પ્રજાસત્તાક દિને રાજ્યની જેલોમાંથી ૧૮૯ કેદીઓને મુક્ત કરવામાં આવશે

23 January, 2023 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેદીઓને તેમની વય, જેલમાં ભોગવેલી કેદ, વિકલાંગતા, આરોગ્યની સ્થિતિ વગેરેના આધારે પસંદ કરવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારના સ્પેશ્યલ રેમિશન એટલે કે માફીના પ્રોગ્રામના ભાગરૂપે પ્રજાસત્તાક દિવસે મહારાષ્ટ્રની જેલોમાંથી કુલ ૧૮૯ અપરાધીઓને છૂટા કરાશે, જેમાં થાણે સેન્ટ્રલ જેલના ત્રણ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. થાણેના ત્રણ કેદીઓ હત્યાની કોશિશ અને અન્ય ગુનાઓ બદલ જેલવાસ ભોગવી રહ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જેલમાં સજા ભોગવતી વખતે સારી વર્તણૂક કરવા બદલ કેટલાક કેદીઓને સ્પેશ્યલ રેમિશન પ્રોગ્રામને પગલે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઑગસ્ટે મુક્ત કરવામાં આવશે. મહારાષ્ટ્રમાંથી ૧૮૯ કેદીઓને જેલમુક્ત કરાશે.’

કેદીઓને તેમની વય, જેલમાં ભોગવેલી કેદ, વિકલાંગતા, આરોગ્યની સ્થિતિ વગેરેના આધારે પસંદ કરવામાં આવ્યા છે.

અધિકારીએ નોંધ્યા પ્રમાણે થાણે સેન્ટ્રલ જેલમાં ૧,૧૦૫ કેદીઓને સમાવવાની ક્ષમતા ધરાવે છે, જેની સામે હાલ એમાં ૪,૫૬૯ કેદીઓ છે. એમાં ૧૩૨ મહિલાઓ, ૭૦ વર્ષ કરતાં વધુ વયના બાવન કેદીઓ અને ૨૦ વર્ષ કરતાં ઓછી વયના ૩૮૬ કેદીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્યાં ૩૦ બંગલાદેશી અને ૩૦ નાઇજીરિયન પણ સજા ભોગવી રહ્યા છે. સત્તાવાર ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં કુલ ૪૩,૦૯૦ કેદીઓ જેલમાં સજા કાપી રહ્યા છે.

mumbai mumbai news thane maharashtra