26 May, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ
માધવબાગ સંકુલમાં પ્રખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આવતી કાલે એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે આ એક ઐતિહાસિક ક્ષણ હોવાથી કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ ખાસ પ્રસંગે કૅબિનેટ પ્રધાન અને મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પણ હાજર રહેશે. આ સાથે મહારાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ હાજર રહેશે.
આ પ્રસંગે મંદિરની સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત નાટક અકાદમીનાં પ્રમુખ સંધ્યા પૂરેચા અને સરફોજી રાજે ભોસલે સંસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને માધવબાગ ચૅરિટીઝના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યે શરૂ થશે. આ દિવસે મહારાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો, નાગરિકો અને મહાનુભાવો હાજર રહે એવી શક્યતા છે.
મુંબઈના સામાજિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર એ મુંબઈના પૌરાણિક સામાજિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. માધવબાગ સંકુલનો ઇતિહાસ ૧૫૦ વર્ષ પહેલાંનો છે, જ્યારે આ વિસ્તાર લાલબાગ તરીકે ઓળખાતો હતો. ઈસવી સન ૧૮૭૪માં કપોળ સમાજના બે અગ્રણી ઉદ્યોગપતિઓ વરજીવનદાસ માધવદાસ અને નરોત્તમ માધવદાસે તેમના પિતાની યાદમાં એક ભવ્ય મંદિર સંકુલ બનાવવાનું નક્કી કર્યું અને જમીનનો મોટો પ્લૉટ ખરીદ્યો હતો. ૧૮૭૫માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના થઈ હતી.
આ મંદિરનું નિર્માણ પોરબંદરના પથ્થરોનો ઉપયોગ કરીને પ્રખ્યાત વાસ્તુ વિશારદ ભીમ રામજીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.