાદીમાંથી નામ ઉમેરવા અને દૂર કરવાનો અધિકાર ફક્ત ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO)ને જ છે, તો પછી દિલ્હીમાં બેઠેલા લોકો આખા દેશની મતદાર યાદી કેવી રીતે બદલી રહ્યા છે?

election commission of india political news indian politics rahul gandhi arvind kejriwal uddhav thackeray